Gujarati News

Gujarati News

News of Friday, 1st July 2022

જીએસટી બાદ મોટા પ્રમાણમાં કરચોરી પકડાઈ : અનેક ધંધા બંધ

ગુજરાતને કરવેરાની આવકમાં મોટો ફટકો : પાંચ વર્ષમાં રાજ્યમાં ટેક્સ ચોરીના વિવિધ ૨૦૧૧ કેસ પકડાયા છે જેમાં રૃ.૪૮૧૮ કરોડની ટેક્સચોરી પકડાઈ

અમદાવાદ, તા.૧ : ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ (જીએસટી)ના અમલ પછી ગુજરાત રાજ્યને કરની આવકમાં મોટો ફટકો પડ્યો છે. ગુજરાત કે ઉત્પાદક રાજ્ય છે અને રાજ્યના કુલ જીડીપીમાં ઉત્પાદન ક્ષેત્રનો હિસ્સો ૪૦ ટકા કરતા વધારે છે. આટલા મોટા ઉત્પાદનના કારણે ગુજરાતમાં જીએસટીની આવકમાં અપેક્ષિત વધારો જોવા મળ્યો નથી. આ ઉપરાંત, કોરોના મહામારી પહેલાજ અર્થતંત્ર મંદ પડી રહ્યું હોવાથી, લોકડાઉન અને સોશિયલ ડિસ્ટન્સિંગના કારણે દેશમાં જે ફટકો પડ્યો તેની અસર ગુજરાતમાં પણ જોવા મળી. રાજ્યની આવકમાં જીએસટી પછી બહુ મોટો વધારો જોવા મળ્યો નથી.

બીજી તરફ, રાજ્યમાં વ્યાપક પ્રમાણમાં કરચોરી, ખોટી વેરાશાખ અને બોગસ બિલીંગના કેસો પકડાયા છે. પાંચ વર્ષમાં રાજ્યમાં ટેક્સ ચોરીના વિવિધ ૨૦૧૧ કેસ પકડાયા છે જેમાં રૃ.૪૮૧૮ કરોડની ટેક્સચોરી પકડાઈ છે, ૯૦ વ્યક્તિઓની ધરપકડ થઇ છે. આ વ્યક્તિઓએ બોગસ બિલીંગ, ખોટી ઇન્વોઇસ બનાવવી, નકલી કંપનીઓની માયાજાળ રચી રૃ.૩૪,૨૬૭ કરોડના વ્યવહારોની માયાજાળ આ પાંચ વર્ષમાં રચી છે. આ કરચોરીમાં વસૂલાત અત્યારસુધી માત્ર રૃ.૩૯૬ કરોડની રહી હોવાનું સત્તાવાર સુત્રોએ જણાવ્યું હતું.

કરચોરી પકડવા માટે જીએસટી નેટવર્કમાં બીગ ડેટા એનાલીસીસ એકત્ર કરવામાં આવે છે. આંતરિક રીતે શકાસ્પદ લાગતા વ્યવહારો, આવા એકમો અંગે સમયાંતરે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારને અહેવાલ મોકલવામાં આવતા હોય છે. પણ વિભાગના સુત્રો જણાવે છે કે કેન્દ્રના દરેક પ્રયત્ન પછી પણ અપરાધીઓ ગુન્હો કરવાની પદ્ધતિ બદલતા રહે છે.  વ્યાપાર અને ઉદ્યોગ ક્ષેત્રે ગુજરાત અને ગુજરાતીઓ મોખરે હોય છે

પણ હકીકતે ગુજરાતમાં જીએસટીના અમલ પછી કરના વ્યાપ હેઠળ આવી જતા, અર્થતંત્રમાં મંદીના કારણે કે બદલાતી ટેકનોલોજીના કારણે વ્યાપાર ઉદ્યોગ બંધ થઇ રહ્યા છે. છેલ્લા પાંચ વર્ષમાં જીએસટીના અમલ પછી ૨.૭૫ લાખ એવા વેપારી, ડીલર કે ઉદ્યોગો છે જેમણે પોતે બિઝનેસ બંધ કર્યો હોવાનું કારણ આગળ ધરી પોતાનું રજીસ્ટ્રેશન રદ્દ કરાવેલું છે. બીજી તરફ, શંકાસ્પદ વ્યવહાર કરતા, ખોટા નામે કે ખોટા દસ્તાવેજોના આધારે નોંધણી જીએસટી રજીસ્ટ્રેશન મેળવ્યું હોય તે બંધ કરવાની સત્તા પણ વિભાગ પાસે છે. આ પાંચ વર્ષમાં બીજા ૧.૫૩ લાખ નોંધણી એવી છે જે વિભાગે પોતે લીધેલા પગલાંના કારણે બન્ધ કરવામાં આવી હોય. આમ, કુલ ૪.૨૫ લાખ રજીસ્ટ્રેશન ગુજરાતમાં છેલ્લા પાંચ વર્ષમાં રદ્દ થયા છે કે બંધ થઇ ગયા છે. આ ઓછી સંખ્યાના કારણે પણ ગુજરાતની કરવેરાની આવક ઘટી હોય શકે.

જીએસટીની આવક અપેક્ષિત રીતે વધી નહી હોવાથી તેમજ કરવેરા ગ્રાહક પાસેથી વસૂલવામાં આવતા હોવાથી ગુજરાતે પાંચ વર્ષમાં દરેક વખતે કેન્દ્રના વળતર ઉપર આધાર રાખવો પડ્યો છે. તા.૩૧ મેના રોજ કેન્દ્ર સરકારે ગુજરાતને રૃ.૩,૩૬૪ કરોડનું વળતર ચુકવ્યું એ ઉપરાંત રાજ્યએ છેલ્લા પાંચ વર્ષમાં રૃ.૪૦,૦૨૪ કરોડનું વળતર કેન્દ્ર પાસેથી જીએસટીના અમલ માટે મેળવ્યું છે. ગુજરાતનો સમાવેશ દેશમાં સૌથી વધુ વળતર મેળવતા રાજ્યોમાં થાય છે.

(8:25 pm IST)