Gujarati News

Gujarati News

News of Saturday, 1st September 2018

અમદાવાદઃ સગીર બાળકોને વાહન ચલાવવા આપતા ૨પ વાલીઓ સામે પોલીસ ફરિયાદ

અમદાવાદ: અમદાવાદ શહેર ટ્રાફિક પોલીસે બાળકોને વધુ પડતાં લાડ લડાવીને ઉંમર પહેલાં જ વાહન ચલાવવા આપી દેતા વાલીઓ સામે કાર્યવાહી કરી છે. શહેર ટ્રાફિક પોલીસે આવા 25 વાલીઓ સામે FIR દાખલ કરી છે. પોલીસે મોટર વ્હિકલ્સ એક્ટ હેઠળ નવરંગપુરા, નારણપુરા, ગુજરાત યુનિવર્સિટી, મેમનગર અને ડ્રાઈવ-ઈન વિસ્તારમાંથી લાઈસન્સ કે સેફ્ટી વિના વાહન ચલાવતા 15-18 વર્ષની વચ્ચેના બાળકોના માતા-પિતા સામે ગુનો દાખલ કર્યો છે.

પોલીસે જણાવ્યું કે, પ્રથમવાર આ પ્રકારે આવા વાલીઓ સામે FIR દાખલ કરાઈ છે. ટ્રાફિક (વેસ્ટ) DCP સંજય ખારટે જણાવ્યું કે, “અમે B ડિવિઝન પોલીસ સ્ટેશન હેઠળ આવતાં વિસ્તારમાંથી ડ્રાઈવિંગ લાયસન્સ મેળવ્યું ન હોવા છતાં વાહનો ચલાવતા બાળકોના વાલીઓ સામે 25 FIR નોંધી છે. વાલીઓએ 1000 દંડ ભરવો પડશે અને દંડ ભરવામાં નિષ્ફળ રહ્યા તો 3 મહિનાની જેલની સજા ભોગવવી પડશે.”

ટ્રાફિક (વેસ્ટ) DCP સંજય ખારટે જણાવ્યું કે, “ઘણા નાગરિકોએ સૂચનો આપ્યા હતા કે વાહન ચલાવવાની યોગ્ય ઉંમર પહેલા જ બાળકોને વાહન ચલાવવા આપી દેતા વાલીઓ સામે પગલાં ભરવામાં આવે. પોલીસના ધ્યાનમાં પણ આવ્યું કે સગીર વાહનચાલકો ટ્રાફિકના નિયમોનો ભંગ કરે છે. સાથે જ તેમની અને રોડ પર જતા લોકો, અન્ય વાહનચાલકોના જીવને પણ જોખમમાં મૂકે છે.”

25 FIR દાખલ કરનારા PI કે.ડી. નકુમે જણાવ્યું કે, “કેટલાક વાલીઓ બાળકો લાયસન્સ મેળવવાની ઉંમરે પહોંચ્યા નથી તે બાબતને ધ્યાનમાં લીધા વિના જ વાહન ચલાવવા આપી દે છે. પહેલા અમે સગીર વાહન ચાલકોના વાહનો કાયદેસર રીતે કબ્જે કરતાં હતા પરંતુ વાલીઓ દંડ ભરીને વાહનો છોડાઈ જતા. આ વખતે અમે વાલીઓ સામે ગુનો નોંધવાનું શરૂ કર્યું છે, જેથી વાલીઓ આ મામલે કંઈ શીખે.”

(5:51 pm IST)