Gujarati News

Gujarati News

News of Saturday, 1st August 2020

ગૌરક્ષાની આડમાં તોડબાજી :ગૌરક્ષક તરીકેની ઓળખ અપનારાએ 7 હજાર ના આપતા પોલીસ કેસ કર્યો હતો

તોડબાજી કરનારા બે ગૌરક્ષકો વિરૂદ્ધ ઓઢવ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ

અમદાવાદઃ રાજ્યમાં ગૌરક્ષાનાં નામે પૈસા કમાવાના હેતુથી બની બેઠેલા  લેભાગુઓ ફરી રહ્યાં છે ઓઢવ પોલીસે આવા બે લેભાગુ તોડબાજ ગૌરક્ષકો (Gau Rakshak) વિરુદ્ધ ફરિયાદ નોંધી કાર્યવાહી કરી છે. ગાંધીનગર જિલ્લાના દહેગામ તાલુકાના બહિયલ ગામે રહેતાં મુકેશ ચંદુ સલાટ ટાટા 407 ચલાવી પોતાનું ગુજરાન ચલાવે છે. શુક્રવારે સવારે શરફુભાઈ નામના વ્યક્તિને કહેવાથી બહિયલ ગામથી તેમની ટાટા 407માં 7 પાડા ભરી પરોઢે 5 વાગ્યે જુહાપુરા જતા હતાં.

સોનીની ચાલી પાસે ગાડી પહોંચી તે સમયે રિંગરોડ સર્કલ તરફ કાર ચાલકે મુકેશભાઈને ટ્રક રોકવા કહ્યું હતું. ટ્રક રોકનાર બે વ્યક્તિએ ગૌ રક્ષક તરીકે પોતાની ઓળખ આપી મુકેશભાઈને પોલીસ કેસ ના થવા દેવો હોય તો રૂ. 7000 આપવા પડશે તેમ જણાવ્યું હતું. મુકેશભાઈએ રૂ. 200 આપતા બન્ને આરોપીએ પૈસા લઈ અપશબ્દો બોલી ધાકધમકી આપવાનું શરૂ કર્યું હતું. આરોપીઓએ 7 હજાર પુરાની માંગણી કરી પરંતુ મુકેશભાઈ પાસે પૈસા ન હોવાથી ઓઢવ પોલીસ બોલાવી બંનેએ કેસ કર્યો હતો.

મુકેશભાઈએ જામીન પર મુક્ત થઈ તોડબાજીની જાણ તેમના શેઠને કરી હતી. આ અંગે શેઠે ફરિયાદ કરવા જણાવ્યું હતું. આથી મુકેશભાઈએ ઓઢવ પોલીસ સ્ટેશનમાં અશોક જગદીશ મકવાણા રહે ભાવડા સોમનાથ સોસાયટી,ઓઢવ અને પ્રવીણ ખેમરાજ જયસ્વાલ રહે,મોહંમદ કસાઈની ચાલી,ઓઢવ જેઓની વિરુદ્ધ ફરિયાદ કરી હતી. પોલીસે આ અંગે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. આરોપીઓએ પૈસા માટે ડ્રાઈવર મુકેશભાઈને દોઢ કલાક સુધી ટોર્ચર કર્યા અને ધકધમકીઓ આપી હતી. જોકે મુકેશભાઈ પૈસા ના આપી શક્યા એટલે તેમની વિરુદ્ધ પોલીસ બોલાવી પ્રાણી ક્રૂરતા એકટ મુજબ ફરિયાદ કરી હતી.

(6:50 pm IST)