Gujarati News

Gujarati News

News of Monday, 1st October 2018

નર્મદા એસપીના ખળભળાવતા ઐતિહાસિક પત્ર બાદ પગલાનો પ્રારંભ : એક ડઝન અફસરો સાઇડ લાઇન થયા

બુટલેગરોની ગાડીને પાયલોટીંગઃ એલસીબી-એસઓજીની મંજુરીથી દારૂના અડ્ડાઓ : માસાંતે વડાપ્રધાન સ્ટેચ્યુ ઓફ યુનીટીનું લોકાર્પણ કરવાના છે તે ટાંકણે જ ખરા અર્થમાં સફાઇ અભિયાન

રાજકોટ, તા., ૧: બુટલેરો સાથે ખાનગીમાં સમજુતી કરી અને એલસીબી અને એસઓજી દ્વારા દારૂનો ધંધો ચાલુ કરવાની રજા (પરવાનગી) આપવામાં આવે છે અને તે માટે તમારૂ સુપરવીઝન નબળુ છે તેવું ડીવાયએસપીઓને ઉદેશીને નર્મદાના એસપી મહેન્દ્ર બગારીયા દ્વારા જે સણસણતો પત્ર પાઠવવામાં આવેલ, તે પત્ર માત્ર લખવા પુરતો જ ન હોય તેમ નર્મદાના એસપી મહેન્દ્ર બગારીયાએ એલસીબી અને એસઓજી સહિતની મહત્વની જગ્યાએ ફરજ બજાવત એક ડઝન જેટલા પીએસઆઇઓને બદલી નાખ્યા છે.

સુત્રોમાંથી સાંપડતા નિર્દેશ મુજબ મહેન્દ્ર બગારીયાએ ઉકત અધિકારીઓને સાઇડ લાઇન કરવા સાથે એવી ચેતવણી પણ આ અગાઉ આપી હતી કે તમે દારૂના ધંધાઓ બંધ નહિ કરાવો તો મારે જાતે દરોડા પાડવા પડશે અને આવા દરોડા બાદ સંબંધકર્તા સામે આકરા પગલાઓ લેવામાં આવશે.

પોલીસ તંત્રના ઇતિહાસમાં ભાગ્યે જ બન્યું હોય તેવું કોઇ એસપીએ આ રીતે પોતાના તાબાના ડીવાયએસપીઓને પત્ર લખ્યો હોય તે રીતના આ પત્રમાં એવો પણ ઉલ્લેખ કરાયો છે કે બુટલેગરોનો મોટા ટ્રકોમાં જે દારૂ ઉતરે છે આવો દારૂ સહિ સલામત નિયત સ્થાને પહોંચે તે માટે ચોક્કસ પોલીસ અધિકારી દ્વારા બુટલેગરોના દારૂ ભરેલા વાહનોને પાયલોટીંગ આપવામાં આવે છે.

રપ મી સપ્ટેમ્બરે લખાયેલા આ પત્રને કારણે રાજયના પોલીસ તંત્રમાં હલબલાટ મચી ગયો હતો. બીજા જીલ્લાઓમાં પણ કોઇ એસપી આનુ અનુકરણ કરશે તો શું થશે? તેવા ભયથી ચોક્કસ અધિકારીઓ ફફડી રહયા છે. અત્રે યાદ રહે કે કોઇ પણ મોટા શહેરમાં જયારે કોઇ વિસ્તારમાં કે કોઇ પોલીસ સ્ટેશનની હદમાં દારૂનો ધંધો ચાલુ કરવો હોય ત્યારે મોટા શહેરમાં ડીસીબી અને એસઓજીની પરવાનગી બુટલેગરોએ લેવી પડે છે અને ત્યાર બાદ જ ધંધા ચાલુ થઇ શકે.

જીલ્લા કક્ષાએ એલસીબી અને એસઓજી તથા અન્ય મહત્વના સેલોની મંજુરી લેવી પડતી હોવાનું પોલીસ તંત્રમાં વણલખ્યો નિયમ હોવાની ચર્ચાઓ ચાલતી હોય છે. તેને નર્મદા એસપીના પત્રએ પુષ્ટી આપી છે.

ચાલુ માસના અંતે નર્મદા (કેવડીયા કોલોની) ખાતે રમણીય સ્થળે વિશ્વની સૌથી ઉંચી સરદાર વલ્લભભાઇ પટેલની પ્રતિમા 'સ્ટેચ્યુ ઓફ યુનીટી' કે જે અમેરિકાના સ્ટેચ્યુ ઓફ લીબર્ટીથી તથા વિશ્વના તમામ સ્ટેચ્યુ કરતા મોટા છે. નરેન્દ્રભાઇના સ્વપ્નરૂપ આ પ્રતિમાનું ૩૧ મીએ લોકાર્પણ થાય તે પહેલા જ નર્મદાના એસપીએ નરેન્દ્ર મોદીના બીજા સ્વપ્ન સમા સ્વચ્છતા અભિયાન અંતર્ગત પોલીસ તંત્રમાં રહેલ કચરો સાફ કરવા જે સફાઇ અભિયાન ચલાવ્યું તેની ચર્ચાઓ ચોરે અને ચૌટે ચાલી રહી છે.

(3:41 pm IST)