Gujarati News

Gujarati News

News of Saturday, 1st September 2018

વડોદરામાં પોતાના જીવન જોખમે આવાસ યોજનાના મકાનોમાં રહેતા લોકોના મકાન ખાલી કરાવાયાઃ અનેક લોકો ભાડુઆત તરીકે રહેતા હતા

વડોદરાઃ અમદાવાદના ઓઢવ વિસ્તારમાં ઈન્દિરા આવાસમાં ઈમારત ધરાશાયી થયાંની ઘટના બાદ વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન પણ હરકતમાં આવ્યું છે. શહેરના દંતેશ્વરમાં આવેલા વાલ્મિકી આંબેડકર આવાસ યોજના (વામ્બે)ના મકાનોમાં કોર્પોરેશને દરોડા પાડી ભાડુઆતના મકાનો ખાલી કરી સીલ મારવાની કામગીરી હાથ ધરી હતી. નોંધનીય છે કે વડોદરાની અનેક સરકારી ઈમારતો પણ એવી છે. જેમાં વર્ષોથી કોઈ જ પ્રકારનું સમારકામ કરાયું નથી.

વડોદરામાં આવેલી અનેક ઈમારતોમાં લોકો પોતાના જીવના જોખમે રહે છે. શહેરના દંતેશ્વર વિસ્તારમાં વામ્બે આવાસ યોજનામાં 828 મકાનો છે. જેમાં આજે સવારે મહાનગરપાલિકાના અધિકારો અને દબાણ શાખાની ટીમ પોલીસના ચુસ્ત બંદોબસ્ત સાથે ત્રાટકી હતી. આ દરમિયાન જે લોકો ભાડેથી રહેતાં હતાં તેમને મકાન ખાલી કરાવાયાં હતાં. આ પછી મકાનોને સીલ કરવામાં આવ્યાં હતાં.

નોંધનીય છે કે અમદાવાદમાં ઈમારત ધરાશાયી થવાની ઘટના પછી મુખ્યમંત્રી વિજયભાઈ રુપાણીએ રાજ્યમાં રહેલા જૂના મકાનો માટે રિડેવલપમેન્ટનો નિર્ણય લીધો છે. જેમાં મકાનોથી અથવા અન્ય મિલકતોથી આસપાસના વિસ્તારોમાં નુકસાન થાય તેમ હોય તેવા કિસ્સામાં રીડેવલપમેન્ટ થશે.

(5:47 pm IST)