Gujarati News

Gujarati News

News of Thursday, 1st July 2021

ઓળખકાર્ડ વગર ટ્રેનમાં સફર કરતા ૧૦૦ યાત્રિકો ઝડપાયા

બોગસ આધારકાર્ડ ઉપર એજન્ટસે કાઢી હતી ઈ-ટીકીટસ !

ગાંધીનગર, તા. ૧ :. રેલ્વે ટીકીટના દલાલો કાળાબજાર કરવા માટે નીતનવા પેતરા અજમાવતા હોય છે. રેલ્વે અધિકારીઓએ આવા જ એક રેકેટનો પર્દાફાશ કર્યો છે. જેમા દલાલ બોગસ આધારકાર્ડથી ટીકીટ કાઢી લઈ જરૂરીયાતવાળા યાત્રીઓને દોઢા કે ડબલ  પૈસા વસુલી આપતા હતા.

પશ્ચિમ રેલ્વેના એલર્ટ વિભાગ અને અમદાવાદ અને વડોદરા ડિવીઝનની ટીમે દરભંગા અમદાવાદ હમસફર એકસપ્રેસ ટ્રેનમાં ઓચિંતાની તપાસ કરતા ૧૦૦ જેટલા મુસાફરો ઓળખકાર્ડ વગર ઝડપાયા હતા. તેમની પાસેથી ટીકીટ તો મળી આવી હતી પરંતુ તે ગેરકાયદે કાળાબજારથી મેળવાયેલી હોવાથી તેમની સામે ટીકીટ વગર મુસાફરી કરવાનો કેસ નોંધી દોઢ લાખથી વધુનો દંડ વસુલવામાં આવ્યો હતો. મુસાફરોને ટીકીટની સાથે બોગસ આધારકાર્ડ પણ પુરૂ પાડવામાં આવ્યુ હતુ. આધારકાર્ડમાં મુસાફરનો ફોટો, નામ અને ઉંમરમા ફેરફાર કરી નવુ આધારકાર્ડ બનાવી આપવામાં આવ્યુ હતુ. આવા ૬૭ ઉતારૂઓને પણ ઝડપી લેવાયા હતા. વગર ટીકીટનો કેસ કરી આ લોકો પાસેથી ૧ લાખ ૧૦ હજાર ૨૦૦નો દંડ વસુલવામાં આવ્યો હતો. અન્ય ૩૩ મુસાફરોએ પોતાની પાસે કોઈ ટીકીટ કે ઓળખપત્ર નહિ હોવાનંુ કબુલતા વગર ટીકીટ બદલ ૪૨૯૯૦નો દંડ વસુલવામાં આવ્યો હતો. આવી રીતે પકડાયેલ ૧૦૦ મુસાફરો પાસેથી દોઢ લાખથી વધુનો દંડ વસુલાયો હતો. તપાસનીશ ટુકડીઓ ઈ-ટીકીટસ સાથે બોગસ આધારકાર્ડ પુરૂ પાડનાર એજન્ટને ઝડપી લેવા તજવીજ હાથ ધરી છે.

(12:50 pm IST)