Gujarati News

Gujarati News

News of Monday, 1st October 2018

પત્નિએ પતિની આંખમાં મરચું નાંખીને છરીના ઘા ઝીંકી દીધા

પત્નિ દ્વારા પતિની હત્યાના પ્રયાસથી ભારે ચકચાર : પતિની પ્રથમ પત્નિના દિવ્યાંગ બાળકને સાચવવા બાબતે પતિ-પત્નીની વચ્ચે વારંવાર ઝઘડા થતાં હતા : ઉંડી તપાસ

અમદાવાદ,તા.૧ : અમદાવાદના નરોડા વિસ્તારમાં પત્નીએ પતિને આંખમાં મરચું નાખીને છરીના ઘા ઝીંકી તેની હત્યાનો હિચકારો પ્રયાસ કરતાં સમગ્ર વિસ્તારમાં જબરદસ્ત ચકચાર મચી ગઇ હતી. ઇજાગ્રસ્ત પતિને તાત્કાલિક સારવાર હેઠળ પણ દાખલ કરાયો હતો. ઘટનાની જાણ થતાં નરોડા પોલીસે પણ તાત્કાલિક ત્યાં પહોંચી બનાવ સંદર્ભે જરૂરી ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી હતી.   સાવકા દિવ્યાંગ પુત્રને જમવા આપવાનું પતિએ કહેતાં ઉશ્કેરાયેલી પત્નીએ પોતાના પતિ પર આંખમાં મરચાંની ભૂકી નાંખી છરી વડે હુમલો બોલી દીધો હતો. પતિના આગલી પત્ની દિવ્યાંગ બાળકને સાચવવા બાબતે પતિ-પત્ની વચ્ચે અવારનવાર ઝઘડા થતા રહેતા હતા. ચોંકાવનારી વાત તો એ છે કે, હુમલો કરનાર પત્ની ટયુશન ટીચર છે અને હુમલાનો ભોગ બનનાર પતિ નરોડા વિસ્તારમાં જ ટયુશન કલાસીસ ચલાવે છે. શહેરના નરોડા વિસ્તારમાં આવેલ મધુવન સોસાયટીમાં રહેતા અને ટ્યૂશન ક્લાસીસ ચલાવતા ૪૯ વર્ષીય કનુભાઇ નટવરભાઇ પટેલે નરોડા પોલીસ સ્ટેશનમાં તેમનાં પત્ની લલિતાબહેન વિરુદ્ધમાં હત્યાની કોશિશની ફરિયાદ કરી છે. પતિ-પત્ની ઝઘડા અને પત્ની દ્વારા પતિની હત્યાના હિચકારા પ્રયાસના બનાવની પ્રાપ્ત વિગત મુજબ, ટયુશન કલાસીસના સંચાલક કનુભાઇ પટેલની પહેલી પત્નીનું દોઢ વર્ષ પહેલાં મૃત્યુ થઇ ગયું હતું. કનુભાઇ તેમના પુત્ર મીત સાથે રહેતા હતા ત્યારે એક મેરેજ બ્યૂરોએ તેમને એક ડિવોર્સી અને એક પુત્રીની માતા લલિતાબહેન સાથે લગ્ન કરવા માટેનો પ્રસ્તાવ આપ્યો હતો. કનુભાઇ અને લલિતાબહેન વચ્ચે મનમેળ થઇ જતાં બન્ને જણાએ લગ્ન કરી દીધાં હતાં. કનુભાઇ તેમનો પુત્ર મીત તેમજ લલિતાબહેન અને તેમની સાત વર્ષની પુત્રી દેવાંશી હળી-મળીને રહેતાં હતાં. કનુભાઇ અને લલિતાબહેન બન્ને જણાએ ટ્યૂશન ક્લીસીસ શરૂ કર્યા હતા. ગઇકાલે રાત્રે મીતને ભૂખ લાગી હોવાથી તેણે લલિતાબહેન પાસે જમવાનું માગ્યું હતું. લલિતાબહેને જમવાનું નહીં આપતાં કનુભાઇએ તેમને ટકોર કરીને મીતને જમવાનું આપવા કહ્યું હતું. લલિતાબહેને મીતને જમવાનું આપવાની ના પાડી દીધી હતી અને મકાન મારા નામે કરી દઇશ તેવી વાત કરીને ઝઘડો શરૂ કર્યો હતો. કનુભાઇ બોલે તે પહેલાં લલિતાબહેન રસોડામાં ગયાં હતાં અને હાથમાં મરચું અને છરી લઇને બહાર આવ્યાં હતાં. મીતની હાજરીમાં આજે તને જાનથી મારી નાખીશ તેવું કહીને લલિતાબહેને કનુભાઇની આંખમાં મરચાંની ભૂકી નાખી હતી અને ઉપરાછાપરી છરીઓના ઘા ઝીંકી દીધા હતા. કનુભાઇ ઇજાગ્રસ્ત થતાં તેમને સારવાર માટે નજીકની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જ્યાં તેમની તબિયત નાજુક હોવાથી આઇસીયુમાં રાખવામાં આવ્યા છે. નરોડા પોલીસે આ મામલે લલિતાબહેન વિરુદ્ધમાં હત્યાની કોશિશનો ગુનો દાખલ કરીને તપાસ શરૂ કરી છે. જો કે, આ બનાવને પગલે સમગ્ર વિસ્તારમાં ભારે ચકચાર મચી ગઇ હતી.

(8:12 pm IST)