Gujarati News

Gujarati News

News of Wednesday, 1st July 2020

વકીલોને ગુજરાત સરકાર માસિક આર્થિક સહાય આપે

HCના ચીફ જસ્ટિસને પત્ર : વકીલોને રૂપિયા અઢી લાખથી લઈને રૂપિયા પાંચ લાખ સુધી બેન્ક ગેરંટી વગરની રાહત દરે લોન આપવા સૂચના

અમદાવાદ, તા. ૧ : ગુજરાત પ્રદેશ કોંગ્રેસના લીગલ અને હ્યુમન રાઈટ્સ સેલના કન્વીનર અને રાજકોટ બાર એસોસિયેશનના સેક્રેટરીએ વકીલોની કથડતી આર્થિક સ્થિતિને લઈને હાઈકોર્ટના ચીફ જસ્ટિસને પત્ર લખ્યો છે. આ પત્રમાં એવી રજૂઆત કરવામાં આવી છે કે, કોરોના વાયરસના લીધે  રાજ્યભરમાં કોર્ટની રાબેતા મુજબની કામગીરી બંધ છે.

આ સ્થિતિમાં ડિસેમ્બર સુધી કોઈ સુધારો થાય તેવા કોઈ અણસાર નથી. જેના લીધે રાજ્યની વિવિધ કોર્ટમાં કામ કરતાં અનેક વકીલોની આવક બંધ થઈ છે. જ્યાં સુધી કોર્ટની કામગીરી રાબેતા મુજબ ચાલુ થાય નહીં ત્યાં સુધી ગુજરાત સરકાર દ્વારા વકીલોને  સહાય આપવામાં આવે.

રજૂઆત પ્રમાણે, માસિક  રૂપિયા ૧૫૦૦૦થી લઈને રૂ. ૨૫૦૦૦ સુધી આર્થિક સહાય આપવામાં આવે અથવા તો પ્રધાનમંત્રી આત્મનિર્ભર યોજનામાં તમામ વકીલોનો સમાવેશ કરો અથવા રાજ્ય સરકાર વકીલો માટે ખાસ પેકેજની જાહેરાત કરે. જેમાં વકીલોને રૂપિયા અઢી લાખથી લઈને રૂપિયા પાંચ લાખ સુધીની બેન્ક ગેરંટી વગરની રાહત દરે લોન આપવાની સુચના આપો.

આ પત્ર લખનારની માગ છે કે, હાઈકોર્ટના ચીફ જસ્ટિસ આ પત્રને સુઓમોટો (સ્વયં સંજ્ઞાન) લઈને યોગ્ય કાર્યવાહી કરે તેવી નમ્ર વિનંતી છે.

મહત્વનું છે કે, કોરોના વાયરસના લીધે દેશ વ્યાપી લૉકડાઉન અમલી છે. જેના લીધે હાઈકોર્ટ સહિત રાજ્યની તમામ કોર્ટની રાબેતા મુજબની કાર્યવાહી બંધ છે, તેના બદલે કોર્ટમાં વિવિધ કેસની સુનાવણી વીડિયો કોન્ફરન્સિંગથી થઈ રહી છે.

(7:57 pm IST)