Gujarati News

Gujarati News

News of Saturday, 1st September 2018

રાજ્યના આઠ લાખથી વધુ અધિકારીઓ, કર્મચારીઓ અને પેંશનરોને 2 ટકા મોંઘવારી ભથ્થાનો લાભ અપાશે

નીતિનભાઈ પટેલની જાહેરાત :રાજ્ય સરકારને વાર્ષિક ૮૮૦ કરોડનો વધારાનો ખર્ચ થશે

અમદાવાદ, તા. ૧ : નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલે જણાવ્યું છે કે રાજ્ય સરકારના આઠ લાખથી વધુ અધિકારીઓ-કર્મચારીઓ અને પેન્શનરોને તા.૧-૧-૨૦૧૮ થી બે ટકા મોંઘવારી ભથ્થુ આપવાનો રાજ્ય સરકારે નિર્ણય કર્યો છે. આ મોંઘારી ભથ્થું સપ્ટેમ્બર-૨૦૧૮ ના પગાર સાથે ચુકવવામાં આવશે. જેનાથી રાજ્ય સરકાર ને રૂ.૬૮૦ કરોડનો વધારાનો વાર્ષિક બોજ પડશે. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ સરકારી કર્મચારીઓ માટે અનેકવિધ નિર્ણયો કર્યા છે, જેના ભાગરૂપે આ નિર્ણય કરાયો છે તેમ જણાવી નાયબ મુખ્યમંત્રીએ ઉમેર્યું હતું કે રાજ્ય સરકારના ૧,૮૫,૫૭૫, પંચાત વિભાગના ૨,૦૮,૭૭૧ અને ૪,૨૬,૪૧૪ પેન્શનરો મળી, અંદાજીત કુલ ૮,૨૦,૭૬૪ અધિકારીઓ-કર્મચારીઓ અને પેન્શનરોને રાજ્ય સરકારે સાતમાં નાણાં પંચના લાભો મંજુર કરેલ છે, જે મુજબ હાલમાં પગાર તથા પેન્શન ચુકવવામાં આવે છે. અત્રે ઉલ્લેખનિય છે કે રાજ્ય સરકારે તેના અધિકારીઓ-કર્મચારીઓ અને પેન્શનરોને જન્માષ્ટમી તથા આગામી તહેવારોને ધ્યાને લઈને તા.૧-૧-૨૦૧૮ થી બે ટકા મોંઘવારી ભથ્થું રોકડમાં આપવાનો નિર્ણય કર્યો છે. બીજી બાજુ અન્ય એક મહત્વપૂર્ણ નિર્ણય પણ રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવ્યો હતો. જેના ભાગરૂપે ઘરઆંગણે આરોગ્યની સવલતો પુરી પડાશે. મોટાભાગની આયુર્વેદ ડૉકટરોની ખાલી જગ્યા ભરવામાં આવશે. આ સંદર્ભમાં નાયબ મુખ્યમંત્રી અને આરોગ્ય મંત્રી નીતિનભાઈ પટેલે જણાવ્યું છે કે રાજ્ય સરકાર એલોપેથી સારવારની સાથે સાથે આયુર્વેદ પદ્ધતિથી દર્દીઓને સારવાર મળે તે માટે કાળજી રાખી રહી છે. ઘણા રોગોમાં આયુર્વેદ પદ્ધતિની સારવાર ખૂબ જ કારગત નિવડે છે આથી રાજ્યમાં આયુર્વેદ સારવાર સેવાઓને વ્યાપ વધારવા આરોગ્ય વિભાગે વધારાના ૩૨૭ આયુર્વેદ ડોક્ટરોની નિમણૂંક કરી છે. રાજ્યના અંતરિયાળ વિસ્તારોમાં વસતાં નાગરિકોને ઘર આંગણે જ આરોગ્ય સારવાર મળી રહે તે માટે રાજ્ય સરકારે મહત્વનો નિર્ણય કર્યો છે. રાજ્યભરના સરકારી આયુર્વેદ દવાખાના અને આયુર્વેદ હોસ્પિટલોમાં ૩૨૭ મેડીકલ ઓફિસરોની નિમણૂંક કરતા હુકમો કરવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રીએ ઉમેર્યું કે નાગરિકોને પ્રાથમિક સારવાર સત્વરે પુરી પાડવી એ રાજ્ય સરકારની પ્રાથમિકતા રહી છે.

ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પણ આ અંગે ખાસ ધ્યાન કેન્દ્રીત કરીને સમયબદ્ધ આયોજન કર્યું છે. જેના ભાગરૂપે આ મેડીકલ ઓફિસર (આયુર્વેદ) રેસીડેન્ટ મેડીકલ ઓફિસર (આયુર્વેદ), ગુજરાત આયુર્વેદ સેવા (વર્ગ-૨)ની સીધી ભરતીથી ૩૨૭ તબીબોની નિમણૂંક કરાઈ છે. જેના પરિણામે નાગરિકોને ઝડપથી આરોગ્યલક્ષી સવલતો મળતી થઈ જશે. અત્રે ઉલ્લેખનિય છે કે રાજ્યના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ હેઠળ મેડીકલ ઓફિસર (આયુર્વેદ) રેસીડેન્સ મેડીકલ ઓફિસર (આયુર્વેદ), ગુજરાત આયુર્વેદ સેવા (વર્ગ-૨)ની કુલ ૭૪૧ જગ્યાઓ મંજુર થયેલ છે. જે પૈકી હાલમાં ૨૮૩ જગ્યાઓ ભરાયેલી છે. જ્યારે ૪૫૮ ખાલી રહેલ જગ્યાઓ પૈકી ૩૨૭ જગ્યાઓ ઉપર આ નિમણૂકો આપવામાં આવતા ગ્રામ્ય સ્તરે મોટાભાગના ડોકટરોની ખાલી જગ્યાઓ ભરાઈ જવા પામી છે અને પ્રાથમિક સારવાર નજીકના જ સ્થળે ઉપલબ્ધ બનશે તેમ તેમણે ઉમેર્યું હતું.

(8:15 pm IST)