Gujarati News

Gujarati News

News of Saturday, 1st September 2018

રિસર્ચ સેન્ટરના બંગલામાંથી યુવતીની મળી આવેલી લાશ

લાશ મળ્યા બાદ ઉંડી તપાસ હાથ ધરવામાં આવી : રહસ્યમય સંજોગોમાં યુવતીની કોહવાઇ ગયેલી હાલતમાં લાશ મળતા તર્કવિતર્કો : બોપલ પોલીસે તપાસ શરૂ કરી

અમદાવાદ, તા.૧ : અમદાવાદ જિલ્લાના શેલા ગામ નજીક આવેલી મુદ્રા ઇન્સ્ટિટ્યૂટ ઓફ કોમ્યુનિકેશન (માઇકા) નામની સંસ્થાના રિસર્ચ સેન્ટરના ખંડેર બંગલામાંથી એક અજાણી યુવતીની કોહવાઈ ગયેલી હાલતમાં લાશ મળી આવતાં ભારે ચકચાર મચી જવા પામી છે. રહસ્યમય સંજોગોમાં યુવતીની મળેલી લાશને લઇ હવે અનેક અટકળો અને અનેક તર્ક વિતર્કો વહેતા થયા છે. બીજીબાજુ, બોપલ પોલીસે પણ યુવતીની હત્યા છે કે આત્મહત્યા કે પછી તેનું કુદરતી મોત થયું છે અને તેણી અહીં આવી કેવી રીતે  સહિતના અનેક સવાલોના જવાબો મેળવવાની દિશામાં સઘન તપાસ આરંભી છે.   શેલા ગામ નજીક માઇકા સંસ્થાની આ જગ્યામાં લોકોની બહુ અવરજવર નથી હોતી તેવી જગ્યામાંથી એક યુવતીની લાશ મળતાં અનેક સવાલો ઉઠી રહ્યા છે. બોપલ પોલીસને બનાવની જાણ થતાં પોલીસે ઘટના સ્થળે પહોંચી જઈ લાશને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપી હતી. પોલીસે હાલ તો, અકસ્માત મોત નોંધી યુવતીની ઓળખ કરવાની તજવીજ શરૂ કરી છે. આ અંગે પ્રાપ્ત માહિતી મુજબ, બોપલ ઘુમા રોડ પર મુદ્રા ઇન્સ્ટિટયૂટ ઓફ કોમ્યુનિકેશન નામની સંસ્થા આવેલી છે. આ સંસ્થાના રિસર્ચ સેન્ટર પાસે એક ફાર્મ હાઉસ જેવું આવેલું છે અને તેમાં બે ત્રણ મકાન આવેલાં છે. લાઈટનું મેઈન સ્વિચ બોર્ડ બંગલામાં આવેલું છે. બે દિવસ પહેલાં લાઈટ બંધ થઈ જતાં સિક્યોરિટી ગાર્ડ બંગલા પાસે ગયો હતો. દરમ્યાનમાં તેને મકાનમાંથી દુર્ગંધ આવી હતી. દુર્ગંધ આવતાં તેણેે આ મામલે સંસ્થાના લોકોને જાણ કરી હતી. તેઓએ આવીને મકાન ખોલતાં અંદરથી કોહવાઈ ગયેલી હાલતમાં આશરે ૨૦ વર્ષની, કાળા કલરના મોતી ટાંકેલું ટોપ અને કોફી કલરની લેગિન્સ પહેરેલી યુવતીની લાશ મળી આવી હતી. બોપલ પોલીસે બંગલામાં તપાસ કરતાં કાંઈ વાંધાજનક વસ્તુ મળી આવી ન હતી. પોલીસે લાશને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપી હતી. હાલ તો, પોલીસે આ બનાવમાં અકસ્માત મોત નોંધ્યું છે પરંતુ જે જગ્યાએથી લાશ મળી આવી છે તે વિસ્તાર જંગલ જેવો છે ત્યાં કોઈની અવરજવર હોતી નથી. સિક્યોરિટી ગાર્ડન ગેટથી ૨૦૦ મિટર દૂર આ ખંડેર જેવો બંગલો આવેલો છે.

ખંડેર બંગલામાંથી એક અજાણી યુવતીની લાશ મળતાં અનેક તર્ક વિતર્ક સામે આવ્યા છે. પોલીસે પણ યુવતીની હત્યા છે કે, આત્મહત્યા કે પછી તેનું કુદરતી મોત થયુ છે તે સહિતના અનેક સવાલોના જવાબ મેળવવાની દિશામાં તપાસ જારી રાખી છે.

 

(8:15 pm IST)