Gujarati News

Gujarati News

News of Thursday, 1st July 2021

ગાંધીઆશ્રમ મેમોરિયલ પ્રોજેક્ટ માટે સંચાલન સમિતિ તથા કાર્યવાહક કમિટીની રચના કરાઈ

જિલ્લા કલેકટરના નેજા હેઠળ આઠ સભ્યોની કમિટીમાં ત્રણ આશ્રમવાસીઓનો પણ સમાવેશ

અમદાવાદ : મહાત્મા ગાંધી અને ભારતના સ્વાતંત્ર્ય સંગ્રામના ઇતિહાસને જાળવવાના હેતુથી ગાંધીઆશ્રમ, અમદાવાદનો ગાંધીઆશ્રમ મેમોરિયલ તરીકે સર્વગ્રાહી વિકાસ કરવા માટે રાજય સરકાર દ્વારા હાથ ધરાયેલ કામગીરી માટે સંચાલન સમિતિ તથા કાર્યવાહક કમિટીની રચના કરાઇ છે. જેના ભાગરૂપે અમદાવાદ જિલ્લા કલેકટરના નેજા હેઠળ આઠ સભ્યોની સ્થાનિક સંકલન સમિતિની રચના કરાઈ છે જેમાં આશ્રમવાસીઓના ત્રણ સભ્યોનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે.

ગાંધીઆશ્રમ મેમોરિયલ તરીકે સર્વગ્રાહી વિકાસ કરવા માટે સરકાર દ્વારા કામગીરી હાથ ધરવામાં આવી છે. જેના ભાગરૂપે જ ઉદ્યોગ અને ખાણખનીજ વિભાગ દ્વારા ગાંધીઆશ્રમ મેમોરિયલના પ્રોજેક્ટની કામગીરી માટે સંચાલન સમિતિ તથા કાર્યવાહક કમિટીની રચના કરવામાં આવી છે. જેના ભાગરૂપે ગાંધીઆશ્રમ વસાહતના રહેવાસીઓ સાથે પુનવસન અંગેની કામગીરીમાં જરૂર જણાયે કાર્યવાહક સમિતિ સાથે જરૂરી સંકલન કરવા માટે સ્થાનિક સંકલન સમિતિની રચના કરવામાં આવી છે. જેમાં અમદાવાદ જિલ્લા કલેકટર સંદિપ સાગલેના અધ્યક્ષપદે રચાયેલી આ કમિટીમાં પશ્ચિમના સીટી ડેપ્યુટી કલેકટર જે.બી. દેસાઇની સભ્ય સચિવ તરીકે નિમણૂંક કરી છે.

જયારે ખાસ ફરજ પરના અધિકારી અને નાયબ મ્યુનિ. કમિશનર આઇ.કે. પટેલ ( નિવુત્ત આઇ.એ.એસ.) આઇ.કે. પટેલ, અમદાવાદ શહેરના એડીશનલ પોલીસ કમિશનર ( સેકટર -2 ) ગૈતમ પરમાર, સીટી મામલતદાર, સાબરમતી અનિતાબેન લાછુંન ઉપરાંત આશ્રમવાસીઓ હેંમત ચૈહાણ, ધીંમત બઢીયા, શૈલેષ રાઠોડનો સદસ્ય તરીકે સમાવેશ થાય છે. આ સમિતિએ સાબરમતી ગાંધી આશ્રમ વસાહતના રહેવાસીઓ સાથે પુનવસન અંગેની કામગીરીમાં કાર્યવાહક સમિતિ સાથે જરૂરી સંકલન કરવાની કામગીરી કરવાની રહેશે.

19 જણાંને 40 લાખની રકમના ચેક આપવામાં આવ્યા

ગાંધીઆશ્રમ સામે વસાહતમાં 259 લોકો વસવાટ કરી રહ્યાં છે. પ્રત્યેક વસાહતીઓને 60 લાખ રૂપિયા આપવાનું સરકારે નક્કી કર્યું છે. સરકારની યોજના અંતર્ગત ફોર્મ ભરવાના રહે છે. આ ફોર્મના આધારે તપાસ કર્યા બાદ જે મકાન અંગે કોઇ વિવાદ ના હોય તેવા લોકોને ચેકો આપવાનું શરૂ કરવામાં આવ્યું છે. પ્રથમ તબક્કામાં 40 લાખનો ચેક અને મકાનનો કબ્જો આપ્યા બાદ બાકીની 20 લાખની રકમનો ચેક આપવામાં આવશે. ગઇ તા.28મી જૂનથી અમદાવાદ જિલ્લા કલેકટર તરફથી ચેકો આપવાનું શરૂ કરવામાં આવ્યું છે. 28મી જૂનના રોજ 11 જણાંને તથા 29મી જૂનના રોજ 8 જણાંને મળીને કુલ 19 જણાંને 40 લાખના ચેકો આપવામાં આવ્યા છે. આજે મોરારજી ઘાટ પાસેના ઠાકોર વાસમાં રહેતાં નવ જણાંએ પણ ફોર્મ ભરીને આપ્યા હોવાની વિગતો સૂત્રો પાસેથી પ્રાપ્ત થવા પામી છે. આ ફોર્મના આધારે તપાસ કર્યા બાદ તેમને પણ ચેકો આપી દેવામાં આવે તેવી વિગતો જાણવા મળી છે.

મળતી માહિતી મુજબ અંદાજે 40 જેટલાં આશ્રમવાસીઓએ 60 લાખ રૂપિયા લઇને મકાનનો કબ્જો આપી દેવાનું વિચાર્યું હોવાનું જાણવા મળે છે. જો કે હજુ કેટલાં લોકો મકાનની સામે મકાન તથા મકાનની સામે રકમ લેશે તે બાબતની કાર્યવાહી ચાલતી હોવાથી હજુ સ્પષ્ટ થઇ નથી. સરવાળે સરકારે ગાંધીઆશ્રમ વિકાસની કામગીરી હાથ પર લીધી છે.

(9:14 pm IST)