Gujarati News

Gujarati News

News of Sunday, 1st August 2021

અમદાવાદના ઈસ્કોન ગ્રીન બંગ્લોઝમાં પરિવારને બંધક બનાવી કરોડોની લૂંટ : સનસનાટી

લૂંટારુઓ હથિયાર લઈ ઘરમાં ઘૂસી સોનાના દાગીના, આઇપેડ, રોકડ અને BMW ગાડીની તેમજ ઘરની ચાવી પણ લઈ ગયા: 4 લુંટારૂ ટોળકીએ લુંટને અંજામ આપી ફરાર

અમદાવાદ શહેરમાં આવેલ ઘુમાના ઈસ્કોન ગ્રીન બંગ્લોઝમાં લૂંટારુઓ હથિયાર લઈ ઘરમાં ઘૂસી આવ્યા હતા. ઘરમાંથી તેઓ સોનાના દાગીના, આઇપેડ, રોકડ અને BMW ગાડીની તેમજ ઘરની ચાવી પણ લઈ ગયા હતા.આ બનાવની જાણ પોલીસને કરતા કાફલો તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યો હતો. પોલીસે બંગ્લામાં લાગેલ તમામ સીસીટીવી કેમેરા ચેક કરી આરોપીઓની ધરપકડ કરવા માટે તજવીજ હાથ ધરી છે.

બોપલના ઈસ્કોન ગ્રીન બંગ્લોમાં ગત મોડી રાતે લુંટનો બનાવ બન્યો છે. આ લૂંટારુઓ ઘાતક હથિયારો સાથે ઘરમાં ઘૂસી આવી પરિવાર પર હુમલો કર્યો હતો અને 50 તોલા સોનુ, 5 કિલો ચાંદી ,રોકડ રકમ અને મોબાઈલ, ટેબ્લેટની લૂંટ ચલાવી ફરાર થઈ ગયા હતા. ઘટનાની જાણ થતાં બોપલ પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી. આ અંગે જિલ્લા DySP કે.ટી. કામરીયાએ જણાવ્યું હતું કે, બંગલોઝમાં પાછળના ભાગે ખેતરમાંથી પ્રવેશ્યા હતા. પાછળના ભાગે કોઈ સીસીટીવી નથી. ગેટ આગળ એકમાત્ર સિક્યુરિટી ગાર્ડ છે. FSl અને ડોગ સ્ક્વોડની મદદ લેવામાં આવી છે. આરોપીઓને પકડવા અંગે તજવીજ ચાલી રહી છે. પોલીસે ગુનો નોંધી બંગલોઝમાં લાગેલા સીસીટીવીની તપાસ શરૂ કરી છે.

4 લુંટારૂ ટોળકીએ લુંટને અંજામ આપી ફરાર થયા બાદ ગ્રામ્ય પોલીસ દોડતી થઈ ગઈ છે. ગ્રામ્ય એલસીબી, એસઓજી અને સ્થાનિક પોલીસની અલગ અલગ ટીમો આરોપીની શોધખોળમાં લાગી છે. ઘરની તપાસ કરતા પોલીસને શંકા છે કે લુંટારુ જાણભેદુ હોઈ શકે છે. કારણ કે ઘરના મુખ્ય દરવાજા પર ડીઝીટલ લોક હતુ. માટે જ આરોપીએ મુખ્ય દરવાજાને નુકશાન પહોચાડ્યા સિવાય લોખંડની ગ્રીલ કાપી પ્રવેશ કર્યો. ઉપરાંત જે રૂમમા સોના ચાંદીના દાગીના અને રોકડ રકમ હતી તે રૂમમાં જ લુંટ કરવામા આવી છે. જેથી પોલીસને શંકા છે કે, આરોપીને સંપુર્ણ માહિતી આપવામાં આવી છે અથવા જાણભેદુ હોઈ શકે છે

(6:47 pm IST)