Gujarati News

Gujarati News

News of Thursday, 1st July 2021

સુરતમાં સાંજના સુમારે ક્રાઇમ બ્રાન્ચે ટાવરના પાર્કિંગમાં કારમાંથી 1.84 લાખનો દારૂનો જથ્થો ઝડપી પાડયો

સુરત: શહેર ક્રાઈમ બ્રાન્ચે ગતસાંજે વેસુના રત્નાજયોતિ ટાવરમાં પાર્કીંગમાં કારમાંથી 1.84 લાખના દારૂ સહિત રૂ.3.84 લાખનો મુદ્દામાલ કબજે કરી ત્રણને વોન્ટેડ જાહેર કર્યા હતા. કાચના વેપારીએ ધંધામાં નુકશાન બાદ દારૂનો ધંધો શરૂ કરી દિલ્હીથી મંગાવી વેચવા માંડયો હતો.

ક્રાઈમ બ્રાન્ચના સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ મળેલી બાતમીના આધારે ક્રાઈમ બ્રાન્ચના પીએસઆઈ કે.એમ.પુવાર અને ટીમે ગતસાંજે ચાર વાગ્યાના અરસામાં વેસુ વીઆઇપી રોડ રત્નાજયોતિ ટાવર ઈ બીલ્ડીગના પાર્કીગમાં છાપો માર્યો હતો. ત્યાં દારૂનો જથ્થો કારમાંથી ખાલી થતો હોય ક્રાઈમ બ્રાન્ચ પહોંચતા જ ભાગદોડ મચી ગઈ હતી અને ત્રણ વ્યક્તિ અન્ય દરવાજાથી ભાગી છૂટ્યા હતા. ક્રાઈમબ્રાન્ચે કાર ( નં.એમપી--07-સીસી-3686 ) માંથી વ્હીસ્કીની રૂ.1,83,920 ની મત્તાની કુલ 99 બોટલ કબજે કરી રૂ.2 લાખની કાર મળી કુલ રૂ.3,83,920 નો મુદ્દામાલ કબજે કર્યો હતો. દારૂનો જથ્થો રત્નાજયોતિ ટાવર ઈ બીલ્ડીગના ફ્લેટ નં.સી/9 માં રહેતા શાહીલ ઇન્દર બંસલે મૂળ દિલ્હીના પણ હાલ સુરતના વેસુ સોમેશ્વરા એન્ક્લેવ પાસે બનવારી રેસિડેન્સી ફ્લેટ નં.902 માં રહેતા બોબી પંજાબી અને રવિન્દ્ર રાણા પાસે મંગાવ્યો હતો.

અગાઉ કાચનો ધંધો કરતા શાહીલે ધંધામાં નુકશાન જતા દારૂનો વેપાર શરૂ કર્યો હતો અને તેને બોબી પંજાબી તેમજ રવિન્દ્ર રાણા દિલ્હીથી દારૂ લાવી આપતા હતા. ક્રાઈમ બ્રાન્ચે ત્રણેયને વોન્ટેડ જાહેર કરી કાર્યવાહી હાથ ધરી હતી.

(5:33 pm IST)