Gujarati News

Gujarati News

News of Thursday, 1st July 2021

પંચમહાલ જીલ્લાના ઘોઘંબા પંથકમાં વારંવાર હૂમલો કરનાર દિપડો પાંજરામાં કેદઃ 4 દિવસમાં ઉપરા-ઉપરી બે વખત બાળકો ઉપર હૂમલો કર્યો હતો

પંચમહાલ: પંચમહાલના ઘોઘંબા પંથકમાં દીપડાની દહેશત યથાવત છે. આ પંથકમાં અવારનવાર દીપડાઓ મનુષ્યો પર હુમલો કરતા હોય છે. ગઈકાલે પણ 9 વર્ષના કિશોર પર દીપડાએ હુમલો કર્યો હતો. ત્યારે આખરે આ દીપડો પાંજરે પૂરાયો છે. દીપડાએ છેલ્લા ચાર દિવસમાં ઉપરાઉપરી બે હુમલા કર્યાં છે.

વોચમેને બાળકને દીપડાના હુમલાથી બચાવ્યો

ઘોઘંબાના ગોયાસુંડલ ગામે ગઈકાલે કિશોર પર દીપડાએ હુમલો કર્યો હતો. તરવારીયા ફળિયાનો 9 વર્ષીય કિશોર લઘુશંકા કરી તેના ભાઈ સાથે પરત ફરી રહ્યો હતો, તે દરમિયાન દીપડાએ હુમલો કર્યો હતો. જોકે, ઘટના સ્થળે ઉપસ્થિત વન વિભાગના વોચમેને દીપડાને પડાકાર્યો હતો. તેથી દીપડો કિશોરને છોડી ભાગ્યો હતો. પણ દીપડાના હુમલામાં કિશોર ઈજાગ્રસ્ત બન્યો હતો. ઈજાગ્રસ્ત કિશોરને સારવાર માટે હોસ્પિટલમા ખસેડાયો હતો.

ગત વર્ષે દીપડાના હુમલામાં બે કિશોરના મોત થયા

અગાઉ આ વિસ્તારમાં દીપડાએ બે કિશોરને મોતને ઘાટ ઉતાર્યા છે. ફરી દીપડાનો આતંક વધતા સ્થાનિકોમાં ભયનો માહોલ સર્જાયો છે. આ વિસ્તારમાં દીપડાએ છેલ્લા ચાર દિવસમાં ઉપરાઉપરી બે હુમલા કર્યા છે. હુમલો કરનાર દીપડા પૈકી એક દીપડો પાંજરે પૂરાયો છે.

બાળકોને શિકાર બનાવે છે દીપડા

હાલ વનવિભાગ દ્વારા પકડાયેલ દીપડાને ધોબીકુવા રેસ્ક્યૂ સેન્ટર ખાતે ખસેડાયો છે. રવિવારે આ દીપડાએ વાવકુલ્લી ગામે 6 વર્ષીય બાળકી પર હુમલો કર્યો હતો. જ્યારે બીજો હુમલો તેણે ગોયાસુંદલ ગામે 9 વર્ષીય કિશોર પર કર્યો હતો. બંને હુમલામાં દીપડાએ માસુમોને જ નિશાન બનાવ્યા હતા. ગત વર્ષે થયેલા દીપડાના હુમલાઓમાં પણ બાળકો જ શિકાર બન્યા હતા. બે બાળકોના મોત થયા હતા.

(4:25 pm IST)