Gujarati News

Gujarati News

News of Wednesday, 1st August 2018

ઉ.ગુજરાતમાં વરસાદ નથીઃ વાવેતર નિષ્ફળ જવાનો ભય

ઉ.ગુજરાત, અમદાવાદ, મોરબી, સુરેન્દ્રનગર જિલ્લામાં વરસાદની ચિંતાજનક ઘટ : ખેડૂતોને પ્રતિ વીઘા ૪૦૦૦નું નુકસાનઃ ઉત્તર ગુજરાતમાં માત્ર ૨૮ ટકા જ વરસાદ : સમયસર વાવેતર કર્યું છતાં નુકસાન : ખેતી માટે નર્મદાનું પાણી પણ નથી મળ્યું

અમદાવાદ તા. ૧ : ઉત્તર ગુજરાત, અમદાવાદ, મોરબી અને સુરેન્દ્રનગર જિલ્લામાં વરસાદ ઓછો પડ્યો છે. કેટલાક વિસ્તારોમાં વરસાદ ખેંચાતા પાક નાશ પામ્યો છે જેના કારણે ખેડૂતોને પ્રતિ વીઘા ૪,૦૦૦ રૂપિયાનું નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. વાવણી થઈ હતી તેમાંથી ૪૦ ટકા વિસ્તારમાં પાકને નુકસાન થયું છે. ઉત્તર ગુજરાતમાં અત્યાર સુધી સરેરાશ ૨૮ ટકા જ વરસાદ પડ્યો છે ત્યારે ખેડૂતોને ઊભો પાક નાશ પામવાની ભીતિ છે. ખેડૂતોએ જમીનમાં વાવણી કરવા માટે મજૂરો અને બિયારણ પાછળ પ્રતિ વીઘા ૫,૦૦૦ રૂપિયાનો ખર્ચ કર્યો છે.

પાટણ જિલ્લાના ફુલેસણા ગામના ખેડૂત મનોરજી ઠાકોરે કહ્યું કે, 'જે ખેડૂતોએ વહેલું વાવેતર કર્યું હતું હવે તેમને પાક નિષ્ફળ જવાનો ભય છે. ખેડૂતો હવે બીજો કોઈ પાક પણ નથી લેવા માગતા કારણકે જો હજુ વરસાદ ખેંચાશે તો નવો વાવેલો પાક પણ નિષ્ફળ જઈ શકે છે.' પાટણમાં આ વર્ષે અત્યાર સુધીમાં સિઝનનો ૧૨૭ મીમી જ વરસાદ પડ્યો છે. અહીં સિઝનનો સરેરાશ ૬૦૦ mm જેટલો વરસાદ પડે છે.

સુરેન્દ્રનગરના ખેડૂત ભગવાનભાઈએ કહ્યું કે, 'જે ખેડૂતોએ સમયસર એટલે કે જૂન મહિનાના મધ્યમાં વાવેતર કર્યું હતું તેમનો પાક પણ નિષ્ફળ ગયો છે. ખેડૂતોના ખેતર અને પાકને હવે પાણીની જરૂર છે. જિલ્લાનો લગભગ ૫૦ ટકા પાક નાશ પામ્યો છે અથવા તો નાશ પામવાની સ્થિતિમાં છે.' સુરેન્દ્રનગરમાં સરેરાશ ૫૮૫ mm જેટલો વરસાદ પડે છે જેની સામે આ વર્ષે ૧૨૦ mm જ વરસાદ પડ્યો છે.

ખેડૂત અસોસિએશનના લીડર સાગર રબારીએ કહ્યું કે, 'સામાન્ય રીતે ખેડૂતો પાક બચાવવા નર્મદાના પાણીનો વપરાશ કરે છે. આ વર્ષે નર્મદાનું પાણી મળ્યું નથી અને ખેડૂતો વાવણી પણ થોડી મોડી કરી છે. વરસાદ ખેંચાતા ખેડૂતોને નુકસાન થઈ રહ્યું છે. જો પાક નિષ્ફળ જાય તો નાના ખેડૂતો જેમની પાસે ૩ વીઘા જેટલી જમીન છે તેમને ૧૫,૦૦૦ રૂપિયાનું નુકસાન વેઠવું પડશે.'

ઉત્તર ગુજરાતમાં આ વર્ષે ૧૧.૨૧ લાખ હેકટરમાં વાવેતર કરવામાં આવ્યું છે. ૨૦૧૭માં ૧૨.૨૭ લાખ હેકટરમાં વાવેતર કરાયું હતું. મળેલી માહિતી પ્રમાણે, કુલ ૧૧.૨૧ લાખના વાવેતરમાંથી ૪.૭૨ લાખ હેકટરમાં મગફળી અને કપાસનું વાવેતર કરવામાં આવ્યું છે. રાજયમાં અત્યાર સુધીમાં ૪૫૦ મિલીમીટર એટલે કે સરેરાશ વરસાદના ૫૪ ટકા વરસાદ થયો છે. સામાન્ય રીતે રાજયમાં વાર્ષિક સરેરાશ વરસાદનો આંકડો ૮૩૧ મિલીમીટર છે. સત્ત્।ાવાર આંકડા પ્રમાણે, ઉત્તર ગુજરાતના ૫૧ તાલુકાઓમાંથી ૨૯ તાલુકાઓમાં સિઝનનો સરેરાશ ૨૫ ટકાથી ઓછો વરસાદ નોંધાયો છે.(૨૧.૭)

(12:02 pm IST)