Gujarati News

Gujarati News

News of Friday, 1st July 2022

ગુજરાતમાં જીએસટી કલેકશનમાં જૂન મહિનામાં ૪૯ ટકાનો વધારો

ગયા વર્ષના ૬૧૨૮ કરોડની સામે આ વર્ષે જૂનમાં ૯૧૩૫ કરોડનું કલેકશન

અમદાવાદ તા. ૧ : આર્થિક ગતિવિધિઓ મહામારી પછી તેજ બનતા તેમજ દેશભરમાં મોંઘવારીનું દબાણ વધતા રાજ્‍યમાં જીએસટી કલેકશન આ જૂનમાં ૪૯ ટકા વધ્‍યું છે. ગુજરાતનું જીએસટી કલેકશન ગયા વર્ષના જૂનના ૬૧૨૮ કરોડના કલેકશન સામે ૨૯ જૂન ૨૦૨૨ સુધીમાં ૯૧૩૫ કરોડ થયું છે.
સૂત્રોએ કહ્યું કે ગયા વર્ષે આ સમયગાળામાં કોરોનાની બીજી લહેર હજુ પુરી જ થઇ હતી અને આર્થિક ગતિવિધિઓ ધીમી હતી એટલે આટલું ઓછું કલેકશન થયું હતું. ટેક્ષ અધિકારીઓ અને સૂત્રોનું કહેવું છે કે મોંઘવારીમાં વધારો અને આર્થિક ગતિવિધિઓ તેજ બનતા ટેક્ષ કલેકશન વધ્‍યું છે.
રાજ્‍યના કોમર્શિયલ ટેક્ષ વિભાગના કમિશનર મિલીંદ તોરવણેએ કહ્યું ‘ગયા વર્ષની સરખામણીમાં આ વર્ષે ધંધો ચોક્કસ વધ્‍યો છે કેમકે જૂન-૨૦૨૧માં કોરોનાની ખતરનાક બીજી લહેરની અસરમાંથી ધંધાઓ ધીમે ધીમે બહાર આવી રહ્યા હતા અને આર્થિક ગતિવિધિઓએ ગતિ નહોતી પકડી. તે સમયની સરખામણીમાં વ્‍યાપારિક પ્રવૃત્તિ અને માંગમાં અત્‍યારે ઘણો સુધારો થયો છે.'
અમદાવાદના એક ઉદ્યોગપતિએ કહ્યું કે, મોંઘવારી હવે સ્‍થિર થઇ હોવા છતાં કાચા માલ અને અન્‍ય વસ્‍તુઓના ભાવમાં વધારો થયો છે. આમ કિંમતો વધવાથી જે તે વસ્‍તુઓના ટેક્ષ કલેકશનમાં પણ વધારો થયો છે.

 

(11:47 am IST)