Gujarati News

Gujarati News

News of Wednesday, 1st August 2018

આખરે સરકારે નવરાત્રિની વેકેશનની તારીખોને બદલી

રાજયભરમાં ભારે વિવાદ બાદ અંતે નિર્ણય થયો : પરીક્ષા-વેકેશનની તારીખોે ટકરાઇ રહી હતી : ૧૦-૧૭ ઓકટોબર સુધી નવરાત્રિ વેકેશન : દિવાળી વેકેશન ઘટ્યું

અમદાવાદ, તા.૩૧ : ગુજરાત રાજયના શિક્ષણજગતના ઇતિહાસમાં તાજેતરમાં જ રાજ્યકક્ષાના શિક્ષણમંત્રી વિભાવરીબેન દવે દ્વારા નવરાત્રિ દરમ્યાન શાળા-કોલેજીસના વેકેશનની જાહેરાત કરાયા બાદ શિક્ષણજગતમાં ઉઠેલા વિરોધ અને વિવાદ બાદ આજે સરકારને નવરાત્રિના વેકેશનની તારીખોમાં ફેરફાર કરવાની ફરજ પડી હતી. એટલું જ નહી, શિક્ષણજગતમાં મચેલો ઉહાપોહ ખાળવા સરકારે દિવાળી વેકેશનના કુલ દિવસોમાં સાત દિવસ ઓછા કરવાની જાહેરાત પણ કરી હતી કે જેથી બંને વેકેશનના કારણે શિક્ષણકાર્યને ગંભીર કે વિપરીત અસર ના પહોંચે. ખુદા રાજયના શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ આજે સાંજે મીડિયા સમક્ષ આવી નવરાત્રિના વેકેશનની તારીખો બદલીને ૧૦થી ૧૭ ઓક્ટોબર કરવાની જાહેરાત કરવાની ફરજ પડી હતી. ઉલ્લેખનીય છે કે, આ પહેલા સરકારે તા.૧૫ ઓક્ટોબરથી ૨૧ ઓક્ટોબર સુધીની રજા જાહેર કરી હતી. જેને પગલે તા.૧૯ ઓક્ટોબરના રોજ યોજાનારી પ્રથમ પરીક્ષા અને રજાની તારીખો ટકરાઈ રહી હતી, જેને લઇને ભારે વિવાદ સર્જાયો હતો. જો કે, હવે રાજય સરકાર દ્વારા નવરાત્રિ વેકેશનની તારીખોમાં ફેરફાર કરવામાં આવતાં હવે પરીક્ષાના સમય પત્રકને કોઈ અસર થશે નહીં. શિક્ષણમંત્રી ચુડાસમાએ વધુમાં જણાવ્યું હતું કે, નવરાત્રિ વેકેશનની તારીખમાં ફેરફાર કરીને ધોરણ ૯થી ૧૨ની તા.૧૯ ઓક્ટોબરથી શરૂ થતી પરીક્ષા યથાવત રાખવાનો નિર્ણય કર્યો છે, જેથી પરીક્ષામાં કોઈ અડચણ આવશે નહીં. ગુજરાતમાં નવરાત્રિનું વેકેશન તા.૧૦ ઓક્ટોબરથી ૧૭ ઓક્ટોબર સુધીનું રહેશે. તા.૧૮ ઓક્ટોબરના રોજ દશેરાની રજા છે. જ્યારે દિવાળી વેકેશન તા. ૫ નવેમ્બર થી ૧૮ નવેમ્બર સુધીનું રહેશે. દિવાળી વેકશનમાંથી સરકારે સાત દિવસ ઓછા કર્યા હતા અને નવરાત્રિ વેકેશનનું એડજસ્ટમેન્ટ કર્યું હતું. નોંધનીય છે કે, શનિવારના રોજ રાજ્યકક્ષાના શિક્ષણમંત્રી વિભાવરીબેન દવેએ ઉતાવળે જાહેર કરેલી નવરાત્રિની તારીખો બદલવાનો ખુલાસો આજે શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાને કરવો પડ્યો હતો. આ પહેલા ગુજરાતની શાળા કોલેજીસમાં નવરાત્રિના વેકેશન અંગે વિભાવરીબેન દવેએ જાહેરાત તો કરી દીધી, પરંતુ તેમાં અનેક વિસંગતતાઓ અને વિવાદો સર્જાયા હતા.

ખાસ કરીને રાજ્યના મોટાભાગના ખાનગી શાળા સંચાલકોએ નવરાત્રિ વેકેશનનો વિરોધ કર્યો છે. તો બીજી બાજુ ધોરણ ૯થી ૧૨ના વિદ્યાર્થીઓના વાલીઓ પણ વિરોધ કરી રહ્યા હતા, એક બાજુ સરકારે પરીક્ષાની તારીખો જાહેર કરી હતી અને તે જ સમયે વેકેશન પણ આપવામાં આવ્યું હતું. આ પહેલા માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા જાહેર કરવામાં આવેલા એકેડેમિક કેલેન્ડરમાં તારીખ ૧૯ ઓક્ટોબરથી ૩૦ ઓક્ટોબર સુધી ધોરણ ૯થી ૧૨ની પ્રથમ કસોટી જાહેર કરવામાં આવી હતી. પરંતુ વિભાવરીબેન દવેએ નવરાત્રિ દરમિયાન તા. ૧૫ ઓક્ટોબરથી ૨૧ ઓક્ટોબર સુધી વેકેશનની જાહેરાત કરી હતી. રાજયભરમાં ઉઠેલા વિવાદ અને મચેલા ઉહાપોહ બાદ આખરે આજે શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ નવરાત્રિ વેકેશન તા.૧૫થી ૨૧ ઓક્ટોબરને બદલે તા.૧૦થી ૧૭ ઓક્ટોબર કરવાની જાહેરાત કરી વિવાદ શાંત પાડયો હતો.

(7:41 pm IST)