Gujarati News

Gujarati News

News of Monday, 1st October 2018

સુરતના ડિંડોલી વિસ્તારમાં 5 વર્ષની બે માસૂમ બાળકીઓ પર બળાત્કાર:એકની સ્થિતિ ગંભીર:એક નરાધમ ઝડપાયો:

બાળકીનું ઓપરેશન કરવા છતાં ગંભીર સ્થિતિ :સર્વત્ર ફીટકારની લાગણી

સુરત:સુરતના ડિંડોલી વિસ્તારમાં હેવાનિયતની હદ વટાવી છે ડિંડોલી પોલીસ સ્ટેશનમાં પાંચ વર્ષની બે બાળકીઓ સાથે બે શખ્સોએ રેપ કર્યાના બે જુદા-જુદા કેસ નોંધાયા છે. એક કેસમાં પોલીસે 5 વર્ષની માસૂમ સાથે દુષ્કર્મ કરનારા 19 વર્ષીય મજૂરને ઝડપી પાડ્યો છે જયારે બીજા કેસમાં હજુ સુધી આરોપીની ઓળખ થઈ શકી નથી. બળાત્કારનો ભોગ બનેલી બંને બાળકીઓને ગંભીર ઈજાઓ થઈ છે. બંનેને સારવાર માટે હોસ્પિટલ ખસેડાઈ છે.

 પોલીસે રોશન ઉર્ફે કાલુ ભૂમિહર નામના શખ્સને તેના ઘરેથી ઝડપી પાડ્યો. આરોપીએ નવાગામથી બાળકીનું અપહરણ કરી તેની સાથે પાશવી કૃત્ય કર્યું.
બાળકી શનિવારે બપોરે પોતાના ઘરની બહાર રમી રહી હતી ત્યારે કાલુએ તેનું અપહરણ કર્યું. આરોપી અને પીડિતા બંને ડિંડોલી વિસ્તારના જ રહેવાસી હોવાથી પીડિતાએ આરોપીને ઓળખી બતાવ્યો. આરોપી પીડિતાને અંબિકાનગરમાં આવેલા ખુલ્લા પ્લોટમાં લઈ ગયો જ્યાં જમીનમાં નાખવા માટે લવાયેલી વિશાળ પાઈપમાં લઈ જઈ બળાત્કાર કર્યો. આ દરમિયાન બાળકી ગુમ થતાં તેના માતા-પિતાએ અપહરણની ફરિયાદ નોંધાવી. બાળકીના માતા-પિતા પણ મજૂરી કામ કરે છે.
 એક પોલીસ અધિકારીએ કહ્યું કે, “ફરિયાદ મળતાં જ આશરે 150 જેટલા પોલીસકર્મીઓ બાળકીઓને શોધવામાં લાગ્યા. રવિવારે રાત્રે અઢી વાગે બાળકી દુષ્કર્મ સ્થળેથી જ મળી આવી. જો પોલીસ સમયસર ત્યાં ન પહોંચી હોત તો બાળકીનું મોત થયું હોત.” બાળકીની મેડિકલ તપાસમાં તેની સાથે રેપ થયો હોવાનું સ્પષ્ટ થયું છે. બાળકીને ચહેરા અને પ્રાઈવેટ પાર્ટમાં ઈજા થઈ છે તેની સારવાર ચાલી રહી છે. ડોક્ટર્સે બાળકીનું ઓપરેશન કર્યું છે પરંતુ ડોક્ટર્સનું કહેવું છે કે, બાળકીની હાલત ગંભીર છે અને તેના બચવાના ચાન્સ ઓછા છે
  દુષ્કર્મની બીજી ઘટનામાં પણ ડિંડોલી વિસ્તારના મોદી એસ્ટેટ પાસેથી પાંચ વર્ષની બાળકી રાત્રે 1.45 વાગ્યે રડતી રડતી ઘરે આવી. તેના માતા-પિતા ગાઢ નિંદ્રામાં હોવાથી તે બાળકીના રડતા હોવાનું કારણ ન જાણી શક્યા. રડતી બાળકીને માતા-પિતાએ સુવાડી દીધી પણ સવારે જ્યારે બાળકીના પ્રાઈવેટ પાર્ટ પર થયેલી ઈજા જોઈને માતા-પિતાને કશુંક ખોટું થયાનો અંદાજો આવી ગયો. બાળકીને લઈને માતા-પિતા ન્યૂ સિવિલ હોસ્પિટલમાં આવ્યા જ્યાં તેની સાથે દુષ્કર્મ થયું હોવાનું સ્પષ્ટ થયું.
  પોલીસે કહ્યું કે, “પહેલા માતા-પિતાને લાગ્યું કે બાળકીને રમતા-રમતા વાગી ગયું હશે. પરંતુ તેની સાથે હકીકતમાં શું થયું છે તે તો તેમને સવારે જ ખબર પડી. તેમના ઘરનો દરવાજો અડધો તૂટેલો હતો અને તેમાંથી બાળક સરળતાથી બહાર નીકળી શકે.” પોલીસને શંકા છે રાત્રે બાળકી બાથરૂમ જવા બહાર ગઈ હશે ત્યારે તેની સાથે દુષ્કર્મ થયું. બાળકીના પ્રાઈવેટ પાર્ટમાં ગંભીર ઈજા થઈ છે અને તે હોસ્પિટલમાં દાખલ છે. પોલીસ આરોપીને પકડવાની કોશિશ કરી રહી છે. બાળકીના પિતા કડિયા કામ કરે છે.

(4:33 pm IST)