Gujarati News

Gujarati News

News of Sunday, 1st August 2021

હવે શાળાઓનો સમય રાબેતા મુજબનો થશે : કોરોના પૂર્વેનો નિર્ધારિત સમય રાખવા સૂચના

શાળાઓનો સમય કોરોના પૂર્વેનો નિર્ધારિત રાખવા માટે શિક્ષણ વિભાગ દ્વારા તાકીદ કરાઈ

અમદાવાદ :કોરોના કેસોમાં ઘટાડો નોંધાતો ગયો છે. તેને ધ્યાનમાં લઇને સરકાર તરફથી એક પછી એક ક્ષેત્રોને શરૂ કરવાની છૂટ આપી દીધી છે. રાત્રિ કરફયુના સમયમાં પણ ઘટાડો કરતાં ગયા છે. ત્યાં સુધી કે શાળાઓમાં ઓનલાઇનના સ્થાને પ્રત્યક્ષ શિક્ષણ ( ઓફલાઇન ) શરૂ કરવાનો નિર્ણય કર્યો છે. પરંતુ હવે રાજયની સરકારી અને બિન સરકારી અનુદાનિત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં પ્રત્યક્ષ શિક્ષણ કાર્ય શરૂ થઇ ગયું હોવાથી હવે શાળાઓનો સમય કોરોના પૂર્વેનો નિર્ધારિત રાખવા માટે શિક્ષણ વિભાગ દ્વારા સૂચના જારી કરવામાં આવી છે.

સ્કૂલ ઓફ કમિશનરના સંયુક્ત શિક્ષણ નિયામક એચ.એન. ચાવડાએ રાજયના તમામ જિલ્લા શિક્ષણાધિકારીઓને જારી કરેલી સૂચના મુજબ 31 જુલાઇ સુધી રાજયની સરકારી અને બિન સરકારી અનુદાનિત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓનો સમય સવારનો રાખવા અંગે સૂચના આપવામાં આવી હતી. પરંતુ હવે ધો.9થી 12ની શાળાઓમાં તા.26મી જુલાઇથી પ્રત્યક્ષ શિક્ષણ કાર્ય શરૂ કરવા સૂચના આપવામાં આવી છે.

રાજયની સરકારી અને બિન સરકારી અનુદાનિત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં પ્રત્યક્ષ શિક્ષણ શરૂ થયું હોવાથી શાળાઓનો સમય કોરોના મહામારી પૂર્વ જે તે શાળામાં નિર્ધારિત થયો હતો એટલે કે જે શાળાઓમાં સવારનો સમય હતો તે શાળામાં સવારનો અને જે શાળાઓમાં બપોરનો સમય હતો તે શાળાઓમાં બપોરનો સમય રાખવો. મતલબ કે પુન શાળાઓનો સમય કોરોના મહામારી પૂર્વેની પધ્ધતિ મુજબ યથાવત કરવા સૂચના જારી કરી છે. આ અંગેની જાણ રાજયની તમામ સરકારી અને બિન સરકારી અનુદાનિત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓને કરવા તાકીદ કરાઇ છે

(7:38 pm IST)