Gujarati News

Gujarati News

News of Wednesday, 1st July 2020

સુરતના પૂર્વ કલેક્ટર મહેન્દ્ર પટેલ મેટ્રો રેલ કોર્પોરેશનમાં એક્ઝિક્યુટીવ ડાયરેક્ટર નિયુક્ત

સુરત મહાનગરપાલિકામાં કોરોનાને અંકુશમાં લેવા માટે પણ વધારાની જવાબદારી સોંપાઈ

ગાંધીનગર: રાજ્ય સરકાર દ્વારા વધુ એક નિવૃત સનદી અધિકારી મહેન્દ્ર પટેલની ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશન લિમિટેડ સુરતના એક્ઝિક્યુટીવ ડાયરેક્ટર તરીકે નિમણૂંક કરાઈ છે મહેન્દ્ર પટેલને મેટ્રો રેલ ઉપરાંત સુરત મહાનગરપાલિકામાં કોરોનાને અંકુશમાં લેવા માટે પણ વધારાની જવાબદારી સોપવામાં આવી છે.

 ગુજરાત સરકારે છેલ્લા એક મહિનામાં પાંચ જેટલા નિવૃત સનદી અધિકારીઓને પુન નિમણૂંક આપી છે. સુરતના પૂર્વ કલેક્ટર મહેન્દ્ર પટેલને સુરત મેટ્રો રેલ પ્રોજેક્ટ કોર્પોરેશન લિમિટેડના એક્ઝિક્યુટીવ ડાયરેક્ટર તરીકે નિમણૂંક આપી છે. સરકારે અગાઉ જે પાંચ નિવૃત અધિકારીઓને નિમણૂંક આપી હતી તેમાંથી ત્રણ અધિકારીઓને સુરત મહાનગરપાલિકામાં OSD (ઓફિસર ઓન સ્પેશ્યલ ડ્યુટી) તરીકે એક વર્ષની મુદ્દત માટે નિમણૂંક આપી છે. જ્યારે નિવૃત સનદી અધિકારી સીઆર ખરસાણને અમદાવાદ મહાનગરપાલિકામાં OSD બનાવાયા છે. સરકારે આજે વધુ એક નિવૃત સનદી અધિકારીને પુન નિમણૂંક આપી હતી. મહેન્દ્ર પટેલ 2003 બેચના નિવૃત આઇએએસ છે. 2017 વિધાનસભાની ચૂંટણીના સમયે મહેન્દ્ર પટેલ સુરત કલેક્ટર હતા. તે વખતે સુરત શહેરની સંખ્યાબંધ સોસાયટીઓના નામો મતદાર યાદીમાંથી ઉડી ગયા હતા. સરકારના વિશ્વાસુ અધિકારી હોવાથી તેમણે સુરત મેટ્રો રેલ કોર્પોરેશન લિમિટેડમાં એક્ઝિક્યુટીવ ડાયરેક્ટર તરીકે નિમણૂંક આપી છે. સરકાર મહેન્દ્ર પટેલને 2017ની વિધાનસભા ચૂંટણીમાં ટિકિટ પણ આપવાની હતી પરંતુ તેમણે સુરત કલેક્ટર તરીકે ચાલુ રાખવાથી મોટો ફાયદો હોવાથી તેમણે ટિકિટ આપી નહતી.

(12:35 am IST)