Gujarati News

Gujarati News

News of Saturday, 1st September 2018

હાર્દિકના ઉપવાસ સાતમાં દિવસેય યથાવત રીતે જારી

તબિયત બગડ્યા બાદ એમ્બ્યુલન્સ રાખવી જરૂરી : હાર્દિકના ઉપવાસ સ્થળે કોંગ્રેસના પૂર્વ પ્રદેશપ્રમુખ અર્જુન મોઢવાડીયા, શૈલેષ પરમાર અને હિંમતસિંહ પણ પહોંચ્યા

અમદાવાદ,તા. ૩૧ : પાટીદારોને અનામત અને ખેડૂતોની દેવા માફી મામલે હાર્દિક પટેલના આમરણાંત ઉપવાસનો આજે સાતમો દિવસ હતો અને તેની તબિયત દિન પ્રતિદિન લથડતી અને કથળતી જાય છે પરંતુ હાર્દિક પોતાની લડાઇ અને ન્યાય માટે બહુ મક્કમ છે. દરમ્યાન હાર્દિકના છેલ્લા સાત દિવસથી આમરણાંત ઉપવાસના કારણે તેની લથડી રહેલી તબિયતની ગંભીરતા ધ્યાને લઇ આજે પાસ તરફથી પાસ નેતા નિખિલ સવાણીએ સોલા પોલીસ સ્ટેશનમાં અરજી આપી હતી અને હાર્દિકના હેલ્થ મોનિટરિંગ માટે એમ્બ્યુલન્સ રાખવા માટે માંગણી કરી હતી. બીજીબાજુ, હાર્દિકના ઉપવાસ આંદોલનના સમર્થનમાં અમદાવાદ શહેર સહિત રાજયના વિવિધ જિલ્લા અને તાલુકાઓમાં પાટીદારો, ખેડૂતો સહિતના લોકોમાં સમર્થનનો જુવાળ વધતો જાય છે. આજે અમદાવાદમાં સોલા ઘુમા ખાતે, મારૂતિનંદન મંદિર-વૈષ્ણોદેવી સર્કલ પાસે, દેત્રોજના રાધાકૃષ્ણ મંદિર, જાખોરા ગામ સહિતના અનેક સ્થળોએ હાર્દિકના સમર્થનમાં પ્રતિક ઉપવાસ અને રામધૂન સહિતના કાર્યક્રમો યોજાયા હતા. દરમ્યાન આજે ઉપવાસના સાતમા દિવસે હાર્દિકે ટ્વિટ કરતા લખ્યું કે, ખેડૂતોની દેવા માફી અને અનામતને લઈ અન્ન અને જળના ત્યાગ સાથે વિજય સંકલ્પ, આમરણાંત ઉપવાસનો આજે સાતમો દિવસ છે. લડીશ પણ હાર નહીં માનું, પહેલા હું ભગતસિંહના માર્ગ પર હતો પણ હાલ હું ગાંધીના માર્ગ પર છું. જોઉં છું કે સરકાર જીતશે કે મહાત્મા.. જયહિંદ. બીજીબાજુ, મુસ્લિમ સમાજ દ્વારા સાંજે ચાર વાગ્યે માણેકચોક ખાતે એહમદશાહ દરગાહ ખાતે હાર્દિકના સારા સ્વાસ્થ્ય માટે દુઆ-બંદગી કરવામાં આવી હતી. છેલ્લા ૨૪ કલાકમાં હાર્દિકના વજનમાં વધુ ૯૦૦ ગ્રામનો ઘટાડો થયો છે. આમ, છેલ્લા સાત દિવસમાં હાર્દિકનું કુલ વજન છ કિલો જેટલુ ઘટી ગયું છે. દરમ્યાન હાર્દિકના વિજય સંકલ્પ આમરણાંત ઉપવાસને સમર્થન આપવા માટે આજે બપોરે કોંગ્રેસના પૂર્વ પ્રદેશ પ્રમુખ અર્જુન મોઢવાડીયા, ધારાસભ્ય શૈલેષ પરમાર અને ધારાસભ્ય હિંમતસિંહ પટેલ પણ પહોંચ્યા હતા.

હાર્દિકને મળવા માટે પૂર્વ ધારાસભ્ય અને કોંગી નેતા કનુભાઈ કળસરિયા પણ આવ્યા હતા, તેમણે હાર્દિકની લથડતી તબિયત જોઇ ભારે સંવેદના પ્રગટ કરતાં જણાવ્યું હતું કે, સરકારને કંઇક સદ્બુધ્ધિ સૂઝે તેવી પ્રાર્થના કરીએ. પહોંચ્યા હતાસાથે સાથે એનએસયુઆઇના અગ્રણી વિદ્યાર્થી નેતાઓ પણ હાર્દિકના ખબરઅંતર પૂછવા પહોંચ્યા હતા. હાર્દિકના મેડિકલ ચેકઅપ કરનાર ડોકટર નમ્રતા વડોદરિયાએ જણાવ્યું હતું કે,  હાર્દિકે શુક્રવારથી પ્રવાહી લેવાનું પણ બંધ કરી દીધું છે. છેલ્લા ૨૪ કલાકમાં હાર્દિકનું વજન ૯૦૦ ગ્રામ ઘટ્યું છે, જ્યારે તેણે બ્લડ-યુરિનના સેમ્પલ આપવા ઈન્કાર કરી દીધો છે. જ્યારે ઉપવાસ આંદોલનના પ્રથમ દિવસે હાર્દિકનું વજન ૭૭.૮૦૦કિલો ગ્રામ હતું અને ઉપવાસ આંદોલનના સાતમા દિવસે ૫.૯૦૦ કિલો ઘટીને ૭૧.૯૦૦ કિલો ગ્રામ થયું છે. બ્લડ-યુરિનના સેમ્પલ લેવા જરૂરી છે, પણ હાર્દિક પટેલ ના પાડી રહ્યો છે. બ્લડ-સુગરના સેમ્પલ અલગ અલગ સમયે લેવામાં આવ્યા હોવાથી ફેરફાર શક્ય છે. હાલ હાર્દિકનું વજન ૭૧ કિલો અને ૯૦૦ ગ્રામ છે. અમે એમને હજી પણ હોસ્પિટલમાં દાખલ થવાની સલાહ આપી રહ્યા છીએ અને લિકવિડ તથા અનાજ પણ પેટમાં જવું જરૂરી છે. પાણી બંધ કરવાથી શ્વાસ અને હૃદયના ધબકારામાં પણ ફેરફાર આવી શકે છે.

 

(7:24 pm IST)