Gujarati News

Gujarati News

News of Thursday, 1st July 2021

સુરતમાં કારખાનાની દીવાલમાં બાકોરું પાડી 45 હજારની ચોરી કરી અજાણ્યો ગઠિયો રફુચક્કર

સુરત: શહેરના આંજણા ફાર્મ જય ઈન્ડસ્ટ્રીઝમાં લેસનું કારખાનું ધરાવતા અલથાણના વેપારી વતન અજમેર ગયા હતા ત્યારે કારખાનાની દિવાલમાં બાકોરૂ પાડી ઓફિસના ટેબલના ડ્રોઅરમાંથી રોકડા રૂ.45 હજારની ચોરી કરી અજાણ્યો ફરાર થઈ ગયો હતો. પોલીસે આ ચોરી કોઈક જાણભેદુએ કરી હોવાની આશંકાને આધારે તપાસ શરૂ કરી છે.

પોલીસ સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ મૂળ રાજસ્થાનના અજમેરના વતની અને સુરતમાં અલથાણ ડી.આર.બી.કોલેજની બાજુમાં સુધર્મા રેસિડન્સી એ/302 માં રહેતા 34 વર્ષના વિપુલભાઈ વિમલચંદ આંજણાફાર્મ જય ઇન્ડસ્ટ્રીઝ ખાતા નં.42 ગ્રાઉન્ડ ફ્લોર ખાતે શુભલક્ષ્મી એન્ટરપ્રાઇઝના નામેં લેસનું કારખાનું ધરાવે છે. ગત 21 મી ના રોજ વિપુલભાઈ કારખાનું મેનેજર ગૌરવભાઈ અને કર્મચારીઓને સોંપીને વતન ગયા તે સમયે તેમણે ઓફિસના ટેબલના ડ્રોઅરમાં રોકડા રૂ.45 હજાર મૂકી લોક કર્યું હતું. દરમિયાન, 24 મીની સવારે 10 વાગ્યે કર્મચારી રવિન્દ્રભાઈએ ફોન કરીને જાણ કરી હતી કે કોઈકે 23 મીની રાત્રી દરમિયાન ખાતાની દિવાલમાં બાકોરૂ પાડી ઓફિસના ટેબલના ડ્રોઅરમાંથી રોકડા રૂ.45 હજારની ચોરી કરી છે. સુરત પરત ફરેલા વિપુલભાઈએ ગતરોજ ચોરી અંગે સલાબતપુરા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે આ ચોરી કોઈક જાણભેદુએ કરી હોવાની આશંકાને આધારે તપાસ શરૂ કરી છે.

(5:32 pm IST)