Gujarati News

Gujarati News

News of Thursday, 1st July 2021

આણંદમાં 87 જેટલા બોગસ બીપીએલ કાર્ડધારકોને તપાસના આધારે ઝડપવામાં આવ્યા

આણંદ :  જિલ્લા પુરવઠા વિભાગ દ્વારા સર્વે હાથ ધરી તપાસ કરતા આણંદ તાલુકામાંથી લગભગ ૮૭ જેટલા બોગસ બીપીએલ કાર્ડધારકો મળી આવ્યા હોવાના અહેવાલ સાંપડયા છે. સરકાર દ્વારા આ યોજના હેઠળ ગરીબોને અન્ન મળે તે માટે અપીલ કરાતા જિલ્લામાં ૧૦ ટકા જેટલા લોકોએ સ્વૈચ્છિક રીતે મફત અનાજ ન લઈ પોતાનો હક્ક જતો કર્યો હતો. બીજી તરફ આણંદ તાલુકાના ઓડ, જીટોડીયા, ચિખોદરા અને સુંદણ ગામની સેવા સહકારી મંડળીઓ દ્વારા સર્વે હાથ ધરી રીપોર્ટ મોકલવામાં આવતા ચિખોદરા, જીટોડીયા, ઓડ અને સુંદણમાં કેટલાક રેશનકાર્ડ ધારકો ગરીબી રેખામાં નહી આવતા હોવા છતાં લાભ મેળવી રહ્યા હોવાનું ખુલવા પામ્યું હતું. આ સર્વે અંતર્ગત ચિખોદરા અને જીટોડીયામાંથી ૧૨-૧૨, ઓડમાંથી ૪૩ અને સુંદણમાંથી ૨૦ જેટલા રેશનકાર્ડ ધારકો આ યોજના હેઠળ મફતનું સરકારી અનાજ લઈ જતા હોવાનું ખુલતા પુરવઠા વિભાગે ખોટી રીતે લાભ મેળવતા ૮૭ જેટલા કાર્ડધારકોના કાર્ડ બંધ કરવાની તજવીજ હાથ ધરાઈ છે.

કોરોના મહામારી દરમ્યાન ગરીબ પરીવારોને કોઈપણ જાતની તકલીફ ન પડે તે હેતુથી રાજ્ય સરકાર દ્વારા મફત અનાજ વિતરણની વ્યવસ્થા કરવામાં આવી હતી. જેને લઈ એનએફએસએ યોજનાનો લાભ મેળવવા માટે હજારોની સંખ્યામાં લોકો દ્વારા સિક્કો લગાવવા માટે અરજીઓ કરાઈ રહી છે ત્યારે જરૂરિયાતમંદ પરિવારોને આ યોજનાનો લાભ મળી રહે તે દિશામાં પગલા ભરવા પુરવઠા વિભાગને જાગૃતો દ્વારા અરજ કરાઈ છે. સાથે સાથે જિલ્લામાં ખોટી રીતે આ યોજનાનો લાભ મેળવતા રેશનકાર્ડ ધારકોને શોધી કાઢવા પુરવઠા વિભાગ દ્વારા હાથ ધરાયેલ કવાયતને લઈ ખોટી રીતે આ યોજનાનો લાભ મેળવતા રેશનકાર્ડ ધારકોમાં ફફડાટની લાગણી વ્યાપી ગઈ છે.

(5:31 pm IST)