Gujarati News

Gujarati News

News of Friday, 1st July 2022

યાત્રાધામ ડાકોરમાં 250મી રથયાત્રામાં “જય રણછોડ માખણ ચોર” ના જયઘોશથી ગલીઓ ગુંજી ઉઠી

400 તોલા ચાંદીના રથમાં ડાકોરના ઠાકોરજી બિરાજમાન થયા: સુરક્ષા બંદોબસ્તમાં 300 જેટલા પોલીસ જવાનો ફરજ પર તૈનાત

ડાકોર :  અષાઢી બીજના દિવસે સવારથી જ રાજ્યના જુદા-જુદા શહેરોમાં રથયાત્રાને લઈને લોકોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ખેડામાં આવેલા સુપ્રસિદ્ધ યાત્રાધામ ડાકોરમાં 250મી રથયાત્રાનો વહેલી સવારથી પ્રારંભ થયો છે. નિજ મંદિરથી અંદાજિત 400 તોલા ચાંદીના રથમાં ડાકોરના ઠાકોરજી બિરાજમાન થયા છે

પ્રાપ્ત વિગતો અનુસાર ખેડામાં આવેલ સુપ્રસિદ્ધ યાત્રાધામ ડાકોરમાં 250મી રથયાત્રાનો વહેલી સવારથી પ્રારંભ થઈ ચૂક્યો છે. નિજ મંદિરમાં સવારે 9 કલાકે કપૂરની આરતી કર્યા બાદ 89 વર્ષ જુના અને અંદાજિત 400 તોલાના રથમાં ડાકોરના ઠાકોરજી બિરાજમાન થયા છે. આ સમગ્ર કાર્યક્રમ દરમિયાન “જય રણછોડ માખણ ચોર”ના જયઘોશથી ડાકોરની ગલીઓ ગલીઓ ગુંજી ઉઠી છે. મહત્વનું છે કે સુરક્ષા જળવાઈ રહે તે હેતુથી પોલીસ બંદોબસ્તમાં 300 જેટલા પોલીસ જવાનો, ડીવાયએસપી, પીઆઈ, પીએસઆઈ, ટીઆરબી અને હોમ ગાર્ડ્સના જવાનો ખડેપગે ફરજ બજાવી રહ્યા છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, ડાકોરમાં દર વર્ષે નક્ષત્ર મુજબ રથયાત્રા નિકળે છે. જેમાં બે રથનો ઉપયોગ કરાય છે. એક રથમાં લાલજી મહારાજને બિરાજમાન કરાય છે. અને ત્યાર બાદ મંદિરના પરિસરમાં 5 કુંજ બનાવીને ભગવાનની 11 જેટલી પ્રદક્ષિણા કરવામાં આવે છે. આ પછી નિજ મંદિરથી આ રથયાત્રાને નક્કી કરેલા રૂટ પર નિકળે છે. જેમાં 18 થી 15 જેટલી કુંજ આવેલા છે. આ રથયાત્રા 10 કિલોમિટરથી પણ વધારે લાંબી હોય છે.

આ અંગે વાત કરતાં વિજયદાસજી મહારાજે જણાવ્યું હતું કે, નિજ મંદિરમાંથી ઠાકોરજી રથમાં સવાર થયા છે. જેમ દર્શનાર્થીઓ આખુ વર્ષ ભગવાનના દર્શન કરવા આવે છે, તેવી રીતે આજના પવિત્ર દિવસે ઠાકોરજી દરેક ભક્તોના દ્વાર સુધી નગર ચર્યા કરશે. અને ભક્તોને ઘરબેઠા ભગવાન દર્શન આપશે. ઠાકોરજીની અનેરી કૃપા થઈ છે. બે વર્ષથી કોરોના મહામારીના કારણે ભક્તો રથયાત્રાનો લાહ્વો લઈ શક્યા ન હતા. ત્યારે આ વર્ષે દિવ્ય અને ભવ્ય રથયાત્રાનું આયોજન થયું છે. ત્યારે ભક્તોમાં અને સંતોમાં ખૂબ જ હર્ષ અને આનંદની લાગણી જોવા મળી રહી છે.

ડાકોર ખાતે નિકળેલી રથયાત્રાની સાથે પ્રસાદમાં ફણગાવેલા મગ, જાંબુ, કેળા, કેરી, છાશ અન પાણીનું વિતરણ કરતાં વાહનો પણ મોટી સંખ્યામાં જોડાય છે. નિયત કરેલા રૂટ પર ફર્યા બાદ સાંજે આ રથ નિજ મંદિરે પરત ફરશે.

(9:54 pm IST)