Gujarati News

Gujarati News

News of Monday, 1st October 2018

સરદાર પટેલની સૂચના બાદ અમૂલની સ્થાપના

સહકારી ક્ષેત્રે ઉત્તમ વહીવટ : પરમાર

અમદાવાદ, તા. ૩૦ : અમૂલના ૧૧૨૦ કરોડના નવીન પ્રકલ્પોનું લોકાર્પણ અને ખાતમૂર્હૂત કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે પ્રારંભમાં સહુનો આવકાર કરતાં અમૂલના ચેરમેન રામસિંહ પરમારે જણાવ્યું કે, સરદાર સાહેબની પ્રેરણાથી ૧૯૪૬માં અમૂલની સ્થાપના થઇ અને સહકારી ક્ષેત્રે ઉત્તમ વહીવટ પ્રદાન કર્યો છે. તેનું સમગ્ર શ્રેય અમૂલના સભાસદોને ફાળે જાય છે. પરમારે જણાવ્યું કે, કુપોષિત બાળકોને પોષણક્ષમ આહાર પૂરો પાડવા માટે રેડી ટુ યુઝ થેરાપ્યુટીક ફુડ પ્રોડકટ વિકસાવી ગુજરાત સરકારની જરૂરિયાત મુજબ પૂરી પાડવાનું કાર્ય હાથ ધર્યું છે. અમૂલ યુનિસેફની મદદથી અન્ય દેશોમાં પણ આરયુટીએફ નિકાસ કરે છે જે ભારત સરકારની મેઇક ઇન ઇન્ડિયાની પ્રતિબધ્ધતા દર્શાવે છે. પરમારે જણાવ્યું કે, રાજય સરકાર અને અમૂલના સહયોગથી રાજયમાં પશુપાલન વ્યવસાયનો વિકાસ થયો છે. રાજયમાં દૂધ ઉત્પાદનમાં વધારો થતાં અમૂલ દ્વારા દૂધ સંપાદનમાં ૨૦ ટકાનો વધારો થયો છે. પરમારે દૂધના પાવડરના ભાવ ઘટાડા દરમિયાન રાજયની ડેરીઓને આર્થિક મદદ કરવા બદલ તેમણે રાજય સરકારનો આભાર માન્યો હતો. આ અવસરે નાયબ મુખ્ય મંત્રી નીતિન પટેલ, રાજય મંત્રી મંડળના સદસ્યો, પ્રદેશ અધ્યક્ષ જીતુ વાઘાણી, સાંસદો, ધારાસભ્યઓ, અમૂલ નિયામક મંડળના સભ્યો, સહકારી આગેવાનો, વિવિધ દૂધ સંઘોના ચેરમેનો, અગ્રણીઓ, પદાધિકારીઓ સહિત વિશાળ સંખ્યામાં ખેડૂતો અને સભાસદો હાજર રહ્યા હતા.

(9:36 pm IST)