Gujarati News

Gujarati News

News of Friday, 1st July 2022

જગતના નાથ નિકળ્યા નગરચર્યાએ, વિરમગામમાં નિકળી ભગવાન જગન્નાથની ૪૦મી ભવ્ય રથયાત્રા

જય રણછોડ માખણ ચોરના નાદથી વિરમગામ ગુંજી ઉઠ્યું : અખાડાના વિવિધ કરતોબોએ આકર્ષણ જમાવ્યું : ઠેર ઠેર રથયાત્રાનું સ્વાગત કરાયું

(વંદના નીલકંઠ વાસુકિયા) વિરમગામ : અષાઢીબીજે વિરમગામ શહેર સહિત  રાજ્યભરના અનેક તાલુકા અને જિલ્લા મથકોમાં  ભગવાન જગન્નાથની રથયાત્રા નિકળી હતી. વિરમગામ શહેરના ૪૦૦ વર્ષથી પણ પૌરાણિક રામ મહેલ મંદિરથી અષાઢી બીજના પાવન દિવસે ભગવાન જગન્નાથજી, ભાઇ બલભદ્રજી તથા બહેન સુભદ્રાજી રથમાં બિરાજતા રથનું પ્રસ્થાન કરાવ્યુ હતુ. મહંત રામકુમારદાસ બાપુ, ચૈતન્ય શંભુ મહારાજ, રાજેન્દ્રપ્રસાદ શાસ્ત્રી, લાખાભાઇ ભરવાડ, હાર્દિકભાઈ પટેલ, ડો.તેજશ્રીબેન પટેલ, વજુભાઈ ડોડીયા, ચેતનભાઇ રાઠોડ, દીપાબેન ઠક્કર, ડો.પ્રકાશભાઈ સારડા સહિત  સંતો-મહંતો, સામાજિક - રાજકીય અગ્રણીઓ અનેક શ્રદ્ધાળુઓ જોડાયાં હતા. હૈયે હૈયું દળાય એવી અઘઘ જનમેદની આ ભવ્ય રથયાત્રામાં જોડાઇ હતી.

  સમગ્ર રથયાત્રા દરમિયાન જય રણછોડ માખણ ચોર, મંદિર મા કોણ છે રાજા રણછોડ છે સહિતના વિવિઘ ગગનભેદી નાદ સાથે વિરમગામ શહેર જય જગન્નાથ ના રંગમા રંગાયુ હતું. આ રથયાત્રા વિરમગામ શહેરનાં ઐતિહાસિક રામમહેલ મંદિર થી કાસમપુરા, વખારફળી, સુથારફળી, વી.પી.રોડ ગોલવાડી દરવાજા, બસસ્ટેન્ડ, રેલવે સ્ટેશન,ભરવાડી દરવાજા, પાનચકલા, ચોક્સી બજાર સહિતના પરંપરાગત રૂટ પરથી નીકળી હતી. રથયાત્રા દરમ્યાન મગ, જાંબુ, કાકડીના પ્રસાદનુ વિતરણ કરવામાં આવ્યું હતું.    શ્રી બજરંગી અખાડા, હિન્દુ સેના અખાડા સહિતના અખાડાઓ દ્વારા વિવિધ કરતબો બતાવવામાં આવ્યા હતા. ગણપતિ મંદિર ગોલવાડી દરવાજા પાસે ગાયત્રીબેન જીતેન્દ્રભાઈ ગુર્જર પરિવાર દ્વારા મામેરુ ભરવામાં આવ્યું હતું અને લોહાણાની વાડી ખાતે ભક્તોએ ભોજન પ્રસાદ ગ્રહણ કર્યો હતો. હાર્દિક પટેલે રથયાત્રા દરમિયાન અખાડાના કરતબોમાં પણ હાથ અજમાવ્યો અને હથોડાના એક ઘા મા પથ્થરના ચાર કટકા કરી નાખ્યા હતા. વિરમગામના વિવિધ જાહેર સ્થાનો પર સામાજિક રાજકીય અગ્રણીઓ દ્વારા રથયાત્રાનું સ્વાગત કરવામાં આવ્યું હતું

 . આ ઉપરાંત  રથયાત્રા રૂટ પર  ઠેકઠેકાણે પાણી પરબ, નાસ્તા, પ્રસાદ સહિત સેવા કેન્દ્રોએ વિવિધ સામાજિક, ધાર્મિક સંસ્થાઓએ સેવા આપી હતી. વિરમગામ શહેરમાં રથયાત્રા ને લઇને  ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો અને તમામ ગતિવિધિઓ પર વોચ રાખી મોનીટરીંગ કરવામા આવ્યું હતું.

(8:14 pm IST)