Gujarati News

Gujarati News

News of Thursday, 1st July 2021

કોરોના આ વિદ્યાર્થીઓને ફળ્યો તેવો કોઇને ફળ્યો નહિ હોય

SSCમાં ૧૦૦ વિદ્યાર્થીઓને બધા વિષયમાં ઝીરો માર્ક છતાં પાસ થઇ ગયા

માસ પ્રમોશનનો ફાયદોઃ એક પણ માર્ક મેળવ્યા વગર પાસ

અમદાવાદ, તા.૧: કોરોના મહામારીમાં જો કોઈને જીવનભરનો ફાયદો થયો હોય તો તે ગુજરાતમાં ધો.૧૦ના બોર્ડના એ ૧૦૦ વિદ્યાર્થીઓ છે જેમણે એક પણ વિષયમાં કોઈ જ માર્ક મેળવ્યા વગર પર બોર્ડ પાસ કરી લીધું છે. મંગળવારે રાત્રે બહાર પડેલા ધો. ૧૦ના પરિણામમાં મહામારીના કારણે ધો.૧૦માં આપવામાં આવેલા માસ પ્રમોશનમાં ૧૦૦ વિદ્યાર્થીઓને બોર્ડે ૧૯૮ ગ્રેસ માર્ક આપી પાસ કર્યા છે.

હવે જો ગણતરી બેસાડીએ તો ધો.૧૦માં બોર્ડની પરીક્ષામાં પાસ થવા માટે વિદ્યાર્થીઓને પોતાના ૬ વિષયમાં ૩૩ માર્ક લેવાના હોય છે. તેવામાં જયારે જો બોર્ડે આ વિદ્યાર્થીઓને ૧૯૮ ગ્રેસ માર્ક આપ્યા છે તો તેનો અર્થ એ થયો કે આ વિદ્યાર્થીઓએ શું ખરેખર ૬માંથી એક પણ વિષયમાં પોતાની જાતે એક પણ માર્ક મેળવ્યો નથી? ખરેખર આંચકા જેવી વાત છે.

ભૂતકાળમાં ગુજરાત સેકન્ડરી એન્ડ હાયર સેકન્ડરી એજયુકેશન બોર્ડ (GSHSEB) ના અધિકારીઓએ જણાવ્યું હતું કે વિદ્યાર્થીઓને ચઢાઉ પાસ કરવા માટે ટોટલ ૨૪ ગ્રેસિંગ માર્ક આપવામાં આવ્યા છે. જો કે આ માટે શરત હતી કે વિદ્યાર્થીએ ઓછામાં ઓછા ૪૦ ટકા ગુણ મેળવ્યા હોવા જોઈએ. તેમજ બે જ વિષયમાં મળીને કુલ ૨૪ માર્ક બોર્ડ આપવામાં આવતા હતા. જોકે આ વર્ષની વાત અલગ છે.

આ વર્ષે બોર્ડે ધોરણ ૧૦નું પરિણામ મહામારીને ધ્યાને રાખીને મેરિટ આધારીત બનાવ્યું છે. જેમાં પરિણામ નક્કી કરવા માટે વિદ્યાર્થીઓના ધો. ૯ના પરિણામ આધારે ૪૦ ટકા, ધો.૧૦ના યુનિટ પરિક્ષાઓના આધારે ૪૦ ટકા અને આંતરિક મુલ્યાંકનના ૨૦ ટકાના આધારે માર્ક આપવામાં આવ્યા છે.

હવે અહીં મોટી રહસ્યની વાત એ છે કે આ આધારે તો પેલા ૧૦૦ વિદ્યાર્થીઓએ એવું તો કેટલું ખરાબ પ્રદર્શન કર્યું હશે કે ધોરણ ૯ના પરિણામ અને ધોરણ. ૧૦ના યુનિટ પરીક્ષાઓના પરિણામના આધારે પણ તેમને કોઈ ગુણ મળ્યા નથી અને જેના કારણે બોર્ડે તેમને તમામ ૬ વિષયામાં ગ્રેસ માર્ક આપવા પડ્યા છે.

બોર્ડના એક અધિકારીએ જણાવ્યું કે આ વિદ્યાર્થીઓને ૧૯૮ ગ્રેસ માર્ક આપવાનો અર્થ થાય છે કે તેમણે ધોરણ ૯ની પરીક્ષા અને ધોરણ ૧૦ના યુનિટ પરીક્ષાઓમાં એક પણ વિષયમાં એક માર્ક મેળવ્યો નથી. જોકે આ ન બની શકે તેવી વાત છે કારણ કે સાવ ઠોઠમાં ઠોઠ છોકરાને પણ પરીક્ષામાં ૪-૫ માર્ક તો આવી જ જતા હોય છે. જોકે આ કિસ્સામાં બીજી એક શકયતા હોઈ શકે છે કે વિદ્યાર્થીઓએ ફકત સ્કૂલમાં દાખલો લીધો હોય અને તેઓ કયારેય સ્કૂલમાં ગયા જ ન હોય.

બોર્ડના અધિકારીઓએ જણાવ્યું કે રાજયમાં આ વર્ષે ધો.૧૦ના કુલ વિદ્યાર્થીઓ પૈકી ૪૫૦૦૦ વિદ્યાર્થીઓને ૬૦થી ૧૦૦ જેટલા ગ્રેસ માર્ક આપવામાં આવ્યા છે. જયારે ૧.૬ લાખ જેટલા વિદ્યાર્થીઓને ૬૦ માર્ક સુધી ગ્રેસ માર્ક આપવામાં આવ્યા છે. અધિકારીઓએ કહ્યું કે તમામ વિદ્યાર્થીઓના માસ પ્રમોશનને લઈને કુલ મળીને ૨.૫ થી ૩ લાખ વિદ્યાર્થીઓને પાસ કરવા માટે ગ્રેસ માર્ક આપવામાં આવ્યા છે.

(10:21 am IST)