Gujarati News

Gujarati News

News of Friday, 1st July 2022

બોગસ બિલો બનાવી કરચોરી કરનારા સામે SGSTની ટીમોએ કસ્યો સંકજો : વડોદરાના એક સહિત 41 વેપારીઓને ત્યાં દરોડા

વડોદરાના એક સહિત કુલ 41 વેપારીઓને ત્યાં 56 સ્થળઓએ એસજીએસટીની ટીમોએ દરોડા પાડ્યા ;મોટી કાર્યવાહીને પગલે કરચોરોમાં ભારે ફફડાટ

અમદાવાદ ; બોગસ બિલો બનાવીને વેરાશાખ ભોગવતા વેપારીઓ પર સ્ટેટ જીએસટી વિભાગ દ્વારા મોટી કાર્યવાહી કરવામાં આવી છે. વડોદરાના એક સહિત કુલ 41 વેપારીઓને ત્યાં 56 સ્થળઓએ એસજીએસટીની ટીમોએ દરોડા પાડ્યા છે. મોટી કાર્યવાહીને પગલે કરચોરોમાં ભારે ફફડાટ જોવા મળી રહ્યો છે.

સ્ટેટ જીએસટી વિભાગ બોગસ બિલો બનાવીને થતી કરચોરી અટકાવવા માટે સતત કાર્યરત છે. તે માટે વિભાગમાં હાલ ઘનિષ્ઠ ઝુંબેશ ચાલી રહી છે. વેપારીઓ બોગસ બિલો બનાવીને ખોટી વેરાશાખ મેળવીને સરકારી તિજોરીને નાણાંકિય નુકશાન પહોંચાડતા હોવાનું ધ્યાને આવ્યું હતું. જેને કારણે આવા તત્વોને ડામવા માટે તંત્ર એક્શનમાં આવ્યું છે.

વિભાગ દ્વારા ઉંડાણપુર્વક સંશોધન તથા મેળવેલ વિગતોના આધારે સઘન તપાસ શરૂ કરવામાં આવી છે. જે અંતર્ગત વડોદરાના એક સહિત 41 વેપારીઓને ત્યાં સ્ટેટ જીએસટીની ટીમો ત્રાટકી છે. આટલી મોટી કાર્યવાહીને પગલે કરચોરોમાં ફફડાટ જોવા મળી રહ્યો છે. તપાસના અંતે મોટી કરચોરી પકડવામાં વિભાગને સફળતા મળશે તેવી શક્યતાઓ સેવાઇ રહી છે.

સુત્રોના જણાવ્યા અનુસાર, અત્યાર સુધી વિભાગ દ્વારા બોગસ બિલીંગના ગુનામાં 90 ઇસમોની ધરપકડ કરવામાં આવી છે. વિભાગની આટલી મોટી કાર્યવાહી છતાં બોગસ બિલ બનાવનારાઓની સંખ્યામાં ઘટાડો જોવા મળતો નથી.

(9:56 pm IST)