Gujarati News

Gujarati News

News of Saturday, 1st August 2020

ચાઈનીઝ પ્રોડક્ટ્સના બહિષ્કાર માટે રેસ્ટોરન્ટનું અભિયાન શરૂ

ગ્રાહકોને ભેટમાં આપે છે ખાસ T-Shirt : દક્ષિણ ગુજરાતની વાનગીઓ માટે પ્રખ્યાત સુરતની એક રેસ્ટોરન્ટ દ્વારા ખાસ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે

સુરત , તા. ૩૧ : ગલવાન ખીણમાં ચીનની ગદ્દારી બાદ ભારતમાં ચીન અને ચાઈનીઝ પ્રોડક્ટ્સ પ્રત્યે ભારે વિરોધ જોવા મળી રહ્યો છે. ચીની પ્રોડક્ટના વિરોધનો સૂર હવે વધુ જોર પકડી રહ્યો છે.  દક્ષિણ ગુજરાતની વાનગીઓ માટે પ્રખ્યાત સુરતની એક રેસ્ટોરન્ટ દ્વારા ખાસ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. આ અભિયાન હેઠળ પાર્સલ લેવા આવનાર લોકો જો આર્મી રિલિફ ફંડમાં પોતાનું યોગદાન આપશે તો તેઓને એક ખાસ ટીશર્ટ ગિફ્ટ કરવામાં આવે છે. આ ટીશર્ટ ની પાછળ લખ્યું છે 'ચાઇનાના પ્રોડક્ટનો બહિષ્કાર....' સુરતના અઠવાલાઇન્સ વિસ્તારમાં આવેલા દક્ષિણ ગુજરાત વાનગીઓ માટે પ્રખ્યાત રેસ્ટોરેન્ટ દ્વારા એક અનોખી પહેલ કરવામાં આવી છે. રેસ્ટોરન્ટમાંથી વાનગીઓ હોમ ડિલિવરી લેવા માટે આવનાર ગ્રાહકોને સ્પેશિયલ ઓફર આપવામાં આવી છે. જો ગ્રાહકો રેસ્ટોરન્ટમાં મૂકવામાં આવેલા આર્મી રિલીફ ફંડના બોકસમાં જે કઈ પણ યથા શક્તિ યોગદાન આપશે તો તેઓને રેસ્ટોરન્ટ સંચાલક દ્વારા ખાસ ટીશર્ટ ઉપહાર સ્વરૂપે આપવામાં આવે છે.

               યોગ દાનની રકમ ભલે કેટલીય ઓછી હોય પરંતુ રેસ્ટોરન્ટ તરફથી આ ઉપહાર ચોક્કસથી ગ્રાહકોને આપવામાં આવે છે.  જે ટી-શર્ટ સંચાલકો દ્વારા આપવામાં આવે છે તેમાં એક ખાસ સંદેશો લખવામાં આવ્યો છે. ટીશર્ટ પર લખવામાં આવ્યું છે કે લોકો દ્વારા ચાઈનીઝ પ્રોડક્ટનો બહિષ્કાર કરવામાં આવે. રેસ્ટોરન્ટના માલિક પ્રભાત શેટ્ટીએ જણાવ્યું હતું કે, ગલવાનમાં જે ઘટના બની છે તે ખૂબ જ નિંદનીય છે.  ભારત સાથે બિઝનેસની  કમાણીથી આર્થિક મજબૂતાઈ મેળવી આપણા જ સૈનિકોને શહીદ કરવામાં આવ્યા હતા. જેથી લોકોમાં ગુસ્સો છે અને લોકો ચાઈનીઝ પ્રોડક્ટને બહિષ્કાર કરવાનો નિર્ણય કર્યો છે આ નિર્ણય લોકો ભૂલી ન જાય આ માટે અમે આ ખાસ મુહિમ શરૂ કરી છે. જે લોકો ફંડ બોક્સમાં યોગદાન આપતા હોય છે

                આવા ગ્રાહકોને અમે આ ટીશર્ટ આપીએ છીએ. જેથી ગ્રાહકો જ્યારે આ ટી-શર્ટ પહેરે ત્યારે અન્ય લોકો પણ આ સ્લોગનને જોઈ જાગૃત થાય અને ચીનના પ્રોડક્ટનો બહિષ્કાર કરે અને ભારતીય કંપનીઓને પ્રોત્સાહન આપે. રેસ્ટોરન્ટમાં દક્ષિણ ગુજરાતની વાનગીઓ પાર્સલ લેવા આવેલા ગ્રાહકેએ જણાવ્યું હતું કે, આ ખાસ મુહિમ છે ફંડ બોક્સમાં આપવામાં આવેલા યોગદાન કરતા પણ આ ટીશર્ટની કિંમત વધારે છે તેમ છતાં રેસ્ટોરન્ટના સંચાલકો યોગ દાનમાં આપવામાં આવેલી રકમ ને જોઈને નહીં પરંતુ ભાવનાઓને જોઈ આ ટી-શર્ટ આપી રહ્યા છે. જેથી લોકોમાં જાગૃતિ આવે અને ચાઇનાના પ્રોડક્ટનો બહિષ્કાર કરવામાં આવે. ગલવાનની ઘટના બાદ જે રીતે સરકાર એક તરફ ચાઇના સામે કડક વલણ અપનાવી રહી છે ત્યારે બીજીબાજુ દેશના લોકો પણ ચાઇનાના વસ્તુઓનો બહિષ્કાર કરીએ એક સંદેશ આપવામાં આવી રહ્યો છે.

(9:48 pm IST)