Gujarati News

Gujarati News

News of Saturday, 1st September 2018

કાકીએ એક વર્ષના ભત્રીજાને પાણીની ટાંકીમાં નાંખી દીધો

દશામાના વ્રત વેળા ઘરમાં અપવિત્ર વસ્તુઓ લાવી હેરાન કરતાં હોવાથી બદલો લેવાની ભાવના સાથે હિચકારૃં કૃત્ય : લાંભા પાસે લક્ષ્મીપુરા ગામે બનેલી ઘટનાથી ચકચાર

અમદાવાદ, તા.૧ : માણસની અંધશ્રદ્ધા અને બદલાની ભાવના જ્યારે ચરમસીમાએ પહોંચે છે ત્યારે માણસ કોઇ પણ હદ પાર કરી જવા તૈયાર થતો હોય છે. આવી જ અંધશ્રદ્ધા અને બદલાની ભાવનાને ઉજાગર કરતો કાળજા કંપાવી દે તેવો કિસ્સો અમદાવાદ શહેરમાં સામે આવ્યો છે.  શહેરના છેવાડે આવેલા લાંભા નજીકના લક્ષ્મીપુરા ગામના નટવરનગરમાં રહેતી સગી કાકીએ પોતાના એક વર્ષના ફુલ જેવા ભત્રીજાને ધાબા પર આવેલી પાણીની ટાંકીમાં ફેંકી દઇ તેની ઠંડા કલેજે હત્યા કરી નાંખતા સમગ્ર વિસ્તાર સહિત શહેરભરમાં ભારે ચકચાર મચી ગઇ છે. ચોંકાવનારી વાત તો એ છે કે, દશામાના વ્રત દરમ્યાન ઘરમાં અપવિત્ર વસ્તુઓ લાવી હેરાન કરતાં હોવાથી બદલો લેવાની ભાવના સાથે કાકીએ ઘરના સૌ સભ્યના લાડકા એવા એક વર્ષના બાળકની હત્યા કરી નાખી હોવાની કબૂલાત કરતાં એક તબક્કે પોલીસ પણ ચોંકી ઉઠી હતી. અસલાલી પોલીસે આ સમગ્ર બનાવ અંગે જરૂરી ગુનો નોંધી આરોપી કાકીની ધરકપડની તજવીજ હાથ ધરી હતી.       આ અંગે પ્રાપ્ત માહિતી મુજબ, શહેરના લાંભા નજીકના લક્ષ્મીપુરા ગામના નટવરનગરમાં રેખાબહેન ધર્મેન્દ્રસિંહ વાઘેલા (ઉં.વ.૩૪) તેમના પતિ, મોટી દીકરી સંજના, નાની દીકરી કાવ્યા તેમજ એક વર્ષના દીકરા દિવ્યરાજ સાથે રહે છે. તેમની સાથે તેમના દિયર મનોજભાઇ, તેમની પત્ની ભાવના અને સાસુ-સસરા પણ રહે છે. ગત તા.ર૦ ઓગસ્ટના રોજ દક્ષ (દિવ્યરાજ) સવારે ૧૧-૩૦ના સુમારે ઘરમાંથી ગુમ થતાં તેની આસપાસ અને ઘરમાં શોધખોળ હાથ ધરી હતી. ઘરની છત પર આવેલી પાણીની ટાંકીમાં તપાસ કરતાં દક્ષની લાશ મળી આવી હતી. તેને એલ.જી. હોસ્પિટલે લઇ જતાં ડોકટરે મૃત જાહેર કર્યો હતો. આ મામલે અસલાલી પોલીસને જાણ કરાતાં પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઇ હતી. પોલીસે દક્ષના મોતના મામલે અકસ્માતે મોતની ફરિયાદ નોંધી હતી. દક્ષના મૃત્યુ બાદ તેનું મોત પાણીની ટાંકી પડી જવાથી કઇ રીતે થયું હશે તેની સતત ચર્ચા પરિવારજનોમાં ચાલી હતી.બનાવના સમયે ભાવનાબહેન કપડાં સૂકવવા ધાબા પર ગયાં હતાં અને ત્યારે જ દક્ષની લાશ ધાબા પર આવેલી પાણીની ટાંકીમાંથી મળી આવી હતી. ભાવનાબહેન ઉપર પરિવારજનોને શંકા જતાં તેઓની કડક રીતે પૂછપરછ કરી હતી. પૂછપરછમાં જ્યારે ભાવનાબહેને તેમને હકીકત જણાવી ત્યારે ચોંકાવનારી અને પરિવારજનોના પગ નીચેથી ધરતી ખસી જાય તેવી વાત સામે આવી હતી. ભાવનાબહેને ગુસ્સા સાથે પરિવારજનો સમક્ષ કબૂલાત કરીને જણાવ્યું હતું કે દશામાના વ્રત વખતે તમે બધાંએ મને બહુ હેરાન કરી છે. મેં ના પાડવા છતાં ઘરમાં ન લાવવાની અપવિત્ર વસ્તુઓ લાવતાં હતાં. મારા પુત્ર વિવાનને પણ તમે સારી રીતે રાખતાં ન હતાં, જેથી મેં નક્કી કર્યું હતું કે ઘરના તમામ સભ્યને દશામાના વ્રત વખતે જ ધ્રુસ્કે ધ્રુસ્કે રડાવીશ. ઘરમાં દક્ષ સૌનો વહાલો હતો, જેથી રેખાબહેન ઘરમાં જમતાં હતાં. તેના દાદા શંકરસિંહ ઓસરીમાં સૂતા હતા ત્યારે દક્ષને ઊંઘમાં જ ઘોડિયામાંથી લઇ ધાબા પર લઇ જઇ તેને પાણીની ટાંકીમાં નાખી ડુબાડી હત્યા કરી દીધી હતી. વ્રત દરમ્યાન અપવિત્ર વસ્તુઓ ઘરમાં લાવવા જેવી બાબત અને ઘરમાં બીજા પુત્રને સારું ન રાખતાં હોવાને લઇ બદલાની ભાવનાથી એક માતા હોવા છતાં તેના એક વર્ષના ભત્રીજા એવા માસૂમ દક્ષની પાણીમાં ડુબાડી હત્યા કરી નાખી હતી.

 અસલાલી પોલીસે આ મામલે ભાવનાબહેન વિરુદ્ધ હત્યાનો ગુનો નોંધી ધરપકડ કરવાની તજવીજ હાથ ધરી છે. આ બનાવને પગલે શહેરભરમાં ભારે ચકચાર મચી ગઇ હતી. સભ્યસમાજની માનસિકતા કેટલી હદ સુધી વિકૃત થઇ ગઇ છે તેનો પ્રસ્તુત કિસ્સા પરથી ખ્યાલ આવી શકે છે, સમાજે પણ આ સામાજિક સમસ્યા વિશે ગંભીરતાપૂર્વક ચિંતન કરવાની જરૂર છે કે જેથી આવનારી પેઢીને તેના માઠા પરિણામો ભોગવવા ના પડે.

 

(8:17 pm IST)