Gujarati News

Gujarati News

News of Monday, 1st October 2018

નડિયાદમાં નકલી ચૂંટણી-આધાર કાર્ડ બનાવવાના કૌભાંડનો પર્દાફાશ

નડિયાદ: એલસીબી ખેડા પોલીસે પાસપોર્ટ બનાવવા માટે આધાર-પુરાવા વગર તેમજ જવાબદાર અધિકારીની મંજૂરી વગર ચૂંટણી ઓળખ કાર્ડ બનાવવાના કૌભાંડનો પર્દાફાશ કર્યો છે. એલસીબી પોલીસે એક કોમ્પ્યૂટર સહિત બે ઈસમોને ૨૯ ચૂંટણીકાર્ડ તથા સહી સિક્કાના સ્ટેમ્પ સાથે ઝડપી વધુ પૂછપરછ હાથ ધરી છે. એલસીબી ખેડા પોલીસને માહિતી મળેલ કે નડિયાદમાં રહેતો ફિરોજભાઈ હબીબભાઈ વ્હોરા ચકલાસીમાં રહેતા પોતાના મિત્ર મુકેશભાઈ કાંતિભાઈ વાઘેલાને ઘરે બેસીને પાસપોર્ટ બનાવવા માટે વોટર કાર્ડમાં ભૂલ હોય તો તે ભૂલને કોઈપણ આધાર પુરાવા વગર તેમજ કોઈ અધિકારીની મંજૂરી વગર સુધારી લેમીનેશનવાળુ ઓળખકાર્ડ બનાવી આપે છે. જેથી એલસીબી ખેડા પોલીસે ચકલાસી ગામે મુકેશના ઘરે જઈ ઝડપી લઈ તપાસ કરતા ઘરમાંથી એક કોમ્પ્યૂટર, સીપીયુ, મોનીટર, કી-બોર્ડ તેમજ માઉસ મળી કુલ રૂા. ૩૮૦૦૦ તેમજ ચૂંટણી ઓળખકાર્ડ નં. ૨૯ તેમજ ઓળખકાર્ડ બનાવવા ઉપયોગમાં લેવાતી સાધન સામગ્રી કબજે કરી હતી. બંને ઈસમો પાસે ચૂંટણી અધિકારીના સહીઓવાળા સ્ટેમ્પ સિક્કા તેમજ ચૂંટણીકાર્ડ બનાવવા માટેનું સાહિત્ય રાખવા માટેનો ચૂંટણી અધિકારીનો ઓથોરીટી લેટર માંગતા રજૂ કરી શકેલ નહીં કે સંતોષકારક જવાબ આપેલ નહીં જેથી બંનેની અટક કરી વધુ પૂછપરછ હાથ ધરી હતી.

(2:42 pm IST)