Gujarati News

Gujarati News

News of Friday, 1st July 2022

વડોદરા:વારસીયાની નવયુગ સોસાયટીમાં ત્રાટકેલા તસ્કરોએ વૃદ્ધાને બંધ બનાવી 94 હજારની મતાની ઉઠાંતરી કરતા ગુનો દાખલ

વડોદરા: વારસિયાની નવયુગ સોસાયટીમાં વહેલી સવારે ત્રાટકેલા લૂંટારૃઓ વૃદ્ધાને બંધક બનાવીને સોનાના દાગીના અને રોકડા મળીને કુલ રૃપિયા ૯૪ હજારની મત્તા લૂંટી ગયા હતા.જે અંગે વારસિયા  પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

વારસિયાની નવયુગ સોસાયટીમાં રહેતા  પ્રેમ અર્જુનદાસ આહુજા મકરપુરા જી.આઇ.ડી.સી.માં કમલ એજન્સીના નામે ગ્લાસનું વેચાણ કરે છે.વારસિયા  પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી તેમણે જણાવ્યું છે  કે,ગત તા.૨૯ મી એ રાતે અગિયાર વાગ્યે અમે પરિવારજનો જમી પરવારીને ઊંઘી ગયા હતા.મારા માતા ગ્રાઉન્ડ ફ્લોર પર ઊૅઘી ગયા હતા.વહેલી સવારે ચાર વાગ્યે મારા માતા  ગભરાઇને  ઉપરના માળે અમારા રૃમમાં આવ્યા હતા.મને જગાડીને તેમણે કહ્યું હતું કે,રાતે ત્રણ થી ચાર વાગ્યાના અરસામાં  આશરે ૨૫ થી ૩૦ વર્ષના ત્રણ અજાણ્યા લોકો મોંઢા  પર કપડું બાંધીને આપણા ઘરમાં ઘુસી આવ્યા હતા.રૃમમાં અવાજ થતા હું જાગી ગઇ હતી.મેં તેઓને પડકારતા તેઓએ હિન્દીમાં એવી ધમકી આપી હતી કે,હમકો મારને પર મજબૂર મત કરો.ત્રણ પૈકી બે આરોપીઓએ મને પકડી પલંગ પર સુવડાવી દીધી હતી.મેં બૂમ પાડવાની કોશિશ કરતા તેઓએ મને મોંઢા પર ફેંટ મારી દીધી હતી.બંનેએ મારા હાથ અને  પગ કપડાથી બાંધી દીધા હતા.અને મારા હાથમાં પહેરેલ સોનાના  પાટલા અને વીંટી કાઢી લીધા હતા.લૂંટારૃઓ કબાટમાંથી ૪૫ હજાર રોકડા પણ લઇ ગયા હતા. મેં ઘરમાં તપાસ કરતા લૂંટારૃઓ રસોડાના દરવાજાના ઉપરના ભાગે સ્ટોપર તોડીને ઘુસ્યા હોવાનું જણાઇ આવ્યું હતું.લૂંટારૃઓ સોનાના દાગીના અને રોકડા મળીને કુલ રૃપિયા ૯૪ હજારની મત્તા લૂંટી ગયા હતા.વારસિયા પોલીસ સ્ટેશનના પી.એસ.આઇ.એ બી મિશ્રાએ આ અંગે ગુનો દાખલ કરી સીસીટીવી ફૂટેજના આધારે આરોપીઓની શોધખોળ હાથ ધરી છે.

(5:57 pm IST)