Gujarati News

Gujarati News

News of Thursday, 1st July 2021

ગાંધીનગર નજીક પીડીપીયુ રોડ નજીક દોઢ કરોડની દવાનો ઓર્ડર આપી પેમેન્ટ ન કરનાર બે શખ્સો વિરુદ્ધ પોલીસ ફરિયાદ

ગાંધીનગર:શહેર નજીક પીડીપીયુ રોડ ઉપર આવેલા કોમ્પ્લેક્ષમાં એલોપેથી દવાની કંપનીની ઓફીસ આવેલી છે અને તેના સંચાલકોને દોઢ કરોડની દવાનો ઓર્ડર આપી ૮ર લાખ રૃપિયાની દવાઓ મેળવી લઈ રૃપિયા નહીં ચુકવનાર અમદાવાદ અને સુરતના બે શખ્સો સામે ઈન્ફોસીટી પોલીસમાં ફરીયાદ દાખલ થવા પામી છે જેના આધારે પોલીસ ગુનો નોંધી આરોપીઓની શોધખોળ આદરી છે. આ ગઠીયાઓનો સંપર્ક કરાવનાર વચેટીયાએ પણ આપઘાત કરી લીધો હોવાનું બહાર આવ્યું હતું. આ ગઠીયાઓએ અમદાવાદમાં ઓછા ભાવે આ દવાઓ વેચી દીધી હોવાનું પણ બહાર આવ્યું હતું.  

આ ઘટના અંગે પોલીસ સુત્રોમાંથી મળતી વિગતો પ્રમાણે વાવોલના શાલ્વીક હોમ્સ ખાતે રહેતા ગુરવીશ બીપીનભાઈ પટેલે ફરીયાદ નોંધાવી હતી કે એલીસન લાઈફ સાયન્સ નામની એલોપેથી દવાની કંપની ભાગીદારીમાં ચલાવે છે અને તેની ઓફીસ પીડીપીયુ રોડ ઉપર કોમર્શિયલ કોમ્પ્લેક્ષમાં આવેલી છેકંપની ઓર્ડર પ્રમાણે દવા બનાવીે કામ કરે છે. ગત તા.૩ જુલાઈ ૨૦૧૯માં દર્શન પ્રવિણચંદ્ર વ્યાસ રહે.પારૃલ સોસાયટી મેમનગર અમદાવાદ અને વિશાલ રમેશ ગાંધી રહે.સંજરી કોમ્પ્લેક્ષઅડાજણ સુરત દ્વારા તેમના ભાગીદાર ચુનીલાલા વઘાસીયા સાથે વાતચીત કરવામાં આવી હતી. દર્શન વ્યાસે કહયું હતું કે અમારી કંપની ફોનિક્સ એન્ટરપ્રાઈજ રખીયાલમાં આવેલી છે અને તેના માલિક સચીન સોની છે જે કંપની કર્ણાટકઓરિસ્સામાં હોસ્પિટલ ધરાવે છે અને સરકાર સાથે પણ કામ કરે છે. ત્યારબાદ દોઢ કરોડ રૃપિયાનો ઓર્ડર આપવાનું નક્કી કર્યું હતું. અલગ અલગ દવાઓના ઓર્ડર મળ્યા બાદ તે ચાંગોદર ખાતેની ઓફીસમાં મોકલી આપવા માટે કહયું હતું. જેના પગલે કંપની દ્વારા તા.૪ ડીસેમ્બર ર૦૧૯થી તા.૬ માર્ચ ર૦૨૦ સુધીમાં ૮૨.૨૦ લાખની દવાઓ મોકલી આપવામાં આવી હતી. જો કે બીલ પેટે મુદ્દત નકકી કરાઈ હતી તે પ્રમાણે રૃપિયા નહીં આવતાં દર્શન વ્યાસે કહયું હતું કે બીજો માલ મોકલો પછી બીલ ચુકવી દઈશુ. આ દવાઓ સંદર્ભે તપાસ કરતાં આ ગઠીયાઓએ અમદાવાદમાં ઓછા ભાવે દવાઓ વેચીને રૃપિયા અન્ય ખાતામાં ટ્રાન્સફર કરી લીધા હોવાનું ખુલયું હતું. જેથી ગુરવીશભાઈને છેતરાયાનો અહેસાસ થતાં આ મામલે ઈન્ફોસીટી પોલીસ મથકમાં દર્શન વ્યાસ અને વિશાલ ગાંધી સામે છેતરપીંડીની ફરીયાદ આપતાં પોલીસે ગુનો નોંધી તેની શોધખોળ આદરી છે. 

(5:29 pm IST)