Gujarati News

Gujarati News

News of Saturday, 1st September 2018

મહેમદાવાદ નજીક સર્જાયેલ જુદા-જુદા બે અકસ્માતમાં બેને ગંભીર ઇજા

મહેમદાવાદ:માં રહેતાં દિનેશભાઈ ભીખાભાઈ ચૌહાણ ગતરોજ પોતાની મોટરસાઈકલ નં જીજે ૦૭ વીવી ૭૩૭૨ લઈ મહેમદાવાદથી અમદાવાદ તરફના માર્ગ પરથી પસાર થઈ રહ્યાં હતાં. તે દરમિયાન રાસ્કા ગામની સીમમાં એક એસ.ટી બસ નં જીજે ૧૮ ઝેડ ૨૫૭૪ના ચાલકે પોતાની બસ પુરપાટ ઝડપે હંકારી આગળ જતાં વાહનની ઓવરટેક કરવા જતાં દિનેશભાઈના મોટરસાઈકલ સાથે અકસ્માત સર્જયો હતો. 

 


બસની ટક્કર વાગવાથી દિનેશભાઈના શરીરે ઈજા થવાથી તુરંત જ હોસ્પિટલમાં લઈ જઈ સારવાર આપવામાં આવી હતી. આ બનાવ અંગે દિનેશભાઈ ભીખાભાઈ ચૌહાણની ફરીયાદને પગલે મહેમદાવાદ પોલીસે એસ.ટી બસના ચાલક સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. 

જ્યારે બીજા બનાવ અંગે મળતી માહિતી મુજબ વડોદરા-અમદાવાદ એક્સપ્રેસ વે પરથી પસાર થઈ રહેલ એક ટ્રક નં જીજે ૧૬ ડબલ્યું ૬૫૦૨ના ચાલકે વાંઠવાળી ગામની સીમ નજીક પોતાની ટ્રક સેકન્ડ લેનમાંથી અચાનક જ ફર્સ્ટ લેનમાં લાવી દેતાં માર્ગ પરથી પસાર થઈ રહેલ હોન્ડા બી.આર.બી ગાડી નં જીજે ૦૫ જેક્યું ૦૨૯૫ સાથે અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં ગાડીનો ચાલક ઈજાગ્રસ્ત થયો હતો. અકસ્માત બાદ ઈજાગ્રસ્ત ગાડીના ચાલકને સારવાર અર્થે દવાખાને પહોંચાડવાને બદલે ટ્રક ચાલક ત્યાંથી નાસી છુટ્યો હતો. આ બનાવ અંગે સુરતમાં રહેતાં સાહીલ મનુભાઈ શાહની ફરીયાદને આધારે મહેમદાવાદ પોલીસે ટ્રક ચાલક સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

(4:34 pm IST)