Gujarati News

Gujarati News

News of Thursday, 1st July 2021

૭૨મા વનમહોત્સવની આયોજન બેઠકમાં અમદાવાદ જિલ્લા કલેક્ટરની અપીલ : “વૃક્ષોનું બાળકોની જેમ જતન કરો”:

માત્ર વાવેતર નહીં, પણ વૃક્ષ-વિકાસમાં ઉંડો રસ-રુચિ લેવા જિલ્લા કલેક્ટરનો અનુરોધ : જિલ્લા કલેક્ટરએ જિલ્લા શિક્ષણાધિકારીના શાળાઓમાં નર્સરી-વિકાસના વિચારની પ્રસંશા કરી

(વંદના નીલકંઠ વાસુકિયા દ્વારા) વિરમગામ :  ‘’વૃક્ષોનું આપણા બાળકોની જેમ જતન કરો અને વૃક્ષારોપણની સાથે વૃક્ષોના ઉછેરની પણ એટલી જ ચિંતા કરો’’ તેમ અમદાવાદ જિલ્લા કલેક્ટર  સંદિપ સાગલેએ આજે ૭૨માં વનમહોત્સવની જિલ્લા કક્ષાની બેઠકમાં જણાવ્યું હતું.

જિલ્લા કલેક્ટરએ બેઠકમાં ઉપસ્થિત જિલ્લાના વિવિધ અધિકારીઓને અનુરોધ કર્યો કે આપણે વનમહોત્સવને જનમહોત્સવ બનાવવો જોઈએ અને તેમાં લોકભાગીદારીનું પ્રમાણ વધારવું જોઈએ. તેમણે ઉમેર્યું હતું કે, જો આપણે ભાવિ પેઢી માટે સારુ વાતાવરણ અને ટકાઉ વિકાસ નિશ્ચિત કરવા હશે તો પર્યાવરણની જાળવણી અને ખાસ કરીને વૃક્ષારોપણ પર વધુ ધ્યાન આપવું પડશે.
જિલ્લા કલેક્ટર સંદિપ સાગલેએ વિવિધ વિભાગો દ્વારા વનમહોત્સવ સંદર્ભે તૈયારીની સમીક્ષા કરી હતી અને જરુરી માર્ગદર્શન આપ્યું હતું. કલેક્ટરએ ખેડૂતો શેઢા પાળા પર વધુ વૃક્ષોનું વાવેતર કરે અને તે દ્વારા આજીવિકાના નવા અવસર ઉભા કરે તે દિશામાં કામગીરી કરવા માટે જિલ્લા ખેતીવાડી અધિકારીને તાકીદ કરી હતી. આ ઉપરાંત શાળા,કોલેજ, ઉદ્યોગ ગૃહો, પોલીસ મથક, જેલ વગેરે સ્થળોએ પણ વૃક્ષારોપણ કરવા માટે વિવિધ વિભાગોને સૂચના આપી હતી.    
બેઠકમાં જિલ્લા શિક્ષણાધિકારીની કચેરી તરફથી શાળાઓમાં નર્સરી વિકાસ માટેનો વિચાર રજૂ કરાયો હતો, જેની પ્રસંશા કરી જિલ્લા કલેક્ટર એ આ દિશામાં વન વિભાગ સાથે સંકલન કરી આગળની કાર્યવાહી કરવા માટે સૂચના આપી હતી.  
જિલ્લા કલેક્ટરએ આ બેઠકમાં પર્યાવરણની જાળવણી માટે વધુ સંકલિત અભિગમ પર ભાર મૂકતા માર્ગ-મકાન અને સિંચાઈ વિભાગ સાથેનું સંકલન સુદ્રઢ બનાવવા માટે જણાવ્યું હતું.
“ટીમ અમદાવાદ”એ અંગત રસ-રુચિ લઈ વૃક્ષોનો સર્વાઈવલ રેટ વધારવા પર ભાર મૂકતા જિલ્લા કલેક્ટરએ કહ્યું કે, આપણે પ્રકૃતિ સાથે અનુસંધાન સાધી ટકાઉ વિકાસની દિશામાં કામ કરવું પડશે.
આ પ્રસંગે અમદાવાદ જિલ્લાના સામાજિક વનીકરણ વિભાગના નાયબ વન સંરક્ષકની કચેરી તરફથી પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશન રજૂ કરાયું હતું , જેમાં ગ્રામ્ય સ્તરે આયોજીત કરવામાં આવતા વનમહોત્સવ, વૃક્ષ રથ અને તુલસી રથના આયોજન અંગેની વિગતો આપવામાં આવી હતી.

(7:02 pm IST)