Gujarati News

Gujarati News

News of Monday, 1st October 2018

ગુજરાતની સંગીતની સલ્તનતના નવાબી ગાયક જનાર્દનભાઈ રાવલનું અવસાન

કેવા રે મળેલા મનના મેળ..., વિઠ્ઠલ વિઠ્ઠલ વિઠ્ઠલા... સહિત અનેક ભકિત સંગીતમાં સ્વર આપ્યો'તો

રાજકોટ, તા. ૧ :. ગુજરાતી સંગીતના મોટા ગજાના કલાકાર જનાર્દનભાઈ રાવલનું આજે સવારે અમદાવાદ ખાતે અવસાન થતા ઘેરો શોક છવાઈ ગયો છે. તેઓએ કેવા રે મળેલા મનના મેળ..., કયાં સુધી ધ્યેયપૂર્તિ ત્યાં સુધી..., વિઠ્ઠલ વિઠ્ઠલ વિઠ્ઠલા... સહિત અનેક ભકિત સંગીતમાં પોતાનો સ્વર આપ્યો હતો. તેમના પત્નિ હર્ષિદાબેન રાવલનું થોડા સમય પહેલા અવસાન થયુ હતું.

જાણીતા કવિ તુષાર શુકલએ સોશ્યલ મિડીયા ઉપર જનાર્દનભાઈ રાવલ (જનુભાઈ)ના અવસાન અંગે દુઃખ વ્યકત કરીને તેમની સાથેના સંસ્મરણો વાગોળતા જણાવ્યુ હતુ કે, કેટલીય વાર કાર્યક્રમમાં જનાર્દનભાઈ રાવલના નામની ઉદ્ઘોષણા કરી રેડીયો પ્રસારણમાં પણ એ નામ બોલ્યો હોઈશ... શ્રૃતિ સંસ્થાના કાર્યક્રમમાં મંચ પરથી તેઓનું નામ બોલાય અને જનુભાઈ હાર્મોનિયમ લે અને ગીત રેલાય... સહિત પાછળ બેઠા હોય ગીતના સ્વરકાર ક્ષેમુ દીવેટીયાને કયારેય તેમના મૂળ સહગાયિકા સુધાબેન (આ રચના ક્ષેમુભાઈ - સુધાબેનના અવાજમાં પણ છે) આ યુગલે અમને ખૂબ ચાહયા. એમના કાર્યક્રમમાં અમને સજોડે સાથે રાખે, વ્હાલ વરસાવે, જનુભાઈ પોતે ખૂબ ઉમદા વાંચકને ભાવક, આધ્યાત્મિક જગતમાં એમનો પ્રવેશ ભકિતસંગીતના કાર્યક્રમમા બન્ને ખીલે, બે ફુલ ચડાવે મૂર્તિ પર...

તુષારભાઈ શુકલએ વધુમાં જનુભાઈનો કંઠ પૌરૂષથી છલકતો, બેસે પણ સાવજની જેમ.. ને છેલ્લે બન્ને ધૂન બોલાવે... બહેન ખોવાઈ જાય પણ જનુભાઈ વ્યવહાર જગતને નહિ સાચવે... આ કલાક્ષેત્રે અમારા પ્રવેશને મોકળા મને વધાવનાર એ ખુલીને દાદ આપે, હાથ ફરકાવે, એ હાથ ફરકાવે એટલે માનવાનું કે લીલી ઝંડી મળી. કવિતાના અર્થઘટનની સમજદારી ધરાવે. મારી રજૂઆતને મુલવતા તેમણે એકવાર કહ્યુ હતુ કે, દરવાજો અંદર ખુલે એ ઉત્તમ... મારા માટે એ ધન્યતા.. આ યુગલે સુગમ સંગીતને ચાહ્યુ, પ્રમાણ્યુને લોકપ્રિય કર્યુ.

તુષારભાઈ શુકલએ વધુમાં જણાવ્યુ કે, પોતાના ચિરંજીવી યુગલ ગીતના સ્વરકારની જન્મતિથિએ જનુભાઈએ પણ વિદાય લીધી છે. (પૂરક માહિતીઃ જ્વલંત છાંયા - સોશ્યલ મિડીયામાંથી - સાભાર)

(4:18 pm IST)