Gujarati News

Gujarati News

News of Friday, 1st July 2022

લોકોએ નવા બોરવેલ બનાવવા માટે સરકાર પાસેથી એન.ઓ.સી. લેવુ ફરજિયાતઃ ફી પેટે 10 હજાર ચુકવવા પડશે

નાગરિકોએ બોરવેલની નોંધણી કરાવવા માટે કેન્‍દ્રીય ભુગર્ભ જળ આયોગને અરજી કરવાની રહેશે

ગાંધીનગરઃ સમગ્ર દેશમાં ભુગર્ભ જળની સપાટી નીચે જતા સરકાર ભુગર્ભ જળ મુદ્દે કાયદો બનાવી રહી છે. ગુજરાતના 22 તાલુકામાં ભુગર્ભ જળ ખાલી થઇ જતા હવે લોકોને નવા બોરવેલ બનાવવા માટે સરકાર પાસે મંજુરી લઇ એન.ઓ.સી. લેવુ પડશે જે માટે દસ હજાર ફી ભરવાની રહેશે. જેના માટે ભુગર્ભ જળ આયોગને અરજી કરવાની રહેશે.

ગુજરાત સહિત સમગ્ર દેશમાં ભૂગર્ભ જળની સ્થિતિ ખુબ જ ચિંતાજનક છે. ખાસ કરીને ઉત્તર ગુજરાતના અનેક વિસ્તારોમાં ભુગર્ભ જળ ખુબ જ ચિંતાજનક સ્તરે પહોંચી ચુક્યું છે. કેન્દ્રીય મંત્રાલય દ્વારા અપાયેલા એક વિસ્તૃત અહેવાલ અનુસાર ઉત્તર ગુજરાતનાં કુલ 22 તાલુકા એવા છે જ્યાં ભુગર્ભ જળ ખાલી થઇ ચુક્યું છે. તેવામાં સરકાર હવે ભુગર્ભ જળ મુદ્દે ખુબ જ ચિંતિત બની છે. તેવામાં હવે સરકાર દ્વારા ટુંક જ સમયમાં આ અંગે ખુબ જ મોટો નિર્ણય બનાવવામાં આવી શકે છે. આ પોલિસી અંતર્ગત હવે ભુગર્ભમાંથી પાણી ખેંચવું હોય તો સરકારને પૈસા ચુકવવા પડશે.

કેન્દ્ર સરકારના જળસંપત્તિ વિભાગ દ્વારા ટુંક જ સમયમાં બોરવેલ મુદ્દે કાયદો લાવવામાં આવી શકે છે. જેમાં સરકાર પાસેથી બોરવેલ માટે NOC લેવું ફરજીયાત છે. બોરવેલ બનાવવા માટે ચાર્જ ભભરવો પડશે. આ ઉપરાંત નવા બોરવેલ બનાવવા માટે પણ સરકાર પાસેથી મંજૂરી લેવી પડશે. આ માટે બોરવેલ બનાવવાના ખર્ચ ઉપરાંત સરકારને પણ તમે ભુગર્ભજળનું દોહન કરી રહ્યા છો તે બદલ ચાર્જ ચુકવવો પડશે. જો કે તેનો એક જ વાર ચાર્જ ચુકવવો પડશે કે વાર્ષિક ચાર્જ ચુકવવો પડશે કે તે મુદ્દે હજી સુધી કોઇ સ્પષ્ટતા નથી. આ ઉપરાંત ખેડૂતોને પણ આ ચાર્જ ચુકવવો પડશે, નાગરિકો કે ઉદ્યોગો માટે જ આ ચાર્જ હશે તે અંગે પણ હજી સુધી અવઢવ છે.

જમીનમાં જળ સ્તરે જે પ્રકારે ઉંડા ઉતરી રહ્યા છે ત્યારે હવે ભુગર્ભ જળનો ઉપયોગ કરવા માટે નાણા ચુકવવા પડશે. કેન્દ્ર સરકાર દ્વારા આ અંગે રૂપિયા 10 હજારની રકમ પણ નક્કી કરાઇ છે. ભુગર્ભજળ સિંચાઇના મહત્વના સ્ત્રોત પૈકીનો એક છે. ભારતીય ભૌગોલિક પરિસ્થિતિ અનુસાર, દેશમાં એવું આયોજન નથી કે દરેક સ્થળે કેનાલ હોય કે નદી વહેતી હોય તેથી પૂરતુ પાણી ઉપલબ્ધ થઇ શકે છે. સિંચાઇ માટે લોકો કુવા ખોદતા હોય છે. બોર બનાવવા માટે કૃષી સિંચાઇક્ષેત્રને આ પોલિસીમાંથી બાકાત રાખવામાં આવતા હોય છે.

કેન્દ્ર સરકાર આ અંગેની પોલીસીનું નીતિનિર્ધારણ કરી ચુકી છે. દરેક રાજ્યમાં પોલીસી અમલી બને તે માટે તમામ રાજ્યોના મુખ્યસચિવને પણ પત્ર લખવામાં આવ્યો છે. આ સરકારની પોલિસી શહેર અને ગ્રામીણ વિસ્તારમાં પણ લાગુ કરાશે. આ નિર્ણય રહેણાંક વિસ્તાર, શહેરની સરકારી કચેરી અને જળવિતરક એજન્સીઓ, ઔદ્યોગિક માળકા, માઇનિંગ યોજનાઓ, સ્વિમિંગ અને પાણીનો કોમર્શિયલ ઉપયોગ થતા હોય તેવા તમામ માધ્યમોને લાગુ પડશે. આ ઉપરાંત ખેડૂત અને ગ્રામ્ય વિસ્તાર અંગે હજી પણ વિચારણા ચાલી રહી છે. બોરવેલની નોંધણી કરાવવા માટે કેન્દ્રીય ભુગર્ભજળ આયોગમાં અરજી કરવાની રહેશે. તે માટેની અંતિમ તારીખ 30 સપ્ટેમ્બર રાખવામાં આવી છે.

(5:36 pm IST)