Gujarati News

Gujarati News

News of Thursday, 1st July 2021

ધો. ૧૧ સાયન્સમાં ઊંચું જશે મેરિટ : પ્રતિષ્ઠિત સ્કૂલોમાં ૯૪%એ અટકી શકે એડમિશન

ધો. ૧૦ બોર્ડનું પરિણામ જાહેર કરી દેવાયુ છે ત્યારે ગત વર્ષની સરખામણીએ આ વર્ષે અમદાવાદમાં ૮૦ ટકાથી વધુ ગુણ લાવનારા વિદ્યાર્થીઓની સંખ્યામાં ૬,૮૨૮નો વધારો થયો છે : અમદાવાદમાં વિજ્ઞાન પ્રવાહની સ્કૂલોમાં છેલ્લો પ્રવેશ ૭૦ ટકાએ અટકશે તેવો નિષ્ણાતોનો મત : સામાન્ય રીતે વિજ્ઞાન પ્રવાહમાં છેલ્લો પ્રવેશ ૬૦થી ૬૨ ટકાએ અટકતો હોય છે

અમદાવાદ તા. ૧ : શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ ૧૦નું પરિણામ જાહેર કરી દીધા બાદ હવે ૧૧મા ધોરણમાં સાયન્સમાં પ્રવેશ માટે અમદાવાદ શહેરમાં મારામારી સર્જાઈ શકે છે. ધોરણ ૧૧ સાયન્સમાં આ વખતે મેરિટ ૧૦ ટકા જેટલું ઊંચુ જશે તેવી શકયતા નિષ્ણાતોએ વ્યકત કરી છે. જયારે શહેરની પ્રતિષ્ઠિત સ્કૂલોમાં તો પ્રવેશ માટે ભારે ધસારો જોવા મળશે. આ વખતે બોર્ડમાં ૮૧ ટકાથી ૧૦૦ ટકા વચ્ચે ગુણ લાવનારા વિદ્યાર્થીઓનો રાફડો ફાટ્યો હોવાથી શહેરની પ્રતિષ્ઠિત સ્કૂલોમાં વિજ્ઞાન પ્રવાહ માટે મેરિટ ૯૪ ટકાની આસપાસ અટકી શકે છે. અમદાવાદ શહેર અને ગ્રામ્યમાં ૮૦ ટકા ગુણ સાથે પાસ થનારા વિદ્યાર્થીઓની સંખ્યામાં ૬,૮૨૮નો વધારો થયો છે.

સ્થાનિક અખબારના અહેવાલ અનુસાર, ધોરણ ૧૦નુ પરિણામ શિક્ષણ બોર્ડ દ્વારા જાહેર થયા બાદ વિદ્યાર્થીઓની નજર ધોરણ ૧૧ સાયન્સના પ્રવેશ પર ચોંટેલી છે. ૧૧મા ધોરણમાં વિજ્ઞાન પ્રવાહમાં પ્રવેશની મારામારી સર્જાય તેવી સ્થિતિનું નિર્માણ થઈ શકે છે. આ વખતે A-1 ગ્રેડ અને A-2 ગ્રેડ મેળવનારા વિદ્યાર્થીઓની સંખ્યા ખૂબ જ વધારે છે. જેથી આ તમામ વિદ્યાર્થીઓની પ્રથમ પસંદ સાયન્સ હોવાથી અમદાવાદ શહેરમાં સાયન્સની સ્કૂલો અને તેમાં પણ પ્રતિષ્ઠિત સ્કૂલોમાં ભારે ધસારો થશે.

સમગ્ર રાજયની વાત કરીએ તો, રાજયમાં A-1 ગ્રેડમાં ૮૮૧ અને A-2 ગ્રેડમાં ૪,૭૯૨ વિદ્યાર્થીઓ પાસ થયા છે. આમ, બંને ગ્રેડના મળીને કુલ ૫,૬૭૩ વિદ્યાર્થીઓ પાસ થયા છે. જયારે ગત વર્ષે A-1 ગ્રેડમાં ૧૧૩ અને A-2 ગ્રેડમાં ૨,૦૩૪ વિદ્યાર્થીઓ પાસ થયા હતા. આમ, બંને ગ્રેડના મળીને ગત વર્ષે કુલ ૨,૧૪૭ વિદ્યાર્થીઓ પાસ થયા હતા. આમ, ગત વર્ષની સરખામણીએ આ વર્ષે ૩,૫૨૬ વિદ્યાર્થીઓ વધુ પાસ થયા છે.

અમદાવાદ ગ્રામ્યની વાત કરીએ તો, આ વખતે A-1 ગ્રેડમાં ૧,૧૫૮ અને A-2 ગ્રેડમાં ૩,૭૮૬ મળીને કુલ ૪,૯૪૪ વિદ્યાર્થીઓ પાસ થયા છે. ગત વર્ષે A-1 ગ્રેડમાં ૧૦૪ અને A-2 ગ્રેડમાં ૧,૫૩૮ મળીને કુલ ૧,૬૪૨ વિદ્યાર્થીઓ પાસ થયા હતા. આમ, બંને ગ્રેડના મળીને કુલ ૩,૩૦૨ વિદ્યાર્થીઓ વધુ પાસ થયા છે. આ વખતે આ બંને ગ્રેડમાં અમદાવાદ શહેર અને ગ્રામ્યના કુલ ૬,૮૨૮ વિદ્યાર્થીઓ વધુ પાસ થયા છે.

અમદાવાદમાં ૮૧ ટકાથી ૧૦૦ ટકા વચ્ચે ગુણ ધરાવતા ૬,૮૨૮ વિદ્યાર્થીઓ વધુ પાસ થયા હોવાથી ધોરણ ૧૧ સાયન્સમાં પ્રવેશ માટે ભારે ધસારો જોવા મળશે. ગત વર્ષે ધોરણ ૧૧ સાયન્સમાં છેલ્લે પ્રવેશ ૬૦ ટકાની આસપાસ અટકયો હતો. જોકે, આ વખતે પ્રવેશ ૭૦ ટકાએ અટકે તેવી શકયતા નિષ્ણાતોએ વ્યકત કરી છે. ધોરણ ૧૧ સાયન્સમાં પ્રતિષ્ઠિત સ્કૂલોમાં પણ ભારે ધસારો જોવા મળશે. ગત વર્ષે શહેરની પ્રતિષ્ઠિત સ્કૂલોમાં ૧૧મા સાયન્સમાં પ્રવેશ ૯૦ ટકાની આસપાસ અટકયો હતો. જોકે, આ વખતે ૯૪ ટકા અટકી શકે છે.

ગુજરાત રાજય શાળા સંચાલક મહામંડળના પ્રમુખ ભાસ્કર પટેલે જણાવ્યું કે, 'ધોરણ ૧૧ સાયન્સમાં દર વર્ષે સામાન્ય રીતે ૬૦થી ૬૨ ટકાએ છેલ્લો પ્રવેશ મળતો હોય છે. જોકે, આ વખતે છેલ્લો પ્રવેશ ૭૦ ટકાએ અટકશે. સાયન્સની પ્રતિષ્ઠિત સ્કૂલોમાં ધોરણ ૧૦ના વર્ગો વધુ અને ધોરણ ૧૧ના વર્ગો ઓછા હોય તો તેઓ પણ પોતાના વિદ્યાર્થીઓને સમાવી શકશે નહીં. આમ, ધોરણ ૧૧ સાયન્સમાં આ વખતે મેરિટ લિસ્ટ ઊંચું જશે અને પ્રવેશ માટે ભારે ધસારો થશે.'

(12:49 pm IST)