Gujarati News

Gujarati News

News of Thursday, 1st July 2021

ટ્રાવેલ્સ ઓપરેટરો કેન્દ્રનાં આર્થિક પેકેજને ગણાવે છે 'ઝાંઝવાના નીર સમાન'

ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સ ઇન્ડસ્ટ્રીમાં માત્ર ગણ્યાગાંઠયા લોકોને જ આ આર્થિક પેકેજોનો થશે લાભ

અમદાવાદ, તા.૧: કોરોના મહામારીની બીજી લહેરે દેશની આર્થિક સ્થતિ ડામાડોળ કરી નાખી છે. પ્રથમ લહેર બાદ કેન્દ્ર સરકાર દ્વારા આપવામાં આવેલી વિવિધ છૂટછાટ બાદ ફરી બીજી લહેરે અનેક નાગરિકોને બે રોજગાર તો વેપારીઓને દેવાદાર કરી દીધા છે. તેમાં પણ ખાસ કરીને ટ્રાવેલ્સ બિઝનેસ અને ટુરીઝમ બિઝબેસ સાથે સંકળાયેલા લોકોની હાલત ખૂબ કફોડી કરી દીધી છે. તેવામાં કેન્દ્ર સરકારે આ સેકટરને બેઠું કરવા માટે રાહત પેકેજની જાહેરાત કરી છે. આ રાહત પેકેજને કેટલા ટ્રાવેલ્સ કંપનીઓના માલિક આવકારે છે તો કેટલાક તેને રણના મૃગજળ સમાન ગણાવે છે.

વૈશ્વિક મહામારી કોરોનાએ સમગ્ર વિશ્વની આર્થિક સ્થિતિ ડામાડોળ કરી નાખી છે. તેમાં પણ ભારત જેવા દેશો જે વિશ્વના મોટા અર્થતંત્ર બનવા તરફ આગળ વધી રહ્યા હતા તેની સ્પીડ થંભી ગઈ છે. કોરોના મહામારીની પહેલી લહેર બાદ દેશના નાના ઉધોગકારોએ રાહતનો શ્વાસ લઈ પોતાના ધંધા ફરી ચાલુ કર્યા હતા. પરંતુ કોરોનાની બીજી લહેર આવતાની સાથે જ તમામ ધંધો ઠપ થયા. તેમા પણ ટુરિઝમ ઇન્ડસ્ટ્રી સાથે જોડાયેલા ટુર એન્ડ ટ્રાવેલ્સના ધંધાને ખૂબ મોટું નુકશાન થયું છે. આ નુકશાનની ભરપાઈ કરવા ચોકસ કેન્દ્ર સરકાર દ્વારા રાહત પેકેજ આપવામાં આવ્યું છે. જે અંતર્ગત આ ટ્રાવેલ્સ ઓપરેટરોને ૧૦ લાખ સુધીની લોન આપવામાં આવશે.

શકિત હોલીડે કંપનીના માલિક હરિભાઇ પટેલ જણાવે છે કે. કોરોના મહામારીના કારણે રાજયનો હોટેલ અને ટ્રાવેલ બિઝનેસ સંપૂર્ણ ઠપ થઇ ગયો છે. કેન્દ્ર સરકાર જે રાહત પેકેજ લઈને આવી છે તે રણના ઝાંઝવાના નીર સમાન છે. જેમાં જાહેરાતો ૧૦ લાખ સુધી લોન આપવાની કરવામાં આવે છે પરંતુ તેને વાસ્તવિકતા અલગ પ્રકારની છે. કેન્દ્ર સરકારની મિનિસ્ટ્રી ઓફ ટુરિઝમ અને ટુરિઝમ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા માં રજીસ્ટર થયેલ ટૂર એન્ડ ટ્રાવેલ્સ કંપનીઓને જ આનો ફાયદો મળશે.

કેન્દ્ર સરકાર દ્વારા જાહેરાત કરવામાં આવેલ ૧૦ લાખની લોન મેળવાના નિયમો જોવા જઈએ તો કેન્દ્ર સરકારની મિનિસ્ટ્રી ઓફ ટુરિઝમ અને ઇન્ડિયન ટુરિઝમ ડેવલોપમેન્ટ કોર્પોરેશન રજીસ્ટ્રેશન થયેલ કંપનીને જ આનો ફાયદો મળશે. જેના પરિણામે ગુજરાતના ૫દ્મક ૬ હજાર ટુર ઓપરેટરોમાંથી માત્ર ૧૦દ્મક ૧૫ મોટા ટુર ઓપરેટરોને જ આ યોજનાનો ફાયદો થાય તેવું હાલના તબક્કે લાગી રહ્યું છે. એટલે કે, મોટા ભાગના નાના ટ્રાવેલ્સ કંપનીઓને તેનો લાભ નહિ મળે તેવું ટ્રાવેલ્સ કંપનીઓના માલિકોનું માનવું છે.

શકિત હોલીડે કંપનીના માલિક હરિભાઇ પટેલ વધુમાં જણાવે છે કે, ગુજરાતમાં આ રીતે રજીસ્ટ્રેશન કરેલ માત્ર ૧૦ થી ૧૫ કંપનીઓ છે તેમાં પણ રજિસ્ટ્રેશનની અંદર અનેક પ્રકારની વિગતો અને ડિપોઝિટ કેન્દ્ર સરકાર વાગતું હોય છે એટલે કે, ઘણા ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સ કંપની સંચાલકોએ રજીસ્ટ્રેશન કરવું હોય છે પરંતુ કેન્દ્ર સરકારના નિયમો પૂરા ન કરી શકતા તેમને રાહત લોન નહીં મળે એટલે કે જો ખરા અર્થમાં કેન્દ્ર સરકારે આ ઉદ્યોગને બેઠો કરવો હોય તો ટૂર એન્ડ ટ્રાવેલ્સ કંપનીના ઇન્કમટેકસ રિટર્ન અને વાર્ષિક ધંધાના આધારે લોન આપવી જોઈએ.

ટ્રાવેલ્સ બિઝનેસ સાથે સંકળાયેલા લોકોનું માનવું છે કે, સરકાર દ્વારા જો ખરા અર્થમાં આ ધંધા ને ફરી બેઠો કરવા માંગવો હોય તો ટ્રાવેલ્સ કંપનીઓના છેલ્લા ત્રણ વર્ષના ટન ઓવર અને ઇન્કમટેકસ રિર્ટનના આધારે લોન આપવી જોઈએ જેના પરિણામે ખરા અર્થમાં લાભાર્થીને લાભ મળી રહે.

(12:49 pm IST)