Gujarati News

Gujarati News

News of Wednesday, 1st July 2020

પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ પેકેજ યોજના હેઠળ ગુજરાતના ત્રણ કોરોના વોરીયર્સને રૂપિયા ૧.૫ કરોડની સહાય ચૂકવાઈ

અન્ય ૪ કર્મચારીઓના પણ ક્લેઈમના ડોકયુમેન્ટ તૈયાર : તેઓના આશ્રિતોને નજીકના સમયમાં સહાય ચૂકવાશે

 અમદાવાદ : વૈશ્વિક મહામારી કોવીડ-૧૯ના રોગચાળા દરમ્યાન દર્દીઓની સારવાર-સેવા કે આ રોગના અટકાયત અંગેની કામગીરીમાં સેવારત તબીબો, આરોગ્ય કર્મીઓ કે અન્ય કોઈ પણ કર્મચારીનું કોવીડ-૧૯નું સંક્રમણ થવાના કારણે મૃત્યુ થાય તો તે સંજોગોમાં આ કર્મચારીના આશ્રિતોને સહાયરૂપ થવા ભારત સરકાર દ્વારા પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ પેકેજ યોજના હેઠળ રૂ. ૫૦ લાખની સહાય આપવાની જાહેરાત કરવામાં આવી છે. આ પેકેજ અંતર્ગત ગુજરાતના ૦૩ કોરોના વોરીયર્સને ૧.૫ કરોડની સહાય ચૂકવી દેવામાં આવી છે જેમાં અમદાવાદના રેગીનાબેન ક્રિશ્ચન, કેથરીનબેન ક્રિશ્ચન અને રીટાબેન ક્રિશ્ચનના દુખ:દ નિધન થતા તેમના આશ્રિતોને મૃતક દિઠ રૂ.૫૦ લાખની સહાય ચૂકવવામાં આવી છે તેમ રાજ્ય સરકારના આરોગ્ય વિભાગ દ્વારા જણાવાયુ છે.
 આરોગ્ય વિભાગ દ્વારા અપાયેલી માહિતી મુજબ રાજ્યના મૃત્યુ પામેલા અન્ય ૦૪ કોરોના વોરિયર્સના ક્લેઈમના ડોકયુમેન્ટ તૈયાર થઈ ગયા છે. તેઓના આશ્રિતને પણ નજીકના સમયમાં આ સહાયની રકમ ચુકવી દેવામાં આવશે.
  ગુજરાત રાજ્યમાં કોવીડ-૧૯ના રોગચાળા દરમ્યાન આજદિન સુધી કુલ- ૪૦૭ આરોગ્ય કર્મચારી/અધિકારી કોરોના વાયરસથી ચેપગ્રસ્ત થયા છે. જે પૈકી તા.૩૦મી જૂન સુધી કુલ- ૭ કોરોના વોરીયર્સના દુઃખદ અવસાન પણ થયા છે. જેમાં એક તબીબ, બે સ્ટાફ નર્સ, એક ફિમેલ હેલ્થ વર્કર, એક એલ.એચ.વી., એક મલ્ટી પર્પઝ હેલ્થ સુપરવાઈઝર તથા એક પેસન્ટ એટેન્ડટનો સમાવેશ થાય છે. આ તમામ અધિકારી/કર્મચારીઓને પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ પેકેજ હેઠળ મૃત્યુ પામેલા પ્રત્યેક કોરોના વોરિયર્સ દિઠ રૂ. ૫૦ લાખની સહાય ભારત સરકાર દ્વારા મળવા પાત્ર થાય છે. જે અંતર્ગત અમદાવાદ મ્યુનીસીપલ કોર્પોરેશનમાં એલ.એચ.વી. તરીકે ફરજ બજાવતા રેગીનાબેન ક્રિશ્ચન, અમદાવાદ સિવિલ હોસ્પિટલ ખાતે હેડ નર્સ તરીકે ફરજ બજાવતા કેથરીનબેન ક્રિશ્ચન અને અમદાવાદના ફિમેલ હેલ્થ વર્કર રીટાબેન ક્રિશ્ચનના દુખ:દ નિધન થતા તેમના આશ્રિતોને મૃતક દિઠ રૂ.૫૦ લાખની સહાય ચૂકવવામાં આવી છે.

આ તમામ કર્મચારીઓના આશ્રિતના બેંક ખાતામાં રૂ.૫૦ લાખની સહાય ન્યુ ઇન્ડિયા ઈન્સ્યોરન્સ કંપની મારફતે સીધા જમા કરાવવામાં આવ્યા છે તેમ વધુમાં જણાવાયું છે.

(8:00 pm IST)