Gujarati News

Gujarati News

News of Friday, 1st July 2022

અમદાવાદમાં દાયકા સુધી કોર્પોરેટર રહેલા ઈશ્વરભાઈ પટનીનું સાદગીપૂર્ણ જીવન : રીક્ષા ચલાવી કરે છે પરિવારનું ગુજરાન

અસારવા વોર્ડના પૂર્વ કોર્પોરેટર ઈશ્વરભાઈ પટની બાપાલાલ ઘાંચીની ચાલીમાં વર્ષોથી રહે છે :એમની પ્રમાણિકતા અને કામ પ્રત્યેની શ્રદ્ધાએ તેમને ક્યારેય ખોટુ કામ કરવા ન દીધું.

આજના જમાનામાં રાજકારણમાં આવ્યા બાદ નેતાઓની દશા અને દિશા બધું જ બદલાઈ જાય છે. પરંતુ અમદાવાદમાં 10 વર્ષ સુધી કોર્પોરેટર રહ્યા બાદ પણ ઈશ્વરભાઈ સાદગીભર્યું જીવન જીવી રહ્યા છે. આજે પણ તે રિક્ષા ચલાવીને પોતાના પરિવારનું ગુજરાન ચલાવી રહ્યા છે. આજના નેતાઓએ ઈશ્વરભાઈના જીવન માંથી શીખ લેવી જરૂરી બની છે.

એક વાર ચૂંટણી લડ્યા બાદ સત્તા પર આવેલા નેતાઓની આર્થિક ચિંતાઓ ભૂતકાળ બની જાય છે. જીવનધોરણ પણ બદલાઈ જાય છે. પણ અમદાવાદના એક એવા પૂર્વ કોર્પોરેટર જેમની આર્થિક સ્થિતિ તો ન સુધરી પણ કોર્પોરેટર બન્યા બાદ સરકારી લાભો પણ છિનવાઈ ગયા છે જેને લઈને આજે તેઓ સાદગીભર્યું જીવન જીવી રહ્યા છે. જેનું નામ છે અસારવા વોર્ડના પૂર્વ કોર્પોરેટર ઈશ્વરભાઈ પટની. ઈશ્વરભાઈ બાપાલાલ ઘાંચીની ચાલીમાં વર્ષોથી રહે છે. બે ટર્મ ભાજપના કોર્પોરેટર તરીકે પ્રતિનિધિત્વ પણ કર્યું છે. એમની પ્રમાણિકતા અને કામ પ્રત્યેની શ્રદ્ધાએ તેમને ક્યારેય ખોટુ કામ કરવા ન દીધું. 

ઈશ્વરભાઈ પટની 2010માં અસારવા વોર્ડ પર કોર્પોરેટર તરીકે ચૂંટાયા હતા અને બીજી ટર્મમાં પણ ચૂંટાઈને અસારવા વોર્ડ પર 2020 સુધી કોર્પોરેટર રહ્યા હતા. ઈશ્વરભાઈ કોર્પોરેટર બન્યા પહેલા પણ રિક્ષા ચલાવીને જીવન ગુજરાન ચલાવતા હતા. અને આજે પણ રિક્ષા ચલાવે છે. સામાન્ય રીતે રાજકારણમાં આવ્યા બાદ નેતાઓની સ્થિતિ બદલાતી હોય છે. પણ ઈશ્વર પટની તો મહેનત કરીને કમાવવામાં રસ દાખવે છે. કોર્પોરેટર બન્યા બાદ તેમને સરકાર દ્વારા અપાતો BPL કાર્ડનો લાભ પણ છિનવાઈ ગયો છે. મોંઘવારી વધી રહી છે. તેવામાં આર્થિક સ્થિતિ ડામાડોળ બનતા હવે કોર્પોરેટરના પત્ની પણ શાકભાજી વેચીને તેમને આર્થિક મદદ કરે છે. 

રાજ્ય સરકારની BPL 2007 અને 2010ની માર્ગદર્શિકા પ્રમાણે નાગરિક સંસ્થાએ ઈશ્વર પટની સાથે 15 સહ કાઉન્સિલરના BPL કાર્ડ રદ કર્યા હતા. તાજેતરમાં પણ AMCએ 4 વર્તમાન કાઉન્સિલરના કાર્ડ પાછા ખેંચ્યા છે. જેમાં સરસપુર વોર્ડમાંથી મંજૂલા ઠાકોર, અસારવા વોર્ડના દિશાંત ઠાકોર, ચાંદલોડિયાથી હીરા પરમાર અને ખાડિયા વોર્ડના ગીતાબેન પરમારનું નામ કમી કરવામાં આવ્યું છે. જોકે એકવાર કોર્પોરેટર બન્યા બાદ કોઈ હોદ્દો ન હોય છતાં ફરીથી BPL કાર્ડ મેળવી શકાતું નથી. આ સ્થિતિ માત્ર ઈશ્વરભાઈ પટનીની જ નહીં પણ એ તમામ પૂર્વ કોર્પોરેટરની છે જે સામાન્ય જિંદગી જીવી રહ્યા છે.   

(11:22 pm IST)