Gujarati News

Gujarati News

News of Saturday, 1st September 2018

યાત્રાધામ શામળાજીમાં જન્મોત્સવની તડામાર તૈયારી હાથ ધરવામાં આવી

મોડાસા:દેશભરમાં કાળીયા ઠાકોરથી જાણીતા પ્રસિધ્ધ યાત્રાધામ શામળાજીના શ્રી ગદાધર વિષ્ણુ મંદિરે કૃષ્ણ જન્મોત્સવ શ્રધ્ધા-ઉમંગભેર ઉજવાશે.મંદિર ટ્રસ્ટ અને ભક્તજનો દ્વારા તડામાર તૈયારીઓ હાથ ધરાઈ છે.

 


પરંપરાગત રીતે જન્માષ્ટમી પર્વને ઉજવવા શામળીયાના હજારો ભક્તોમાં ભારે ઉત્સાહ વર્તાઈ રહયો છે.ત્યારે મટકી ફોડ,શોભાયાત્રા સહિત ભગવાન કૃષ્ણના જન્મને વધાવી લેવા ભારે થનગનાટ વર્તાઈ રહયો છે.

શ્રાવણ વદ આઠમે જન્માષ્ટમી પર્વની સમગ્ર જિલ્લામાં ભારે ઉમંગ-શ્રધ્ધાભેર ઉજવણી કરવામાં આવનાર છે.ત્યારે ગુજરાતના પ્રસિધ્ધ યાત્રાધામ શામળાજી ખાતે કૃષ્ણ જન્મોત્સવ રંગેચંગે ઉજવવા મંદિર ટ્રસ્ટ દ્વારા તડામાર તૈયારીઓ હાથ ધરાઈ છે.

તા.૩-૯-૨૦૧૮ ને સોમવારને અષ્ટમીના દિને પરંપરાગત રીતે જન્માષ્ટમી પર્વે ઉજવવા શામળાજી નગરને રંગબેરંગી ફુગ્ગાઓ,વિવિધ પ્રકારની ઝળહળતી રોશની  સહિત આસોપાલવોના તોરણથી સજાવવાની તૈયારીઓ આરંભી દેવાઈ છે.જન્માષ્ટમી દિને બેન્ડની સુરાવલીઓ વચ્ચે યોજાનાર શોભાયાત્રામાં ભક્તો મોટીસંખ્યામાં જોડાશે અને યુવાનો દ્વારા ૧૦૦ જેટલા મટકી ફોડના કાર્યક્રમો યોજાશે.

(4:35 pm IST)