Gujarati News

Gujarati News

News of Thursday, 1st July 2021

અમદાવાદ:દરભંગા હમસફર ટ્રેનમાંથી બોગસ આધારકાર્ડ સાથે 67 મુસાફરોની ધરપકડ કરી દંડ વસુલવામાં આવ્યો

  • અમદાવાદ:અમદાવાદ-દરભંગા હમસફર સ્પેશિયલ ટ્રેનમાંથી ગઇકાલે તા. ૨૯ જૂને ૬૭ બોગસ મુસાફરો ઝડપાયા હતા. કે જેઓ બોગસ આધારકાર્ડ સાથે મુસાફરી કરતા હતા. તેઓએ જે એજન્ટ પાસેથી ઇ-ટિકિટ ખરીદી હતી તેણે જ મુસાફરોને બોગસ આધારકાર્ડ બનાવી આપ્યા હતા. ઇ-ટિકિટ બીજાના નામે બુક કરાવી અને બીજાને આપી દીધી હોવાની હકિકત સામે આવી છે. તમામ ૬૭ મુસાફરો પાસેથી ૧,૧૦,૧૯૦ રૂપિયા દંડ વસુલવામાં આવ્યો હતો.

આ અંગે પશ્ચિમ રેલવેના વિજિલન્સ વિભાગના અધિકારી હિમાંશુ કાપડિયાના જણાવ્યા મુજબ તેઓએ ગઇકાલે તા.૨૯ જૂનને મંગળવારે દરભંગા-અમદાવાદ ટ્રેનમાં ચેકિંગ હાથ ધર્યું હતું. ઉજ્જૈનથી અમદાવાદ સુધી હાથ ધરાયેલા આ ચેકિંગમાં ૬૭ મુસાફરો પાસે નવા નક્કોર આધારકાર્ડ જોવા મળ્યા હતા.

આથી શંકા જતા તેઓએ ઇ-ટિકિટ ચેક કરી અને આધારકાર્ડ ચેક કર્યું. જેમાં આધારકાર્ડમાં ફોટો, નામ અને ઉંમર સાથે ચેડા થયા હોવાનું ધ્યાને આવ્યું હતું. આ તમામ ટિકિટ તા.૧૮ જૂને સવારે ૮ઃ૦૧ કલાકે ઇ-ટિકિટ એજન્ટ દ્વારા બુક કરાવાઇ હોવાનું જાણવા મળ્યું હતું. એજન્ટે જ ઇ-ટિકિટ સાથે મેચ થાય તેવા આધારકાર્ડ બનાવી આપ્યા હતા.

આ મામલે એજન્ટની તપાસ કરવામાં આવી રહી છે. આ ઉપરાંત ટ્રેનમાં વગર ટિકિટ કે ઓળખકાર્ડ વગર ફરતા ૩૩ મુસાફરો ઝડપાયા હતા. તેઓ પાસેથી પણ ૪૨,૯૯૦ રૂપિયા દંડ લેવાયો હતો. ઇ-ટિકિટની સાથે બોગસ આધારકાર્ડ સપ્લાય કરતા એજન્ટોની તપાસ હાથ ધરાઇ છે.

(5:38 pm IST)