Gujarati News

Gujarati News

News of Thursday, 1st July 2021

વડોદરાના ડભોઈરોડ નજીક બે શખ્સોએ ઉઘરાણી માટે ટ્રકચાલકને જાહેરમાં માર મારતા ફરિયાદના આધારે તપાસ હાથ ધરવામાં આવી

વડોદરા : શહેરના  ડભોઇરોડ પર આવેલ જયનારાયણનગરમાં રહેતો મહેશ ઝવેરભાઇ વણઝારા ટ્રક ડ્રાઇવિંગ કરી કુટુંબનું ગુજરાન ચલાવે છે. એક વર્ષ પહેલા તેણે દંતેશ્વરમાં ભરવાડવાસમાં રહેતા ભવન ભરવાડ અને ભગાભાઇ ભરવાડ પાસે રૃા.૫૦ હજાર ઉછીના લીધા હતાં. બાદમાં આ રકમ ટૂકડે ટૂકડે ચૂકવણી કરતો હતો પરંતુ બે માસથી રકમ આપી શક્યો ન હતો.

ગઇરાત્રે સોમાતળાવ ચાર રસ્તા પાસે એક ચાની લારી પાસે મહેશ વણઝારા ઉભો હતો ત્યારે પીકઅપ ટેમ્પો લઇને ભવન અને ભગાએ આવીને રૃપિયાની માંગણી કરી હતી જેથી મહેશે હાલ સગવડ નથી સગવડ થશે એટલે હું ચૂકવી દઇશ તેમ કહ્યું હતું જો કે ભવને અત્યારે જ પૈસા આપી દે, તારું મકાન વેચીને પણ મને રૃપિયા આપી દે નહી તો તારા ટાંટીયા તોડી નાંખીશ તેમ કહી ફેટ પકડી ઝપાઝપી કરી હતી.

ભગો પીકઅપગાડીમાંથી ડંડો લાવ્યો હતો અને મહેશના પગમાં માર્યો હતો. હુમલાના પગલે બૂમાબૂમ થતા લોકો ભેગા થઇ ગયા હતા ત્યારે ભવન અને ભગો તું પોલીસ ફરિયાદ કરીશ તો જાનથી મારી નાંખીશું તેવી ધમકી આપી હતી. હોસ્પિટલમાં ઇજાગ્રસ્ત મહેશે બંને સામે ફરિયાદ નોધાવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

(5:35 pm IST)