Gujarati News

Gujarati News

News of Saturday, 1st September 2018

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના સત્તાવાળાઓ દ્વારા હાઇકોર્ટના આદેશના પગલે નાગરિકોને વધુ ને વધુ પે એન્ડ પાર્કની સુવિધા પૂરી પાડવા માટે પે એન્ડ પાર્ક માં રિ ટેન્ડરીંગ પ્રક્રિયા થાય તેવી સંભાવના

૨૫ પે એન્ડ પાર્કમાં કોન્ટ્ર્કટરોએ રસ ન દાખવ્યો : કોન્ટ્રાકટરોની ઉદાસીનતા-નિરસતાને લઇને તંત્ર ચિંતાતૂર

અમદાવાદ, તા.૧ : અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના સત્તાવાળાઓ દ્વારા હાઇકોર્ટના આદેશના પગલે નાગરિકોને વધુ ને વધુ પે એન્ડ પાર્કની સુવિધા પૂરી પાડવા માટેનાં ચક્રો ગતિમાન કરાયાં છે, જેમાં પ્રથમ તબક્કામાં તંત્ર દ્વારા રપ પે એન્ડ પાર્કને અલગ તારવી લેવાયા હતા. જો કે, તંત્રના અસરકારક પ્રયાસો છતાં કોન્ટ્રાકટર્સ દ્વારા અમ્યુકોના પે એન્ડ પાર્ક પ્રોજેકટમાં બહુ રસ દાખવાયો નથી. જેને લઇ હવે અમ્યુકો સત્તાધીશો દ્વારા શહેરના પે એન્ડ પાર્કના પ્રોજેકટમાં રિ ટેન્ડરીંગની પ્રક્રિયા હાથ ધરાય તેવી પણ શકયતાઓ પ્રવર્તી રહી છે. જો કે, કોન્ટ્રાકટરોની ઉદાસીનતા અને નિરસતાને લઇ અમ્યુકો સત્તાાવાળાઓ પણ થોડા ચિંતામાં જરૂર મૂકાયા છે કારણ કે, શહેરીજનોની પાર્કિંગની સમસ્યા દૂર કરવા અમ્યુકોએ ઝડપથી પૂરતી અને યોગ્ય સુવિધા ઉપલબ્ધ બનાવવી જરૂરી છે. કારણ કે, ખુદ તંત્રએ આ અંગેની ઝુંબેશ ઉપાડી છે, ત્યારે તેની અમલવારીમાં વધુ પડતો વિંલબ અમ્યુકો તંત્ર ઇચ્છતું નથી. ઉલ્લેખનીય છે કે, ગત ઓગસ્ટ મહિનાના પ્રારંભથી આ પે એન્ડ પાર્કમાં સમાન દરથી ર્પાકિંગ વ્યવસ્થા લાગુ કરવાની સત્તાધીશોએ જાહેરાત કરી હતી, જોકે નવા પે એન્ડ પાર્કના કોન્ટ્રાક્ટ માટે હજુ સુધી કોઇ કોન્ટ્રાકટરે રસ દાખવ્યો નથી. સત્તાવાળાઓના આયોજનથી તા.૧પ ઓગસ્ટ સુધીમાં આ તમામ પે એન્ડ પાર્કમાં પાર્કિંગની સુવિધા નાગરિકોને ઉપલબ્ધ થનાર હતી. તે મુજબની જાહેરાત પણ ઉચ્ચ સ્તરેથી કરાઇ હતી. પરંતુ આ માટે બહાર પડાયેલા ટેન્ડરમાં માત્ર ત્રણ-ચાર પાર્ટીએ જ રસ દાખવતાં મ્યુનિસિપલ કમિશનર વિજય નેહરા નારાજ થયા હોવાનું જાણવા મળ્યું છે. જાણકાર સૂત્રોના મતે, હવે કોન્ટ્રાકટરોના નબળા પ્રતિસાદના કારણે કમિશનરની સૂચનાથી હવે સમગ્ર મામલામાં રિટેન્ડરિંગ કરાય તેવી શકયતા છે, કે જેથી વધુ કોન્ટ્રાકટરો તેમાં ભાગ લઇ શકે અને ઝડપથી પાર્કિંગની વ્યવસ્થા ઉપલબ્ધ બનાવી શકાય.

 

 

(8:16 pm IST)