Gujarati News

Gujarati News

News of Sunday, 1st August 2021

નાના અને છેવાડાના ખેડૂતોને દિવસની વીજળીનો લાભ મળશે:ગૃહમંત્રી પ્રદિપસિંહ જાડેજા

પીજીવીસીએલ અને ગેટકો સાથે કિસાન સૂર્યોદય યોજના અને પ્રશ્નો સંદર્ભે સમીક્ષા બેઠક યોજાઇ

ભુજ : ગૃહરાજયમંત્રી પ્રદિપસિંહ જાડેજાએ આજરોજ કલેકટર કચેરી ભુજ ખાતે પીજીવીસીએલ અને ગેટકો સાથે કિસાન સૂર્યોદય યોજના અને તેના વિવિધ પાસાંઓ, પ્રશ્નો અને પ્રજાલક્ષી વિકાસ કામો અંગે સમીક્ષા બેઠક યોજી હતી.

મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી, નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલના નેતૃત્વમાં રાજય સરકારના પાંચ વર્ષ સુશાસનના હેઠળ યોજાનારા કાર્યક્રમો પૈકી તા.૫/૮/૨૦૨૧ના રોજ કચ્છ-ભુજ ખાતેથી કિસાન સન્માન દિવસ નિમિતે રાજયમાં ૧૫૦૦ ગામોમાં દિવસે વીજળી પ્રારંભ કરાવાશે એ નિમિતે ગૃહરાજયમંત્રીએ પશ્ચિમ કચ્છ વીજ કંપની લિ. (પીજીવીસીએલ) અને ગુજરાત એનર્જી ટ્રાન્સમિશન કોર્પોરેશન લિ. (ગેટકો) ના અધિકારીઓ સાથે તેમની કામગીરી અને કિસાન સૂર્યોદય યોજના અંગે સમીક્ષા બેઠક યોજી હતી.
રાજયના ૧૫૦૦ ગામ પૈકી જિલ્લાના ૧૪૭ ગામોમાં કિસાન સૂર્યોદય યોજના અમલી થશે જે આ બાબતે  જાડેજાએ નાના છેવાડાના ખેડૂતોને આનો લાભ ઝડપથી મળે તે માટે સબંધિતોને ઝડપથી અમલવારી કરવા સૂચના આપી હતી.
પીજીવીસીએલ મેનેજીંગ ડિરેકટર ડો.ધીમંત વ્યાસે મંત્રીશ્રીએ વિભાગ સબંધિત વિગતો પુરી પાડી હતી તેમજ આગામી આયોજનોથી અવગત કર્યા હતા.
ગૃહરાજયમંત્રીએ આ તકે જિલ્લામાં વીજ પ્રવાહ અને વીજ સમસ્યા તેમજ કરવાની યોગ્ય અમલવારી અંગે દિશાનિર્દેશ કર્યા હતા. તેમણે જણાવ્યું હતું કે, આ યોજનાથી નાના સિંમાત અને છેવાડાના ખેડૂતોને દિવસની વિજળીનો ઝડપભેર લાભ મળશે.
ગેટકોના અધિક્ષક ઈજનેર ડી.બી.વામજા પાસેથી સબસ્ટેશનો અને કિસાન સૂર્યોદય યોજનાના વિવિધ પાસા અંગે ચર્ચા કરી હતી. ઓકટોબર-૨૨ સુધી કિસાન સૂર્યોદય યોજનાના ૧૧ કે.વી. કુલ ૫૬૨ ફીડરો કાર્યરત થઇ જશે.
અબડાસા વિસ્તારમાં ભાનાડા અને સાંધવના સ્ટેશનોની ચર્ચા ધારાસભ્ય પ્રધ્યુમનસિંહ જાડેજા સાથે રાખી કરાઇ હતી. આ બેઠકમાં જાડેજા સાથે સાંસદ વિનોદભાઇ ચાવડા, ધારાસભ્ય ડો.નીમાબેન આચાર્ય અને અગ્રણી કેશુભાઇ પટેલ જોડાયા હતા.
ગૃહરાજયમંત્રી તેમના પણ સૂચનો, પ્રશ્નો અંગે પૃચ્છા કરી વિગતે માહિતગાર થયા હતા તેમજ સબંધિતોને જરૂરી દિશાસૂચન કર્યા હતા.
પવનચક્કી, વીજચોરી, સબસ્ટેશનો, સબસ્ટેશનોની આ રીવ્યુ બેઠકમાં કલેકટર પ્રવિણા ડી.કે., જિલ્લા વિકાસ અધિકારી ભવ્ય વર્મા, આર.એ.સી. કુલદીપસિંહ ઝાલા, ભુજ પ્રાંત અતિરાગ ચપલોત તેમજ પીજીવીસીએલ ભુજ અને અંજાર વર્તુળ કચેરીના ઈજનેરઓ ઉપસ્થિત રહયા હતા.

(6:50 pm IST)