Gujarati News

Gujarati News

News of Saturday, 1st September 2018

આ વખતે અમદાવાદમાં નવરાત્રીમાં વરસાદ રંગમાં ભંગ પાડે કે નહીં પરંતુ ટ્રાફિક અને પાર્કિંગની સમસ્યા ખેલાડીઓને સતાવશે

અમદાવાદઃ આ વખતે અમદાવાદીઓના ગરબાના રંગમાં ભંગ પડી શકે છે અને તે વરસાદના કારણે પડશે કે તેની તો ખબર નથી પણ પાર્કિંગ સમસ્યાને લઈને શહેરમાં કડક થયેલા પોલીસ અને કોર્પોરેશનના કારણે અમદાવાદના પ્રમુખ કલ્બ્સમાં પાર્કિંગ સ્પેસ ઓછી હોવાથી સભાસદો સિવાયના લોકોને પ્રવેશ પર પાબંદી અંગે વિચારણા થઈ રહી છે.

પાછલા દોઢ મહિનાથી ટ્રાફિક પોલીસ અને કોર્પોરેશન દ્વારા ચાલી રહેલ ટ્રાફિક ડ્રાઈવ અને ચુસ્ત નિયમોના પાલનને કારણે શહેરના બે પ્રમુખ કર્ણાવતી ક્લબ અને રાજપથ ક્લબે નિર્ણય કર્યો છે કે તેમના નવરાત્રી ઉત્સવમાં ફક્ત ક્લબના મેમ્બર હોય તેમને જ પ્રવેશ આપવામાં આવશે. કર્ણાવતી ક્લબના પ્રમુખ જયેશ મોદીએ કહ્યં કે, ‘રોડ પર કોઈ જાતની ટ્રાફિક સમસ્યા ન સર્જાય તે માટે મેનેજમેન્ટે નિર્ણય કર્યો છે કે આ વખતે નવરાત્રીમાં ક્લબના સભ્યો અને તેમના ગેસ્ટને જ પ્રવેશ આપવામાં આવશે જોકે સભ્યોએ પોતાના ગેસ્ટ માટે પહેલાથી પાસ ખરીદી લેવા પડશે. જેથી કરીને પાર્કિંગ વ્યવસ્થા અંગે વ્યવસ્થા થઈ શકે.’

સામાન્ય રીતે ઉત્સવના આ દિવસોમાં રોજ 8000-10000 લોકો આવતા હોય છે તેની જગ્યાએ ક્લબના આ નિર્ણયના કારણે રોજના લગભઘ 3000થી 4000 લોકોની એન્ટ્રી સુધી સિમિત થઈ જશે. તેટલેથી ન અટકતા ક્લબ દ્વારા તેની આસપાસ આવેલ બે વિશાળ પ્લોટને પણ પાર્કિંગ ફેસેલિટી માટે ભાડે લેવામાં આવશે. જ્યારે ક્લબમાં આવેલ પાર્કિંગ સ્પેસમાં એકસાથે 800 જેટલી કાર પાર્ક થઈ શકે છે.

જ્યારે બીજા કેટલાક ક્લબ એવા છે જેઓ જાહેર ગરબા આયોજીત તો કરશે પણ દૈનિક એન્ટ્રી પર એક મર્યાદા બાંધી દેશે. જેમ કે YMC ક્લબમાં ગરબા ઓયાજીત કરનાર ઇવેન્ટ મેનેજર હિમાંશુ શાહે કહ્યું કે, ‘ભલે અહીં ગરબા કોમર્શિયલી આયોજીત કરવામાં આવશે પરંતુ અમે દરરોજ ઇશ્યુ કરવામાં આવતા પાસ પર એક લિમિટ નક્કી કરી દઈશું જેના કારણે પાર્કિંગની કોઈ સમસ્યા ના ઉદ્ભવે.’

જોકે આ નિર્ણયના કારણે ક્લબને થતી આવકમાં ઘણો ઘટાડો થશે. ક્લબની આવકમાં નવરાત્રીનો ઉત્સવ સૌથી મોટો ફાળો મનાતો હતો. સામાન્ય રીતે મોટાભાગની ક્લબમાં નવરાત્રીના પહેલા બે દિવસ ફક્ત ક્લબ મેમ્બર માટે હોય છે તેના બાદ ત્રીજા દિવસથી સામાન્ય લોકોને પાસના આધારે પ્રવેશ મળે છે. ક્લબની જગ્યામાં ગરબા આયોજીત કરતી કંપનીઓ દ્વારા આ માટે ક્લબને રુ. 50 લાખ જેટલી રકમ પણ ચૂકવાતી હતી. જ્યારે આ વખતે ટ્રાફિક ઇશ્યુ અને પાર્કિંગ ન હોવાના કારણે ક્લબ્સને ઘણું મોટું નુકસાન જવાની શક્યતા છે.

જ્યારે રાજ્યના ટ્રાફિક પોલીસ DG વિપુલ વિજોયે કહ્યું કે, ‘તેઓ અમદાવાદ, વડોદરા, સુરત અને રાજકોટના પોલીસ કમિશ્નરને પત્ર લખી જાણ કરશે કે કોઈપણ નવરાત્રી આયોજકોને મંજૂરી આપતા પહેલા તેમની પાસે જરુરી પાર્કિંગ સુવિધા છે કે નહીં તેની પૂરી ખાતરી કરે ત્યાર બાદ જ મંજૂરી આપે.’

(5:49 pm IST)