Gujarati News

Gujarati News

News of Friday, 1st July 2022

સુરતના વરાછામાં પ્રથમ વખત ભગવાન જગન્નાથજીની રથયાત્રાનું આયોજન: ભાવિકોમાં છવાયો જબરો ઉત્સાહ

માનગઢ ચોકથી મોટાવરાછા સુધી સૌ પ્રથમ વખત ભગવાન જગન્નાથની રથયાત્રા: રૂટ પર પ્રસાદીના સ્ટોલ નાખીને સેવાનો લ્હાવો લેશે: 10 થી 15 વિદેશી ભક્તો પણ હાજર રહેશે

સુરતના વરાછાના  માનગઢ ચોકથી મોટાવરાછા સુધી સૌ પ્રથમ વખત ભગવાન જગન્નાથની રથયાત્રાનું આયોજન 1 જુલાઇના રોજ થવા જઇ રહ્યું છે. સંસ્થા સાથે જોડાયેલા સ્વામીઓ અને ભક્તો આ રથયાત્રામાં રથયાત્રાના રૂટ પર પ્રસાદીના સ્ટોલ નાખીને સેવાનો લ્હાવો લેશે. 10 થી 15 વિદેશી ભક્તો પણ હાજર રહેશે.

આંતરરાષ્ટ્રીય કૃષ્ણ ભાવના સંઘ ઇસ્કોન વરાછા મંદિર દ્વારા પ્રથમ વખત વરાછા વિસ્તારમાં રથયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. અનેકો ઇસ્કોન મંદિરોમાં છેલ્લા 50 વર્ષોથી રથયાત્રાનું આયોજન થઇ રહ્યું છે. ત્યારે તેના એક ભાગરૂપે ઇસ્કોન વરાછા મંદિર દ્વારા પણ 01,જુલાઇ 2022ને શુક્રવારના રોજ રથયાત્રાનું આયોજન કરવામાં આવેલ છે. આ રથયાત્રા દરમિયાન એક વિશાળ રથ, 10 ભગવાનની લીલા દર્શાવતી ઝાંખીઓ, 05 બળદગાડા, 02 બગી, 10 ઘોડા અને 05 હરીનામ સંકીર્તન ટિમ દ્વારા રથયાત્રાની ભવ્ય સ્વરૂપ શોભા વધારશે.

 

જગન્નાથ રથયાત્રાની શરૂઆત મીની બજારથી કરવામાં આવશે. આ રથયાત્રા બરોડા પ્રિસ્ટેજ, હીરાબાગ સર્કલ કાપોદ્રા-ઉતરાણ પુલ, વીઆઇપી સર્કલ, સુદામા ચોક, મોટા વરાછા મેઇન રોડ થઇને જેડીએમ ફાર્મમાં રથયાત્રાનો વિરામ થશે.

રથયાત્રામાં વિશાળ રથ સહિત પાંચ ભક્તોને મગ, ચણા, ખીર, ઢોકળાં, ફૂટ, ખીચડી પ્રસાદીરૂપે અપાશે

પ્રભુ સ્વામીના જણાવ્યા અનુસાર વરાછા ઇસ્કોન મંદિર દ્વારા નીકળનારી રથયાત્રામાં ભગવાન શ્રીકૃષ્ણને વિવિધ લીલાઓને મૂર્તિમંત કરીને ટ્રેક્ટર ઉપર રાખીને રથયાત્રામાં આકર્ષણનું કેન્દ્ર બને તે પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી છે. સમગ્ર રથયાત્રાના રૂટ પર તમામ ભાવિકોને પ્રસાદ આપવામાં આવશે. રથયાત્રામાં દર્શનનો લાભ લેવા આવનાર તમામ ભાવિકોને મગ, ચણા, ખીર, ઢોકળા, ઇદડા, ફ્રુટ, શરબત, પાણી, ખીચડી આ બધું જ પ્રસાદ રૂપે આપવામાં આવશે. વરાછા વિસ્તારમાં સૌપ્રથમવાર રથયાત્રા નીકળવાની હોવાથી તમામ ભાવિકોમાં ખૂબ જ ઉત્સાહ અને થનગનાટ જોવા મળી રહ્યો છે. આ યાત્રાને વરસાદનું વિઘ્ન ન નડે તે માટે પણ ખાસ તૈયારીઓ પણ કરવામાં આવી છે. બળદગાડા,બે બગી, 10 ઘોડા પણ રથયાત્રામાં જોડાશે.

(10:46 pm IST)