Gujarati News

Gujarati News

News of Monday, 1st October 2018

આજે ગાંધી જ્યંતિ : જુદા જુદા કાર્યક્રમોનું આયોજન

સાબરમતી ગાંધી આશ્રમમાં શ્રદ્ધાંજલિ અપાશેઃ ભાજપના નેતાઓ અમદાવાદ ખાતેથી ખાદીની ખરીદીની શરૂઆત કરશે : મહાત્મા ગાંધી અધ્યયન કેન્દ્રનો શુભારંભ

અમદાવાદ,તા.૧: રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની આવતીકાલે જન્મજ્યંતિની ઉજવણી જોરદારરીતે કરવામાં આવનાર છે. જુદા જુદા કાર્યક્રમોનું આયોજન દેશના વિવિધ ભાગોમાં થઇ રહ્યા છે. ગુજરાત અને અમદાવાના અનેક ભાગોમાં પણ આયોજન થઇ રહ્યું છે. પ્રદેશ ભાજપા મીડિયા સેલની અખબારી યાદીમાં જણાવવામાં આવ્યું છે કે, મહાત્મા ગાંધીજીના ૧૫૦મી જન્મજયંતિની ઉજવણી દેશભરમાં થઇ રહી છે ત્યારે દેશને આઝાદી અપાવનાર પૂજ્ય ગાંધીબાપુએ સમગ્ર વિશ્વને સત્ય, પ્રેમ અને અહિંસાનો સંદેશ આપ્યો હતો. તેવા વિરાટ વ્યક્તિત્વ અને ભારતના રાષ્ટ્રપિતાના સ્મરણમાં દેશભરમાં અનેકવિધ કાર્યક્રમો યોજાનાર છે. સમગ્ર દેશમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સ્વચ્છતા અભિયાન શરૂ કરાવી સમગ્ર દેશવાસીઓને સ્વચ્છ ભારત - સ્વસ્થ ભારતના રૂપમાં પૂજ્ય ગાંધીબાપુને શ્રધ્ધાંજલી આપવા આહવાન કર્યુ છે. ભાજપાના પ્રદેશ અધ્યક્ષ જીતુ વાઘાણી ૨જી ઓક્ટોબરે સવારે ૮.૦૦ થી ૯.૦૦ દરમ્યાન સાબરમતી ગાંધી આશ્રમ ખાતે હદયકુંજમાં પૂજ્ય બાપુજીને શ્રધ્ધાસુમન અર્પણ કરશે તથા તેમની સાથે ભાજપાના અનેક આગેવાનો પણ જોડાશે. મહાત્મા ગાંધીજીના જન્મદિન નિમિત્તે પ્રદેશ અધ્યક્ષ જીતુ વાઘાણી, રાષ્ટ્રીય મહામંત્રી અને પ્રદેશ પ્રભારી ભૂપેન્દ્ર યાદવ તથા પ્રદેશ સંગઠન મહામંત્રી ભીખુ દલસાણીયા આવતીકાલે સવારે ૧૦.૩૦ કલાકે ખાદી સરિતા (લો- ગાર્ડન) અમદાવાદ ખાતેથી ખાદી ખરીદીની શરૂઆત કરશે. તેમની સાથે ભાજપાના આગેવાનો અને કાર્યકરો પણ ઉપસ્થિત રહી ખાદીની ખરીદી કરશે. ખાદી ફોર ફેશન - ખાદી ફોર નેશનને ચરિતાર્થ કરતાં કારીગરોને આજીવિકા પુરી પાડવાનો સંદેશ પ્રસારિત કરવાના પ્રયાસ રૂપે દેશના લોકો ખાદી ખરીદે તેવા ઉમદા આશયથી ગાંધી જયંતિના દિવસથી સમગ્ર ગુજરાતના ભાજપાના આગેવાનો અને કાર્યકરો દ્વારા પણ ખાદીની ખરીદી કરવામાં આવશે. પૂજ્ય મહાત્મા ગાંધીજીને તા.૨જી ઓકટોબર-૨૦૧૮ના રોજ તેમની ૧૫૦મી જન્મજયંતી નિમિત્તે વિધાનસભા ખાતે અધ્યક્ષ દ્વારા પુષ્પાંજલિ આપવાનું નક્કી કરવામાં આવ્યું છે. સવારે ૯-૦૦ કલાકે સૌ પ્રથમ વિધાનસભા સંકુલમાં આવેલી તેમની ભવ્ય પ્રતિમા સમક્ષ, ત્યાર બાદ વિધાસનભા ગૃહમાં તેમના તૈલચિત્રને પુષ્પ અર્પણ કરવામાં આવશે.  પૂજ્ય ગાંધીજીને પુષ્પંજલિ આપવા જાહેર જનતાને આ પ્રસંગે ઉપસ્થિત રહેવા વિધાનસભાના સચિવ દ્વારા જાહેર નિમંત્રણ આપવામાં આવે છે. પૂ. મહાત્મા ગાંધીજીની ૧૫૦મી જન્મજયંતી નિમિત્તે ગુજરાત શૈક્ષણિક સંશોધન અને તાલીમ પરિષદ, ગાંધીનગર ખાતે શિક્ષણ મંત્રી  ભૂપેન્દ્રસિંહ ચુડાસમાના હસ્તે મહાત્મા ગાંધી અધ્યયન કેન્દ્રનું  ઉદઘાટન કરવામાં આવ્યું હતું. આ ઉદઘાટન પ્રસંગે શિક્ષણમત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ જણાવ્યું હતું કે,  સમગ્ર ભારતમાં ગાંધીજી ૧૫૦મી જન્મ જ્યંતિ નિમિત્તે વિશેષ કાર્યક્રમો યોજાશે. આપણે ગાંધીજીને પ્રાસંગિકને બદલે રોજબરોજના જીવન વ્યવહારમાં લાવીએ. વૈષ્ણવજન ભજન દ્વારા વિદ્યાર્થીઓમાં મૂલ્યશિક્ષણનું સિંચન કરીએ. આ અધ્યયન કેન્દ્ર થકી મહાત્મા ગાંધીજીને વધુ સમજવાની અને જાણવાની આપણને તક મળશે. મહાત્મા ગાંધી અધ્યયન કેન્દ્રમાં ગાંધીજી વિશેનું સાહિત્ય ઉપલબ્ધ થશે. આ કેન્દ્રની મુલાકાત લેનાર અધ્યેતાને ગાંધીજી વિશેનું દ્રશ્ય - શ્રાવ્ય સાહિત્ય કે જેમાં ગાંધીગાથા સંદર્ભે ગુજરાતી સાહિત્યના પ્રખર સાહિત્યકાર દ્વારા તૈયાર થયેલા વીડિઓઝ ઉપલબ્ધ હશે.

(10:09 pm IST)