Gujarati News

Gujarati News

News of Monday, 1st October 2018

નિર્ભયા યોજના અન્વયે અમદાવાદને રર૦.૧૧ કરોડની ગ્રાન્ટ કેન્દ્રએ ફાળવી

તત્કાલીન સ્પેશ્યલ પોલીસ કમિશ્નર ડો.કે.એલ.એન.રાવના પ્રયાસો સફળ : મહિલા સુરક્ષા અંતર્ગત ગુજરાતને અ-ધ-ધ ગ્રાન્ટ આપવાનો પ્રારંભ

રાજકોટ, તા., ૧: ગુજરાતને સલામત  શહેરો બનાવવાના પ્રોજેકટના અમલીકરણ અંતર્ગત ભારત સરકારના મહિલા સુરક્ષા વિભાગ ગૃહ મંત્રાલય દ્વારા અમદાવાદ શહેરને સેઇફ સીટી પ્રોજેકટના અમલીકરણ માટે રૂ. રર૦.૧૧ કરોડનું માતબર ફંડ અમદાવાદને ફાળવવામાં આવ્યાનું સુત્રો જણાવે છ.

અમદાવાદને આટલી મોટી રકમનું ઐતિહાસિક ફંડ મળ્યું તેની ભીંતરમાં હાલ પોલીસ ભવનમાં એડીશ્નલ ડીજીપી દરજ્જે ફરજ બજાવતા સિનીયર આઇપીએસ ડો.કે.એલ.એન.રાવના સંનિષ્ઠ પ્રયાસોનો સિંહફાળો હોવાનું પણ સુત્રો વિશેષમાં જણાવે છે.

અમદાવાદને રર૦.૧૧ કરોડની કેન્દ્રની  ગ્રાન્ટ મળે તે માટે અમદાવાદમાં જે તે સમયે સ્પેશ્યલ પોલીસ કમિશ્નર તરીકે ફરજ બજાવતા ડો. કે.એલ.એન.રાવ દ્વારા અભ્યાસ પુર્ણ દરખાસ્ત તૈયાર કરી તેમાં વિવિધ બાબતો દ્રષ્ટાંતો સાથે સામેલ કરી અમદાવાદને આ ગ્રાન્ટ કેટલી જરૂરી છે તેનું પ્રતિપાદીત કરવા સાથે તમામ કવેરી પણ સોલ કરી હતી.

ડો.કે.એલ.એન.રાવે આ બાબતે ચીફ સેક્રેટરી શ્રી ડો.જે.એન.સિંઘ તત્કાલીન એડીશ્નલ ચીફ સેક્રેટરી તથા અમદાવાદના પોલીસ કમિશ્નર એ.કે.સિંઘ વિગેરેનું માર્ગદર્શન મેળવી તમામ પ્રોજેકટ પેપરો સાથે દિલ્હીમાં કેન્દ્રીય ગૃહ ખાતાની મુલાકાત લેવા સાથે સંબંધક વિભાગોની બેથી ત્રણ વખત રૂબરૂ મુલાકાત લઇ પોતાનો પ્રોજેકટ ફુલ પ્રુફ હોવાનું પ્રતિપાદીત કરવામાં સફળ રહયા હતા.

અમદાવાદ માફક રાજયભરમાં પણ સેઇફ સીટી અંતર્ગત વિવિધ  શહેરોને આ ગ્રાન્ટો મળનાર છે. અમદાવાદ શહેરને મળેલ રર૦.૧૧ કરોડની ગ્રાન્ટમાંથી કેન્દ્ર અને રાજય સરકાર દ્વારા ૬ે૦-૪૦ ના ધોરણે ફાળવણી કરવામાં આવશે.

ચાલુ વર્ષથી જ પ્રારંભ થનાર પ્રથમ તબક્કાનું આ કાર્ય ર૦ર૦-ર૧ના સુધીમાં પુર્ણ કરવામાં આવશે તેવુ પણ ઉચ્ચ સુત્રો જણાવી રહયા છે.

પ્રથમ વર્ષના હપ્તાના ભાગરૂપે ૮પ.૯ર કરોડ રહેશે. તેમાં પ૧.પપ કરોડ કેન્દ્રનો અને ૩૪.૩૭ ટકા રાજયનો હિસ્સો રહેશે. કેન્દ્ર દ્વારા મળેલી ગ્રાન્ટ અને તેના અમલીકરણ માટેની કાર્યવાહી કઇ રીતે કરવામાં આવશે? તેની રૂપરેખાથી અમદાવાદના કાર્યદક્ષ પોલીસ કમિશ્નર એ.કે.સિંઘ દ્વારા ચીફ સેક્રેટરી જે.એન.સિંઘ મારફત મુખ્યમંત્રીને વાકેફ  કરવામાં આવશે.

આમ અધિકારીના સંનિષ્ઠ પ્રયાસો હોય અને તે માટે રસપુર્વક અભ્યાસ કરી દરખાસ્ત કરવાના કેવા સુંદર પરીણામ આવી શકે તેનું જીવતુ જાગતું દ્રષ્ટાંત અમદાવાદની ઘટનાએ પુરૂ પાડયું છે.

(3:40 pm IST)